Champions Trophy 2025ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે રોમાંચક મેચ, વાંચો પિચ અને વેધર રીપોર્ટ

દુબઈ: ICC champions Trophy2025 ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આજે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે (IND vs NZ) દુબઈમાં રમાશે. ગ્રુપ-Aની આ બંને ટીમોએ સેમીફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે, છતાં આ મેચ મહત્વની રહેશે. બંને ટીમો ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે, બંને ટીમોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી છે, બંને ટીમો આ મેચ જીતીને આત્મવિશ્વાસ સાથે સેમીફાઈનલ તરફ જવા ઈચ્છશે.

ન્યુઝીલેન્ડ આપશે મજબુત ટક્કર:
ન્યુઝીલેન્ડના બેટર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમે ટુર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી, આ મેચમાં મેચમાં વિલ યંગ અને ટોમ લેથમે સદી ફટકારી હતી. ત્યાર બાદ બાંગ્લાદેશ સામે રચિન રવિન્દ્રએ શાનદાર સદીના ફટકારી હતી, આ મેચ ન્યુઝીલેન્ડે 6 વિકેટથી જીતી હતી.

ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન:
બીજી તરફ આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું, જેમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી, ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને ભારતને જીત અપાવી. પાકિસ્તાન સામેની મેચમાં, વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ભારતને જીત અપાવી. ઇન-ફોર્મ ખેલાડીઓથી ભરેલી બંને ટીમો વચ્ચેની મેચ રોમાંચક રહે તેવી પુરેપુરી શક્યતા છે.

Also read: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ હાઈ સ્કોરિંગ બની શકે

પીચ રીપોર્ટ:
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે મદદરૂપ છે. અહીં નવા બોલ સામે બેટિંગ કરવી સરળ રહે છે. જોકે, મિડલ ઓવર્સમાં સ્પિનર્સ રન ફ્લોને રોકવામાં સફળ રહ્યા છે. આ મેદાનમાં રન ચેઝ મુશ્કેલ રહે છે, કારણ કે બીજી ઇનિંગમાં પિચ બેટિંગ માટે ધીમી થઈ જાય છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ મેદાન પર બાંગ્લાદેશની ટીમ 228 રન અને પાકિસ્તાનની ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પીચ પર 280 ની આસપાસનો સ્કોર સ્પર્ધાત્મક માનવામાં આવે છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.

વરસાદની શક્યતા કેટલી?
આ અઠવાડિયે, વરસાદને કારણે ટુર્નામેન્ટની બે મેચ રદ કરવામાં આવી હતી. જોકે, રદ થયેલી બંને મેચ પાકિસ્તાનમાં હતી. જોકે આજની મેચ UAEના દુબઈમાં હોવાથી વરસાદ નડતરરૂપ નહીં રહે. રવિવાર, 2 માર્ચ, 2025 ના રોજ દુબઈ માટેની આગાહી મુજબ બપોરે પવન ફૂંકાશે, વરસાદની શક્યતા માત્ર એક ટકા છે. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. મેચ દરમિયાન તાપમાન 25 ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેવાની ધારણા છે. અહીં રમાયેલી અગાઉની મેચની જેમ આજે પણ ડ્યુ મોટું ફેક્ટર નહીં રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button