Amitabh Bachchanને ત્રણ કલાક રાહ જોવડાવનાર હીરોને બિગ બીએ ભણાવ્યો એવો પાઠ કે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક એવા સુપરસ્ટાર છે કે જેમની સાથે કામ કરવાનું સપનું તમામ સેલેબ્સ જુએ છે. પાંચ દાયકા કરતા પણ લાંબા ફિલ્મ કરિયરમાં બિગ બીએ પોતાની મહેનત, ડેડિકેશનથી પોતાની એક અલગ જગ્યા તો બનાવી જ છે, પણ એની સાથે સાથે મેગા સ્ટાર, શહેનશાહ, સિનિયર બચ્ચન જેવા હુલામણા નામથી ફેમ પણ હાંસિલ કરી. પરંતુ શું તમે વિચારી શકો કે આવા આ શહેનશાહને કોઈ કલાકાર સેટ પર ત્રણ કલાકની રાહ જોવડાવી હોય? નહીં ને? ચાલો આજે તમને અનોખા કિસ્સા વિશે જાણીએ અને આ સેલિબ્રિટી કોણ હતું જણાવીએ…
અપૂર્વ લાખિયાએ એક ઈન્ટરવ્યુમાં આ કિસ્સા વિશે ખુલાસો કર્યો હતો. અપૂર્વ લાખિયાએ જણાવ્યું હતું કે ફિલ્મ એક અજનબીના સેટ પર અર્જુન રામપાલે અમિતાભ બચ્ચનને ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી. પરંતુ બિગ બી તો બિગ બી છે તેમણે પોતાની રીતે અર્જુન રામપાલને એવો પાઠ ભણાવ્યો કે અર્જુને બીજી વખત આવી ભૂલ નહીં કરવાનું વચન પણ આપ્યું હતું.

આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanની સુંદરતાના થયા વખાણ, અમિતાભ બચ્ચને કહ્યું બહારની સુંદરતા તો…
અપૂર્વએ જણાવ્યું હતું કે કે ફિલ્મનું શૂટિંગ બેંગકોકમાં હતું. એક રાતે તેઓ અમિતાભ બચ્ચન અને બાકીના લોકોને ક્લબમાં લઈને ગયા અને અઢી-ત્રણ વાગ્યા સુધી પાર્ટી કરી. બીજા દિવસે સવારે પાંચ વાગ્યાનું શૂટ હતું. હું અને અમિતજી તો સમયસર સેટ પર પહોંચી ગયા. આખો સેટ રેડી હતો. આ સમયે બિગ બીએ એક જ રિક્વેસ્ટ કરી હતી કે તેમને બપોરે બે-અઢી કલાક ઊંઘવા આપવામાં આવે. આ વાત તેમણે પહેલાંથી જ જણાવી હતી એટલે અમે ટાઈમ પ્રમાણે બાકીના શોટ્સ પ્લાન કર્યા હતા. પરંતુ અર્જુન મોડે સુધી પાર્ટી કર્યા બાદ સવારે સમયસર શૂટ પર પહોંચી શક્યો નહીં.
આ પણ વાંચો: આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
એ દિવસે અર્જુન બે-ત્રણ કલાક મોડો સેટ પર પહોંચ્યો અને એ પણ જ્યારે તેને સેટ પર બોલાવવા માટે કોઈ પહોંચ્યો ત્યારે. ગમે તેમ કરીને બપોર સુધી સીન તો પૂરો શૂટ કરી દીધો અને ત્યાર બાદ બિગ બી બપોરે ઊંઘવા માટે જતા રહ્યા. ત્યાર બાદ અર્જુનના ક્લોઝ અપ શોટ્સ હતા. જોકે, અર્જુને અમિતજીને ત્રણ કલાક રાહ જોવડાવી હતી એટલે અમિતાભજી પણ ત્રણ કલાક સુધી બહાર નહીં આવ્યા.
આ જોઈને અર્જુન એકદમ પેનિક થઈ ગયો અને જ્યારે અર્જુને કહ્યું કે બોસ હું ફરી વખત ક્યારેય લેટ નહીં આવું. આમ અમિતજીએ કંઈ પણ કહ્યા વિના અર્જુનને એનો પાઠ ભણાવી દીધો હતો. એક અજનબી ફિલ્મ 2005માં રિલીથ થઈ હતી અને તે 2004માં આવેલી ટોની સ્કોટની મેન ઓન ફાયર ફિલ્મની રિમેક હતી.