ઈકો-સ્પેશિયલ : મહાકુંભની મહા સફળતાનું મહા અર્થકારણ

-જયેશ ચિતલિયા
ગયો આખો મહિનો દેશ-વિદેશોમાં ભારતના રાજય ઉત્તરપ્રદેશના શહેર પ્રયાગરાજના મહાકુંભની ચર્ચા રહી, એનાં કારણ અને ત્યાં સર્જાયેલા વિક્રમો જાહેર છે. આ એક એવી અભુતપૂર્વ ઐતિહાસિક ઘટના હતી, જેનાં સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક પાસાંઓની અનેક વાત છે, પરંતુ આપણે અહીં ના આર્થિક પાસાંની ચર્ચા કરીએ. લોકોની શ્રધ્ધા- અંધશ્રધ્ધા કે વિશ્વાસ કે માન્યતા જે પણ કહો, વાસ્તવિકતા એ છે કે વિશ્વભરમાંથી આશરે 66 કરોડ લોકો મહાકુંભમાં સહભાગી થયા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જેવા એક જ સ્થળે આવી વિરાટ માનવમેદની ભેગી થાય ત્યાં એ બધાને ધાર્મિક, આધ્યામિક અને સાંસ્કૃતિક અનુભવ થાય, પણ સાથે-સાથે રાજયના અર્થતંત્ર માટેય ર એક અ-નોખી ઘટના ગણાય, કારણ કે અહીં એક અંદાજ મુજબ રૂા. 3 લાખ કરોડનો વેપાર-ધંધો
નોંધાયો છે.
આ અવસરે દેશ ઉપરાંત વિદેશની નાની-મોટી અનેક હસ્તીઓએ મહાકુંભમાં ભાગ લીધો એના કારણ મહાકુંભને એક ગ્લોબલ ઈમેજ મળી. એકંદરે એક રાજય તરીકે ઉત્તર પ્રદેશને અને એક શહેર તરીકે પ્રયાગરાજને ભરપૂર આર્થિક લાભ થયો. તેની આસપાસના વિસ્તારોને પણ આર્થિક લાભ થયો. હોટેલ, લોજ, ધર્મશાળાઓ, ટ્રેનો, ફલાઈટસ, બસો, રિક્ષાઓ, બોટસ વગેરેના ધંધા જોરમાં રહ્યા. કંઈક લોકોએ તો આખા વરસની કમાણી આ એક જ મહિનામાં કરી લીધી.
અગાઉ રામ મંદિર સ્થાપ્ના અને હમણાં કુંભમેળાના અવસરને લીધે યુપીના ટુરિઝમ ઉધોગને નવું અને નકકર પ્રેરકબળ પ્રાપ્ત થયું છે. આ પરિબળ ઉત્તર પ્રદેશને એક વિશિષ્ટ સ્થાન બનાવી દેશે એ ઉપરાંત, હવે પછી દેશનાં અન્ય રાજ્યોનાં ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પર યાત્રા-પ્રવાસ વધતા જવાના છે. અર્થાત્, જે પ્રકારે અને સ્વરૂપે મહાકુંભની સફળતા રહી છે તેને ધ્યાનમાં રાખતાં કોઈ પણ નવા રાજકરણ વિના કે રાજકીય કાવાદાવા વિના ભારતમાં સનાતન ધર્મ-હિંદુ ફિલસૂફી, પરંપરાઓ, માન્યતાઓ, આસ્થા વધી રહી છે. ભારતના ટુરિઝમ ઉધોગને એક નવી જ દિશા મળી છે. એ તરફ, યુવાવર્ગ, વિદેશી વર્ગ પણ નવા ઉત્સાહ સાથે આકર્ષાશે. મહાકુંભને પરિણામે કે પ્રતાપે ઉત્તર પ્રદેશ સરકારને અંદાજિત રૂ.54000 કરોડની રેવન્યુ મળી છે. આ રાજય અને શહેરોના સ્થાનિક લોકોને કલ્પના બહાર મુલાકાતીઓની વિવિધ ડિમાંડ-સપ્લાયનું એક નોખું ઈકોનોમિકસ અહીં જોવા મળ્યું. આર્થિક-સામાજિક નિષ્ણાતો કહે છે કે આવા અવસર હવે માત્ર ધાર્મિક સ્વરૂપનાં રહ્યાં નથી, બલકે તેના પરિણામે આર્થિક અસરો પણ મોટે પાયે જોવાય છે. નાના વેપારીઓથી માંડી ફેરિયાઓ અને જાયન્ટ કૉર્પોરેટસની આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળતી થઈ છે.
કુંભમેળા દરમિયાન બૅન્કોની વિશિષ્ટ કામગીરી પણ જોવા મળી હતી. નાણાકીય વ્યવહારો માટે આ મહાકુંભ વખતે 16 બૅન્કોએ તેમની ખાસ શાખાઓ અહીં સ્થાપી હતી અને આશરે રૂ. 37 કરોડના વ્યવહાર થયા હતા, જેમાં ‘સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા’ મોખરે રહી હતી. બૅન્કોએ 55 જેટલાં એટીએમ પણ સેટ કર્યાં હતાં, જોકે ડિજિટલ વ્યવહારોને લીધે એટીએમની ડિમાંડ ધારણા કરતાં ઓછી રહી હતી. મહાકુંભમાં આશરે 76 જેટલા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, વિવિધ દેશોના લોકો ભારતીય ધાર્મિક-આધ્યાત્મિક પ્રસંગોમાં- ઉત્સવોમાં કેટલો રસ લે છે તેનો આ જબરદસ્ત પુરાવો હતો. એકલા નેપાળમાંથી પચાસ લાખ મુલાકાતીઓ હાજર રહ્યા હતા.
રાજ્યો અને પ્રજાના હિતમાં ઉત્તર પ્રદેશ સરકારે આ પ્રસંગ માટે રૂ.7000 કરોડ ફાળવ્યા હતા, જયારે કેન્દ્ર સરકારે પ્રયાગરાજની કાયાપલટ માટે રૂ.15000 કરોડની ફાળવણી કરી હતી. સરકાર સ્થાપિત અને આયોજિત ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનોલૉજીસ દ્વારા પણ આ પ્રસંગને પાર પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહાકુંભ એક એવો બેન્ચમાર્ક અવસર થઈ ગયો કે તે ભાવિ ધાર્મિક-આધ્યાત્મિક અવસરો માટે પણ દાખલારૂપ બનશે. આ ઘટના દેશ માટે અર્થતંત્રના વિકાસમાં નવી નોંધપાત્ર ભૂમિકા ભજવશે. આમાંથી પાઠ લઈ વિવિધ રાજય સરકારો અને કેન્દ્ર સરકાર આ દિશામાં વધુ વિચારીને ભવિષ્ય માટે રિલિજીયસ-સ્પિરિચ્યુઅલ ટુરિઝમના વિકાસ માટે ખાસ વ્યૂહરચનાઓ પ્લાન કરી શકે છે, જે તમામ સંબંધિત રાજય- પ્રજા તેમ જ વેપાર- ઉધોગના આર્થિક વિકાસમાં સહાયરૂપ થશે.