મહારાષ્ટ્રમાં કેન્દ્રીય પ્રધાનની દીકરી જ સુરક્ષિત નથીઃ જાણો વિગતો

મુંબઈઃ કોઈ સામાન્ય છોકરીની છેડતી થાય, તેને અસુરક્ષાનો અનુભવ થાય તે પણ સ્વીકાર્ય નથી અને આવો એક કેસ પણ જે તે રાજ્ય અને દેશમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઊભા કરવા પૂરતો છે, તો મહારાષ્ટ્ર રાજ્યમાં તો ખુદ સત્તાધીશ પક્ષના મહિલા કેન્દ્રીય પ્રધાનની દીકરીની છેડતીનો મામલો બહાર આવ્યો છે અને પ્રધાને પણ અન્ય સામાન્ય માતા-પિતાની જેમ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે,
શું બની છે ઘટના
આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર ભાજપના કેન્દ્રીય રાજ્ય પ્રધાન રક્ષા ખડસેની દીકરી સહિત ત્રણ-ચાર અન્ય છોકરીઓને જળગાંવમાં એક યાત્રા સમયે બદમાશોએ હેરાન કરી હતી અને તેમનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ અંગેની ફરિયાદ ખડસેએ મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ મામલે પોલીસે જોઈએ તેટલી ગંભીરતા ન દાખવતા ખડસે આક્રમક થયા હતા અને પોતે પોલીસ સ્ટેશન ગયા હતા. સ્વાભાવિક છે કે તેમના કાર્યકર્તાઓ ત્યાં જમાવડો કર્યો હતો અને મામલો ગરમાયો હતો. ખડસેની દીકરી અને તેની બહેનપણીઓ યાત્રામાં ભાગ લેવા ગઈ ત્યારે અમુક અસામાજિક તત્વોએ ધક્કામુક્કી કરી હતી અને તેમનો વીડિયો ઉતાર્યો હતો.રક્ષા ખડસેએ પોતે રોષ વ્યક્ત કર્યો હતો કે અમારા જ પરિવારની દીકરીઓ જો સુરક્ષિત નથી તો સામાન્ય પરિવારોની છોકરીઓની સુરક્ષાની શું વાત કરી શકાય.
આ પણ વાંચો…પ્રોપર્ટી ટેક્સની વસૂલી: મહિનો બાકીને લક્ષ્યથી 1,000 કરોડ રૂપિયા દૂર છે મુંબઈ સુધરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગૃહ ખાતું ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં છે અને મહિલા સુરક્ષાના પ્રશ્નો રોજ ઊભા થતાં રહે છે. આ મામલે વિરોધીઓ ટીકા કરે તે તો ઠીક છે, પરંતુ ખુદ પોતાના પક્ષના પ્રધાન સ્તરની વ્યક્તિ જો અસંતોષ દર્શાવે તે ગંભીર મામલો કહી શકાય.
આ મામલે મુંબઈ સમાચાર પોલીસ ખાતાનો સંપર્ક સાધી શકી નથી.