એક જાણીતા ક્રિકેટરે કરી આગાહી, `મારો અંતરાત્મા કહે છે કે ભારત એક રનથી ફાઇનલ જીતશે અને રોહિત ટૉપ-સ્કોરર બનશે’

મેલબર્નઃ આઇસીસી ટૂર્નામેન્ટ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હજી તો સેમિ ફાઇનલની હરીફ ટીમો નક્કી નહોતી થઈ ત્યાં તો ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે ફાઇનલની હરીફ ટીમોના નામ નક્કી' કરી લેવાની સાથે એ ફાઇનલના પરિણામ વિશે આગાહી કરી દેવાનો અણધાર્યો અને ચોંકાવનારો અભિગમ અપનાવ્યો એ બદલ ક્લાર્ક ખૂબ ચર્ચામાં છે.
ક્લાર્કનું એવું માનવું છે કે ભારત અને ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચશે અને એ ફાઇનલ એટલી બધી રોમાંચક થઈ જશે કે જેમાં છેલ્લે ભારત ફક્ત એક રનથી ફાઇનલ જીતી લેશે.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
ક્લાર્કની આ ભવિષ્યવાણી એવા તબક્કે આવી છે જ્યારે ભારતે ફાઇનલમાં તો શું, સેમિ ફાઇનલમાં કોની સામે રમવાનું છે એ પણ નક્કી નહોતું. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે સ્થિતિ અસ્પષ્ટ હતી અને સેમિ ફાઇનલમાં ભારતના સાઉથ આફ્રિકા સામેના મુકાબલાને પગલે જ ભારતને એ સેમિ જીતીને ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમવા મળે એવી સંભાવના હતી. જોકે આ તબક્કે એવું કંઈ જ નક્કી નહોતું થયું.
આ તબક્કે સ્થિતિ માત્ર એટલી સ્પષ્ટ હતી કે ગ્રૂપ
એ’માંથી ભારત અને ન્યૂ ઝીલૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચ્યા હતા અને ગ્રૂપ બી'માંથી સાઉથ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયાએ સેમિમાં એન્ટ્રી કરી હતી.
આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે
ક્લાર્કે એક જાણીતી ચૅનલને મુલાકાતમાં કહ્યું,
મને લાગે છે કે ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચશે અને એમાં એની સામે ભારત હશે. હું તો ઇચ્છું છું કે ઑસ્ટ્રેલિયા જ ફાઇનલ જીતે, પણ મારો અંતરાત્મા કહે છે કે ભારત ફાઇનલ જીતશે અને એ પણ ફક્ત એક રનથી. હાલમાં ભારતની ટીમ જ સર્વશ્રેષ્ઠ છે અને વિશ્વની નંબર-વન ટીમ પણ છે.’
માઇકલ ક્લાર્કે રોહિત શર્મા વિશે પણ અનપેક્ષિત અને ચોંકાવનારી આગાહી કરી છે. વાત એવી છે કે રોહિતે આ ટૂર્નામેન્ટમાં હજી સુધી બે મૅચમાં ફક્ત 61 રન બનાવ્યા છે, તે ટોચના પચીસ બૅટર્સમાં પણ નથી.
રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની છેલ્લી લીગ મૅચમાં રોહિતના રમવા વિશે શંકાઓ પણ જાગી હતી એ સ્થિતિમાં ક્લાર્કે આગાહી કરી હતી કે `રોહિત આ ટૂર્નામેન્ટનો ટૉપ-સ્કોરર બનશે. તે ફરી ફૉર્મમાં આવી ગયો છે. આ સ્પર્ધા પહેલાં કટકમાં તેણે ઝમકદાર સદી ફટકારી હતી. તે વધુ કેટલીક આક્રમક સદીઓથી ભારતને ટ્રોફી અપાવી શકે એમ છે.’