મનોરંજન

આ બન્ને વખણાયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થશે

થિયેટરોમાં હાલ છાવા ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલની આ ફિલ્મ ચોથા શનિવારે પણ દર્શકોને આકર્ષી રહી છે. ફિલ્મે 450 કરોડ કરતા વધારેનું કલેક્શન કર્યુ છે. થિયેટરોમાં ભલે છાવાની કમાણી અટકાવી શકે તેવી ફિલ્મો નથી, પરંતુ બે ફિલ્મો છે જે સારી અને તાજી સ્ટોરી જોવાવાળા દર્શકોને ગમે તેવી છે, જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મો પોતાના બજેટના અડધા નાણા પણ લગભગ કમાઈ શકશે નહીં, તેમ લાગી રહ્યું છે.

એક તો સોહમ શાહની સાઈકો-થિલર ક્રેઝી થિયેટરોમાં ગયા શુક્રવારે રિલિઝ થઈ છે. હંમેશાં નવું લાવવા જાણીતા સોહમ શાહ આ વખતે પણ એકદમ દમદાર સ્ક્રીપ્ટ અને ડિરેક્શન સાથે ક્રેઝી ફિલ્મ લઈને આવ્યો છે, પરંતુ બોક્સ ઓફિસ પર તે પીટાઈ ગઈ છે. રૂ. 20 કરોડના ખર્ચે બનેલી ફિલ્મને IMDb રેટિંગમાં 10માંથી 9.1 રેટિંગ મળી છે, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કલેક્શન કરવામાં ખાસ સફળ થઈ નથી. શુક્ર અને શનિવારે મળીને ફિલ્મે 2.15 કરોડનું જ કલેક્શન કર્યું છે.

તો બીજી બાજુ ઘણા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વકાણાયેલી રીમા કાગતીની સુપરબોયઝ ઓફ માલેગાંવ પણ થિયેટરોમાં છે, પરંતુ તેને પણ દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો નથી. IMDb રેટિંગ્સમાં આ ફિલ્મને 10માંથી 8 રેટિગ્સ મળી છે, પરંતુ બોક્સ ઓફિસ પર બે દિવસમાં માત્ર 1.15 કરોડનું જ કલેક્શન થયું છે. મહારાષ્ટ્રમાં આવેલા માલેગાંવના પાંચ-સાત છોકરાઓની ફિલ્મ બનાવવાની ધગશની વાર્તા છે, જે વરૂણ ગ્રોવરે લખી છે.

આ પણ વાંચો…છૂટાછેડાના અહેવાલો વચ્ચે દીકરાની બર્થ ડે પાર્ટીમાં ગોવિંદા ગેરહાજર

જોકે ઘણી એવી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર જે તે સમયે સારો દેખાવ ન કરી શકી હોય, પરંતુ જેમણે જોઈ હોય તેમને ખૂબ ગમી હોય. આવી જ એક ફિલ્મ સનમ તેરી કસમ તાજેતરમાં જ રિ રિલિઝ થઈ હતી અને ફિલ્મે રૂ. 53 કરોડથી પણ વધારે કલેક્શન કર્યું હતું. દર્શકોએ શું જોવું અને શું નહીં તે તેમની પસંદગીની વાત છે, પરંતુ જો સારી વાર્તા સાથેના નવા પ્રયોગોને સારો પ્રતિસાદ ન મળે તો સર્જકો નિરાશ થાય છે અને આવી ફિલ્મોમાં પૈસા રોકનારા પણ મળવા મુશ્કેલ બની જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button