Champions Trophy 2025

જાણો, સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને સત્તાવાર રીતે કેવી રીતે બહાર કર્યું…

ઇંગ્લૅન્ડ ફક્ત 179 રનમાં ઑલઆઉટ, કૅપ્ટન બટલરની ફેરવેલ પાર્ટી બગડશે?

કરાચીઃ સાઉથ આફ્રિકાના પાંચ બોલરે સહિયારા ઉમદા પર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડને અહીં ગ્રૂપ `બી’ની અંતિમ લીગ મૅચમાં 200 રન પણ નહોતા કરવા દીધા. વાઇટ બૉલ ક્રિકેટમાં જૉસ બટલરની કૅપ્ટન તરીકે આ છેલ્લી મૅચ છે અને એમાં તેના નેતૃત્વમાં બ્રિટિશ ટીમ 38.2 ઓવરમાં ફક્ત 179 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સત્તાવાર રીતે સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનને નેટ રનરેટને આધારે સેમિમાં પહોંચવાનો નહીં જેવો મોકો હતો, પરંતુ સાઉથ આફ્રિકાએ ઇંગ્લૅન્ડને 39 ઓવરની અંદર આઉટ કરી દીધું એ સાથે એ નક્કી થયું હતું કે અફઘાનિસ્તાનના -0.990ના રનરેટ સામે સાઉથ આફ્રિકાનો રનરેટ (આ મૅચના હાર-જીતના કોઈ પણ પરિણામને અંતે) અફઘાનિસ્તાનથી ચડિયાતો જ રહેશે.

આ પણ વાંચો: એક જાણીતા ક્રિકેટરે કરી આગાહી, `મારો અંતરાત્મા કહે છે કે ભારત એક રનથી ફાઇનલ જીતશે અને રોહિત ટૉપ-સ્કોરર બનશે’

ઇંગ્લૅન્ડ વતી આ મૅચમાં જૉ રૂટે બનાવેલા 37 રન ટીમના તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા. ખુદ કૅપ્ટન બટલર 21 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યેનસેન (7-0-39-3) અને મિડિયમ પેસ બોલર વિઆન મુલ્ડર (7.2-0-25-3) બે સૌથી સફળ બોલર હતા. ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજે 35 રનમાં બે વિકેટ તેમ જ બીજા ફાસ્ટ બોલર્સ લુન્ગી ઍન્ગિડીએ 33 રનમાં એક અને કૅગિસો રબાડાએ 42 રનમાં એક વિકેટ લીધી હતી. ટૂંકમાં, પાંચેય બોલર બ્રિટિશ બૅટર્સ પર એકધારું દબાણ રાખીને વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં સૌનું ધ્યાન આકર્ષિત કરનાર અને સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકેલા ઑસ્ટ્રેલિયા સામે બાવીસમી ફેબ્રુઆરીએ 165 રનનો વિક્રમી સ્કોર નોંધાવનાર ઓપનર બેન ડકેટ (24 રન) પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો.
ઓપનર ફિલ સૉલ્ટ (આઠ રન), જૅમી સ્મિથ (0), હૅરી બ્રૂક (19 રન) અને જોફ્રા આર્ચર (પચીસ રન) પણ લાંબી ઇનિંગ્સ રમવામાં કે મોટી ભાગીદારી કરવામાં ફેલ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button