JNU વિદ્યાર્થી સંઘની પૂર્વ નેતા શેહલા રશીદને કોર્ટની મોટી રાહત, રાજદ્રોહ કેસ પરત ખેંચાશે

નવી દિલ્હી: દિલ્હીમાં વર્ષ 2019માં સેના વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલા શેહલા રશીદ શોરાને કોર્ટે રાહત આપી છે. જેએનયુ(JNU)વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ શોરા સામેના રાજદ્રોહના આરોપો પરત ખેંચવા આવશે. જેની માટે કોર્ટે દિલ્હી પોલીસને મંજૂરી આપી છે. શેહલા રશીદે સોશિયલ મીડિયા પર ભારતીય સેના વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કર્યા બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે કેસ ચલાવવાની મંજૂરી પાછી ખેંચી
આ કેસની મળતી માહિતી મુજબ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહે 27 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ શેહલા રશીદ સામે કેસ ચલાવવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે.આ કેસ રાજદ્રોહ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળ વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને રમખાણો ભડકાવવા સહિતના ગુનાઓ માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપોમાં મહત્તમ આજીવન કેદની સજા થઈ શકે છે.
લેફ્ટનન્ટ ગવર્નરે સ્ક્રીનીંગ કમિટીની ભલામણને મંજૂરી આપી
આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સ્ક્રીનીંગ કમિટીની ભલામણને મંજૂરી આપી દીધી છે. એલજીએ 23 ડિસેમ્બર 2024 ના રોજ મંજૂરી આપી હતી. શેહલા વિરુદ્ધ એફઆઈઆર 2019 માં નવી દિલ્હીના સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં અલખ આલોક શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો : JNU ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ઉર્વશી રૌતેલા-રવિ કિશન મહત્વની ભૂમિકામાં, 21 જૂને રિલીઝ થશે
સેનાએ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા
જેએનયુ વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ નેતા શેહલા પર તેમના ટ્વીટ્સ દ્વારા વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિતાને નુકસાન પહોંચાડતા કૃત્યો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં એલજીના કાર્યાલયે જણાવ્યું હતું કે કાર્યવાહીની મંજૂરીનો પ્રસ્તાવ દિલ્હી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને દિલ્હી સરકારના ગૃહ વિભાગ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું. 18 ઓગસ્ટ 2019 ના રોજ શેહલાના ટ્વીટમાં કથિત રીતે સેના પર કાશ્મીરમાં ઘરોમાં ઘૂસીને સ્થાનિકોને ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સેનાએ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા.