પ્રોપર્ટી ટેક્સની વસૂલી: મહિનો બાકીને લક્ષ્યથી 1,000 કરોડ રૂપિયા દૂર છે મુંબઈ સુધરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૪-૨૫ માટે ૬,૨૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ભેગો કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે નાણાકીય વર્ષ પૂરું થવામાં ફક્ત એક મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધી ૫,૦૬૯ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં સુધરાઈ સફળ રહી છે. મોટા ડિફોલ્ટરો સામે પગલાં લેવા અને પ્રોપર્ટી ટેક્સના બિલ મિલકતધારકોને વહેલા પહોંચતા કરવાને કારણે આવકમાં વધારો થયો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ગયા વર્ષે પાલિકા ૩૧ માર્ચ,૨૦૨૪ સુધીમાં ફક્ત ૩,૧૪૭ કરોડ રૂપિયા જ વસૂલ કરી શકી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બિલ મોકલવામાં વિલંબ, ટેક્સની ગણતરીની નવી પદ્ધતિઓ સંબંધી કાયદાકીય મૂંઝવણ અને છેલ્લા પાંચ વર્ષમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો થયો ન હોવાને કારણે છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછો પ્રોપર્ટી ટેક્સ વસૂલ થયો હતો. આ દરમ્યાન પાલિકાએ ૫૦૦ મુખ્ય ડિફોલ્ટરોની યાદી તૈયાર કરી છે, જેમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ, સરકારી ઓફિસ સહિત પાલિકાની ઓફિસનો પણ સમાવેશ થાય છે.
Also read: પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો પાસેથી 3,095 પ્રોપર્ટી જપ્ત કરાઈ
અધિકારીના જણાવ્યા મુજબ ડિફોલ્ટરોને શોધી કાઢવા અને તેમની પાસેથી બાકીના પૈસા વસૂલ કરવાનું કામ અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું. અમુક લોકોએ નોટિસ મળ્યા બાદ તેમના ટેક્સ ચૂકવી દીધા હતા. જેઓ ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ જાય છે તેમની મિલકતની આગામી સમયમાં લિલામી કરવામાં આવવાની છે.