શિવસેના (યુબીટી) મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષીનેતાપદ પર દાવો માંડશે: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષીનેતાપદ પર શિવસેના (યુબીટી) પોતાનો દાવો માંડશે એમ પાર્ટીના એક સિનિયર નેતા સંજય રાઉતે શનિવારે જણાવ્યું હતું.
તેમણે એવી દલીલ કરી હતી કે ભૂતકાળમાં આ પદ વિપક્ષને આપવામાં આવી હતી, જ્યારે તેમની સંખ્યા 10 ટકા કરતાં ઓછી હતી. વિપક્ષની સંયુક્ત સંખ્યા 288 સભ્યની વિધાનસભામાં પચાસ સભ્યોની છે, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ત્રીજી માર્ચથી શરૂ થઈ રહ્યું છે.
વિધાનસભ્યોની સંખ્યા ઓછી હોવા છતાં શિવસેના (યુબીટી) વિપક્ષી નેતાપદ માટે પોતાનો દાવો માંડશે. બંધારણમાં કોઈ કાયદો કે જોગવાઈ એવી નથી જે કહેતી હોય કે ગૃહનું કામકાજ વિપક્ષી નેતા વગર ચાલવું જોઈએ. શિવસેના પાસે વીસ વિધાનસભ્યો છે, એમ રાઉતે કહ્યું હતું.
આપણ વાંચો: અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસના ડેપ્યુટી લીડર બનાવાયા
આ અગાઉ કૉંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, જો શિવસેના (યુબીટી) વિધાનસભામાં વિપક્ષીનેતાપદ પર દાવો કરશે તો કૉંગ્રેસ વિધાન પરિષદમાં વિપક્ષીનેતાપદ પર દાવો માંડશે.
અત્યારે વિધાન પરિષદમાં શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવે વિપક્ષી નેતા છે, પરંતુ તેમની મુદત ચાલુ વર્ષના ઑગસ્ટ મહિનામાં પૂરી થઈ રહી છે.
મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. શિવસેના યુબીટી પાસે 20, કૉંગ્રેસ પાસે 16 અને એનસીપી (એસપી) પાસે 10 વિધાનસભ્યો છે.
આશા રાખીએ છીએ કે સ્પીકર વિપક્ષી પદ માટેની અમારી માગણીનો સ્વીકાર કરશે, એમ સંજય રાઉતે કહ્યું હતું.
જ્યારે પુછવામાં આવ્યું કે શિવસેના (યુબીટી)ના કોઈપણ ટોચના નેતાઓમાંથી કોઈ પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા કેમ ન ગયા, ત્યારે તેમણે એમ કહ્યું હતું કે આ બાબતે પાર્ટી આરએસએસના વડા મોહન ભાગવતનું અનુસરણ કરે છે.
મેં મોહન ભાગવતને મહાકુંભમાં જતા જોયા નથી. અમે તેમની મહાકુંભમાં જવાની રાહ જોઈ રહ્યા હતા અને તેઓ જાય તો અમે તેમનું અનુકરણ કરીને જઈ શકીએ. પરંતુ અમને તેઓ જતા દેખાયા જ નહોતા, એમ રાઉતે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાકુંભમાં ન જવા બદલ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.