ગુજરાતમાં સૌપ્રથમ હાથનું ટ્રાન્સપ્લાન્ટ: સુરતમાં બ્રેઇનડેડ યુવકની કિડની અને ચક્ષુઓનું કરાયું દાન
સુરત: સુરત શહેર દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પ્રખ્યાતિ પામી રહ્યું છે. ગુજરાતમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, શનિવારે 28 વર્ષીય બ્રેઈનડેડ નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગીના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. શૃંગી પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી 5 વ્યક્તિને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. સુરતની કિરણ હોસ્પિટલમાં ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 161 મું અંગદાન : 24 વર્ષીય દીકરીના બ્રેઇનડેડ બાદ પિતાએ કર્યું અંગોનું દાન….
પ્રાઈવેટ વાહનથી ચલાવતા હતા ગુજરાન
સેલવાસાના વડપાડા ખાતે પોતાના પરિવાર સાથે રહેતા શૃંગી બ્રાહ્મણ સમાજના અને પ્રાઈવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 28 વર્ષીય નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગી મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. 28 ફેબ્રુઆરીના રોજ ડૉક્ટરની ટીમે નરેન્દ્રને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. બાદમાં હોસ્પિટલના સ્ટાફે પરિવારને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને એનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ પણ વાંચો: પ્રેરણારૂપ કિસ્સો: રક્ષાબંધનના દિવસે અકસ્માતમાં ભાઈના મૃત્યુ બાદ પરિવારે કરાવ્યું અંગદાન!
હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસીને મળ્યું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં બે કિડની અને હાથ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યાં હતાં. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં સુરતના રહેવાસી, 44 વર્ષીય વ્યક્તિ અને 40 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.