ઉત્સવ

મુલાકાત : ગમગીનીએ આપી ગઝલ ગઝલે બક્ષી કામયાબી!

-ભરત ઘેલાણી

એક વર્ષ પહેલાં 26 ફેબ્રુઆરીએ પોતાના શ્વાસની અને પોતાની ગઝલદુનિયા સંકેલી લીધી એવા 72 વર્ષીય ખ્યાતનામ ગાયક પંકજ ઉધાસની જીવનગઝલ… એમની એક દીર્ધ મુલાકાતનો કેટલોક અંશ (ઉત્તરાર્ધ)…

રાજકોટના જાગનાથ પ્લૉટની ગરબીમાં 51 રૂપિયા મળેલા – ‘કામના’ ફિલ્મના ગીત માટે 501 મળ્યા… આટલાં વર્ષે કારકિર્દીની કેડી પર માત્ર આટલા જ કદમ આગળ વધાયું એનું ફ્રસ્ટ્રેશન પંકજને કોરી ખાવા લાગ્યું.

અચાનક શૂન્યાવકાશ સર્જાય ત્યારે બહુ જ ડિપ્રેસ-હતાશ થયેલી વ્યક્તિ બે જ વાત વિચારી શકે. એક આત્મહત્યા કરવાનું અને બીજું પ્રેમમાં પડવું…

પંકજને આત્મહત્યાનો વિચાર નહોતો આવ્યો- એ પ્રેમમાં પડ્યો. નિરાશાના દિવસોમાં બધી જ બાજુએથી જાકારો મળતો હોય ત્યારે આપણને સમજી શકે, જેના ખભા પર માથું ઢાળી વ્યથા વ્યક્ત કરી શકો એવી એક હમદર્દ પંકજને મળી પણ ગઈ. (જેનું નામ પંકજભાઈએ અમને ન આપ્યું) બહુ સમીપ આવી ગયેલી એ અનામી હમદર્દ સાથે લગ્નનું પણ નક્કી થઈ ગયું.

‘બધું જ ગોઠવાઈ ગયું હતું ત્યાં ફરી કુદરતે ક્રૂર મજાક કરી. જેટલી ઝડપથી અમે નજીક આવેલાં તેથી વધુ ઝડપે દૂર હડસેલાઈ ગયાં…’

એ પ્રથમ પ્રેમની નિષ્ફળતાની વાત કરતી વખતે પંકજના સ્વરમાં ગમગીની ભળી ગઈ હતી.

એ નિષ્ફળ લવ સ્ટોરી પર હજુ પૂર્ણવિરામ મુકાયું હતું ત્યાં અચાનક પંકજના પેલા ગઝલપ્રેમી મિત્ર રમેશ સહાનીનું કાર્ડ આવ્યું: ‘ટોરન્ટો (કેનેડા)માં હું સારી રીતે ગોઠવાઈ ગયો છું. બહુ દિવસથી મળ્યા નથી. આવી જા. અઠવાડિયા માટે પણ મળી જા…!’

ભારે લોભામણું એ નિમંત્રણ હતું. બધી જ વ્યથાને ભૂલી જવાનું એ તેડું હતું. પંકજ ભારત છોડી ભાગી જવા તૈયાર થઈ ગયો ..ટિકિટ પણ આવી ગઈ…

‘પૈસા?’

‘ભાઈ નિર્મલનો એક મિત્ર ટ્રાવેલ એજન્ટ મારી બધી જ વાતથી વાકેફ. મારા હાથમાં ‘બૉમ્બે – ટૉરન્ટો ઍન્ડ બેક ટુ બૉમ્બે’ની રિટર્ન ટિકિટ પકડાવી દેતાં એણે કહ્યું: ‘દોસ્ત, જા ભાગી જા! કમાય ત્યારે ટિકિટના પૈસા ચૂકવજે…!’
આમ ‘ક્રેડિટ’ પર મળેલી એ ઍર-ટિકિટ વત્તા… 20 ડૉલર લઈને પંકજે ભારત છોડ્યું અને હા, સામાનમાં એણે માત્ર સાથે લીધેલું એક માત્ર હાર્મોનિયમ..!


‘અને એ હાર્મોનિયમે જ ખરો રંગ રાખ્યો!’

અમારી મુલાકાતનો બીજો દૌર શરૂ થયો ત્યારે સ્મિત ફરકાવતાં પંકજે વાત આગળ વધારી:

‘કેનેડામાં રહેવા માટે માત્ર એક મહિનાના જ વિઝા હતા, પરંતુ રમેશને ત્યાં થયેલી મિત્રોની એક પાર્ટીમાં મેં પેશ કરેલી ગઝલોનો દૌર એવો જામ્યો કે એક મહિને નહીં, પૂરા દસ મહિના પછી નવા ઉત્સાહ-જોમ સાથે ભારત પાછો ફર્યો!’
રમેશ સહાનીની પાર્ટીમાં ગાયેલી ગઝલોએ પંકજને કેનેડામાં અનેક મિત્રો આપ્યા. એમાંથી એકે રેડિયો પર અને બીજાએ ટીવી પર પંકજની ગઝલો પેશ કરવા માંડી. કેનેડાના ભારતીય શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા. ઠેરઠેરથી પ્રોગ્રામની ઑફર આવવા માંડી. રાતોરાત પંકજનું નામ ‘ભારતના મશહૂર ગઝલગાયક’ તરીકે કેનેડામાં ગુંજી ઊઠ્યું.. એમાંય ‘ઘૂંઘરુ તૂટ ગયે…’ ગીતે ગજબની જમાવટ કરી દીધી હતી…

પંકજ ઉધાસ એ દિવસો યાદ કરીને ઉમેરે છે: ‘સુખના એ 10 મહિનાએ મને મુંબઈ પાછા ફરીને સંજોગો સામે લડી લેવાનું બળ આપ્યું, પણ…’

  • પણ મુંબઈ પાછા ફરેલા પંકજનું નસીબ ફરી બે ડગલા પાછળ હઠી ગયું. કેનેડામાં ભલે સફળ થયા, મુંબઈમાં કોણ ભાવ પૂછે? ફરી એક વર્ષ ભારે ખરાબ ગયું. છેક એક વરસ પછી ઈસ્ટ આફ્રિકા- નાઈરોબીના પ્રોગ્રામનું નિમંત્રણ આવ્યું.
    ‘પણ એમાં હું નિષ્ફળ નીવડ્યો.’ ખેલદિલીથી પોતાની અસફળતા સ્વીકારી લેતાં પંકજ ઉમેરે છે:

‘કેનેડા કરતાં અહીં માહોલ સાવ જુદો હતો. આફ્રિકા રહેતા ભારતીયો પાકિસ્તાન અને આપણા અનેક ગઝલગાયકોને સાંભળી ચૂક્યા હતા. ત્યાંના શ્રોતા ટકોર કરવા માંડ્યા: ‘બીજાની ગઝલો શા માટે પેશ કરો છો? એ તો અમે બધાએ એમના સ્વમુખે સાંભળી છે. તમારું પોતાનું રચેલું અને અગાઉ ક્યાંય પેશ ન થયેલું કાંઈ છે તમારી પાસે? તો સંભળાવો…’

મૂળ ગઝલની તમે નકલ પણ સારી રીતે પેશ કરો તોય તે અસ્સલ બની નથી જતી. આ વાસ્તવિકતા પંકજને સમજાઈ ગઈ.

‘બેકારીના એ દિવસોમાં ઘરમાં પલાંઠી વાળી નવા નવા શાયરોની અજાણી ગઝલો વાંચવા માંડી, તેમાંથી પસંદગી કરી તર્જો તૈયાર કરવા લાગ્યો.’

આ તૈયારીમાં પંકજને એક ગુજરાતીનો સાથ મળી ગયો. મૂળ અમદાવાદના પણ મુંબઈના કફ પરેડ પર રહેતા રજનીભાઈ કોઠાવાલા ગઝલના ગજબ શોખીન. નામી-અનામી શાયરો, ગાયકોનાં પુસ્તકોથી માંડી રેકોર્ડ્ઝ-કેસેટ્સનો અદ્ભુત સંગ્રહ કરેલો. પંકજ માટે પોતાનો એ સંગ્રહ રજનીભાઈએ ખુલ્લો મૂકી દીધો….

ધીમે ધીમે આપણે ત્યાં ગઝલની હવા જામવા લાગી હતી. તવાયફના કોઠે નજરબંધી થયેલી ગઝલોએ કરોડપતિની કોઠી અને ફાઈવ સ્ટાર હોટેલોમાં સ્થાન જમાવી દીધું. રાતોરાત ગઝલે ગજબનાક છલાંગ લગાવી. ગઝલગાયકોનું પૂર ઊમટ્યું. જગજિત સિંહ-ચિત્રા ઉપરાંત અનુપ જલોટા અને તલત અઝીઝ એ વખતે ગઝલની દુનિયાના સુપરસ્ટાર હતાં. રજનીભાઈને ત્યાં એક ખાનગી મહેફિલ હતી. પંકજને પણ આમંત્રણ મળ્યું. ત્યાં તલત અઝીઝ અને અનુપ જલોટા સાથે પહેલી વાર ઓળખાણ થઈ….

(સમય જતાં એ બન્ને પંકજના બહુ અંગત મિત્ર બની ગયા. અનેક મહેફિલો એ ત્રિપુટીએ સાથે ગજાવીને કૅન્સર તથા થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે અઢળક ધન એકઠું કર્યું હતું)

ગઝલને મળ્યો સુરીલો કંઠ કંઠને મળી દર્દીલી ગઝલ…

પંકજ ઉધાસ: -લવ સ્ટોરી નંબર-ટુ…

આ જ અરસામાં પંકજને આઈ.બી.એચ. (ઈન્ડિયા બુક હાઉસ) તરફથી એક ઑફર ગઝલ કેસેટ તૈયાર કરવાની મળી. એ ઑફરની સાથે પંકજના જીવનમાં બે વ્યક્તિનો પ્રવેશ થયો. એક હતા કવિ-શાયર શેખાદમ આબુવાલા અને બીજી હતી ફરીદા! એ બન્નેના પ્રવેશ સાથે જ પંકજનાં નસીબની ગઝલ પણ ગુંજી ઊઠી.

પંકજે મહિનાઓની મહેનત પછી રેકોર્ડિંગ કર્યું, પણ કંપનીનું બજેટ ખૂટી જતાં રેકોર્ડિંગ અધવચ્ચે લટકી પડ્યું. ફરી કપરા દિવસોની બેઢંગી રફ્તાર શરૂ થઈ ગઈ.

પંકજ જ્યાં રહેતો તે ‘ગીતા ભવન’ના પડોશમાં મદન અને ફિરોઝા નામનું પારસી યુગલ રહેતું. એમના કોચિંગ ક્લાસમાં ફરીદા અને નરગિસ નામની બે પારસી બહેન આવે. પંકજ પણ ત્યાં અવારનવાર જતો. ફરીદા-નરગિસ સાથે પરિચય થયો. મદન અંકલને ત્યાં ઘણી વાર નવરાશની પળોમાં એ બધાં સાથે પાનાં ટીચતાં. પેલું રેકોર્ડિંગ પૈસાના અભાવે પૂરું ન થયાની જાણ ફરીદાને થઈ. પરિચય વધતો ગયો તેમ પંકજની સંઘર્ષ કથની ફરીદાને સ્પર્શી જવા લાગી. એણે પંકજને હિંમત આપી:

‘જો પંકજ, તારા અવાજમાં કૌવત છે. ઝૂકતો નહીં. આજે નહીં તો કાલે તું અચૂક ઝળકીશ.’ ફરીદા મિત્રભાવે હિંમત આપે છે એમ સમજી પંકજ વાત હસી કાઢતો. એ જ દિવસોમાં પંકજનાં બા અને કાકા ગંભીર માંદગીમાં પટકાયાં. એક બાજુ ઘરમાં ગંભીર બીમારી હતી તો બીજી બાજુ ગઝલગાયકીની કારકિર્દી ડચકાં મારતી હતી. ચોતરફથી નિરાશા ઘેરી વળી હતી. ત્યારે મૂંઝાયેલા પંકજની મદદે ફરીદા આવી. રેકોર્ડિંગ માટે જોઈતી રકમની એણે ગોઠવણ કરી આપી…

‘ના, ત્યારે અમે સારા મિત્રો જરૂર હતાં, પણ એકમેકના પ્રેમમાં તો નહોતાં જ!’ ફરીદા સાથે પહેલી નજરે પ્રેમ થયેલો એ વાત હસીને ઈનકાર કરી દેતાં પંકજ કહે છે.

એ પહેલી નજરનો પ્રેમ ભલે ન હોય, પણ ધીમે ધીમે બન્ને જાણ્યે-અજાણ્યે એકબીજાંની નજીક આવી રહ્યાં હતાં. અચ્છા મિત્રો હોવા ઉપરાંત બીજું કંઈક અવ્યક્ત જેવું પણ હતું, જેને બન્નેમાંથી કોઈએ પ્રેમનું નામ નહોતું આપ્યું.

ફરીદાએ કરેલી મદદના પ્રતાપે પંકજની પહેલી કેસેટ (‘આહટ’-1980) બજારમાં આવી. ઠીક ઠીક સફળ પણ થઈ…. એના પગલે ગઝલની રેકોર્ડ-કેસેટ તૈયાર કરતી ‘મ્યુઝિક ઈન્ડિયા’ની ઑફર આવી 3 વર્ષના કૉન્ટ્રાકટની!

દિવસો ફરી ઝડપથી પસાર થવા લાગ્યા. બીજા આલબમની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગયેલી. ચોતરફથી કાર્યક્રમોની ઑફર આવવા લાગી. પંકજની પોતાની પસંદગીની ગઝલો હિટ થવા માંડી.

ગઝલગાયકીમાં પંકજને પ્રાથમિક સફળતા જરૂર મળી હતી, પણ જોઈતો સિક્કો હજુ જમાવવાનો તો બાકી હતો.

ફરીદા આ બધા દિવસોમાં સાથે જ હતી. ખરી હૂંફ એની જ રહેતી. પંકજ એ દિવસો યાદ કરતાં અમારા દીર્ધ ઈન્ટરવ્યૂમાં કહે છે:

‘આ બધી દ્વિધા વચ્ચે હું ત્યારે અટવાયેલો જ હતો. આટઆટલી મહેનત, આટઆટલી નિષ્ઠા, ખુવાર થઈ જવાની તૈયારી છતાં ધાર્યાં પરિણામ કેમ હાંસલ થતાં નથી એવા વિચારોથી હું ધૂંધવાયેલો હતો. પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો ત્યાં ફોન નહોતો. મકાનની નીચે એક રેસ્ટોરાં હતી. રેસ્ટોરાંના ફોનનું ચકરડું ઘુમાવ્યું. સામે છેડે ફરીદાએ રિસિવર ઊંચક્યું. પંકજનો અવાજ પારખી ફરીદા હજુ ‘બોલ, પંકજ!’ એ એટલું માત્ર બોલી હશે ત્યાં મને શું ધૂનકી ચડી કે કહી દીધું:

‘ચાલ ફરીદા, હવે લગ્ન કરી લઈએ… લેટ અસ ગેટ મેરિડ!’

બે-ત્રણ વર્ષના પરિચયમાં ફરીદાને નિકટના મિત્ર તરીકે સ્વીકારનારા પંકજે એ ભરબપોરે પબ્લિક ફોનબૂથમાંથી માત્ર એક જ વાક્યમાં ફરીદાને લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધેલો!

‘ત્યારે ફરીદાની શું પ્રતિક્રિયા હતી?’

‘સડસડાટ બોલી ગયેલા મારા એ વાક્યના જવાબમાં ફરીદા કશું બોલી નહીં. સામે છેડે એકાદ મિનિટનું મૌન છવાઈ ગયું…. ફોન ગમે ત્યારે કટ થઈ જાય તો મારી પાસે ફરી ફોન કરી શકાય એટલા સિક્કા પણ નહોતા…! મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. વહેમ પડ્યો: કશી ગેરસમજ તો નથી થઈ ને? ત્યાં જ સામે છેડેથી ફરીદાનો અવાજ સંભળાયો: ‘ઓકે… પંકજ!’

(એ ઘટના યાદ કરતાં કોઈની નજર લાગી જાય એવા કામણગારા પંકજના મુખ પર લજ્જાના જે શેરડા પડ્યા હતા એ મને આજે પણ યાદ છે!)

‘ઍર ઈન્ડિયા’ સાથે સંકળાયેલી પારસી ફરીદા સાથે પંકજ લગ્નસંબંધથી જોડાયા ત્યારે બન્ને પરિવાર તરફથી વિરોધ જાગ્યો હતો, પણ પછી બન્ને પક્ષે નમતું જોખી દીધેલું.

પંકજ-ફરીદા બન્નેને પહેલેથી સાંઈબાબામાં અખૂટ શ્રદ્ધા એટલે 11 ફેબ્રુઆરી, 1982ના ગુરુવારે જ મિત્ર ફરીદા પંકજના જીવનમાં પત્ની રૂપે પ્રવેશી ગઈ. કવિ-શાયરની ભાષામાં કહીએ તો ગીતને મુખડું મળી ગયું અને દામ્પત્યજીવનની ગઝલનો આરંભ થયો!

ફરીદાના આગમન સાથે પંકજ જીવનમાં વધુ વ્યવસ્થિત થયો. કારકિર્દીમાં વધુ ધ્યાન પરોવ્યું. ક્યાં કાર્યક્રમ યોજવા- શી રીતે યોજવા – મહિનામાં આવા કેટલા પ્રોગ્રામોનું આયોજન કરવું વગેરે બધી જ જવાબદારી હવે ફરીદાએ સંભાળી લીધી હતી.

એ પછી તો માત્ર સાત-આઠ વર્ષના ગાળામાં પંકજે ભલભલા કસાયેલા ગાયકોને ઈર્ષા ઉપજાવે એવી રિદ્ધિ-સિદ્ધિ મેળવી લીધી હતી. પંકજે બીજા ગાયકોના બધા જ વિક્રમો કડડભૂસ કરી નાખ્યા હતા….

અત્યાર સુધી નિષ્ફળતાની ગમગીનીનો પડછાયો પાછળ પડ્યો હતો, પણ ફરીદાની ‘હા’ પછી લોકપ્રિયતાએ એવો પીછો પકડ્યો કે પંકજ ઉધાસે ત્યારથી લઈને એમના છેલ્લા શ્વાસ સુધી પાછળ વળીને કયારેય જોવું ન પડ્યું…!

1986-87 દરમિયાનની અમારી આ મુલાકાત વખતે મુકેશ ભટ્ટ પંકજ પાસે એમની ફિલ્મ: ‘નામ’માં ગીત ‘ચિઠ્ઠી આઈ રે…’ શૂટ કરવા ઇચ્છતા હતા, પણ પંકજ ફિલ્મમાં ‘એકટિંગ’ કરવી કે નહીં એની અવઢવમાં હતા. પાછળથી પંકજના એ ગીતે ‘ચિઠ્ઠી આઈ રે…’ કેવો તહેલકો મચાવ્યો મચાવ્યો એ પણ એક ઇતિહાસ છે!

અમારી એ વખતની મુલાકાતના અંતિમ દૌરમાં પંકજભાઈને મેં પૂછેલું:

જેના કામણગારા કસાયેલા કંઠ પાછળ શ્રોતા પાગલ છે, જેની કેટલીક ગઝલો સાંભળીને તમે મદહોશ થઈ પગનો ઠેકો આપવા માંડો એવો આ ‘પંકજ ઉધાસ ખુદ પોતાને એક ગઝલગાયક તરીકે કઈ રીતે મૂલવે છે?’

આ પ્રશ્ર્નનો જવાબ આપતાં પહેલાં પંકજભાઈ થોડી વાર માટે મૌનમાં ડૂબી જાય છે. પછી નિખાલસતાથી કહે: ‘જુઓ, હું સોએ સો ટકા પૂર્ણ ગાયક તો નથી જ… ગાયક તરીકે રહેલી મારી ત્રુટિઓને હું જાણું છું. એને દૂર કરવી છે. સ્વરને હજુ કસવો છે… હું ક્લાસિકલ ગાયક હોવાનો ડોળ કે દંભ પણ નથી કરતો. શાસ્ત્રીય સંગીતનો હું પૂરો જાણકાર પણ નથી…’

‘છતાં ગઝલગાયકીમાં સૌથી લોકપ્રિય તો નીવડ્યા ને?’

એનું ‘રહસ્ય’ છતું કરતાં પંકજ કહે:

‘હા, બીજા ગાયકોમાં જે નથી એ મારામાં છે. મારો અવાજ મારી મિલકત છે – પ્લસ પોઈન્ટ છે. મારા કંઠમાં ગઝલગાયકીને અનુરૂપ કામણ છે. હલકભર્યા સ્વરમાં ઉર્દૂ લબ્ઝને તાજગીથી તરબોળ કરી દેવાનું કૌવત છે..!’

આ પણ વાંચો…વ્યંગ : હેં, લગ્નમાં આને કોણે નોતરું આપેલું ?

13 હજારથી પણ વધુ ગઝલોનો પંકજે અભ્યાસ કર્યો હોવાથી ઉચ્ચ કક્ષાના અઘરા ઉર્દૂ લબ્ઝોવાળી ગાયકીમાં નહીં પડતાં લોકોના હૃદયને સ્પર્શી જાય એવાં જ ગીત-ગઝલ પસંદ કર્યાં, જે એમની અનન્ય લોકપ્રિયતાનું એક વિશિષ્ટ પાસું બની ગયાં.

આમ પંકજ ઉધાસ સાથે ટુકડે ટુકડે, પણ એક લાંબી મહેફિલ જેવી એ મુલાકાતના અંતે આપણે એણે જ ગાયેલી ગઝલ ટાંકવી પડે:

નશા કર હલકા સા,
લહુ મેં હો તહલકા સા…!


44 વર્ષની ગાયક તરીકેની કરિયરમાં 53થી વધુ મ્યુઝિક આલ્બમ 70થી વધુ ફિલ્મનાં તથા અન્ય ગીતો ‘પદ્મશ્રી’ સહિત 21થી વધુ વિવિધ અવાર્ડસ જેવી બીજી અનેક સિદ્ધિઓ ધરાવતા પંકજ ઉધાસ આજે સ-દેહે નથી, પણ એમની કામયાબીમાં સૂર પુરાવ્યા એવી પત્ની ફરીદા અને લીલીછમ ગઝલ જેવી બે યુવા પુત્રી નાયાબ અને રેવાનો હર્યોભર્યો પરિવાર છે. વૈભવી વિસ્તારમાં નાનો એવો બંગલો – પોતાનું ઘર છે અને આજેય લાખો ચાહકોનાં દિલમાં પંકજ ઉધાસનો હલકભર્યો સ્વર સ્મૃતિરૂપે હજુય ગુંજે છે – ગુંજતો રહેશે…

કહે છે કે મરણ કરતાં સ્મરણ સદાય બળૂકું હોય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button