‘હું ફોન ત્યારે જ પાછો આપીશ જ્યારે તમે મારી મદદ કરશો…’: ચોરે કર્યો ઉર્વશી રૌતેલાને ઇ-મેઇલ

મુંબઇ: બોલીવુડની બ્યુટિફૂલ બેબ ઉર્વશી રૌતેલા તેના અંદાજ અને સૌદર્ય માટે કાયમ ચર્ચામાં હોય છે. પણ થોડા દિવસ પહેલાં ઉર્વશી તેનો ફોન ચોરાઇ જતાં ચર્ચામાં આવી હતી. ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદ ગયેલ ઉર્વશીનો 24 કેરેટ સોનાથી મઢેળો ફોન ચોરાઇ ગયો હતો. ત્યાર બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હવે ચોરે સામેથી ઉર્વશીને ઇ-મેઇલ કરી પોતે ફોન પાછો ત્યારે જ આપશે જ્યારે ઉર્વશી તેની મદદ કરશે એમ જણાવ્યું છે. આ અંગેની જાણકારી ઉર્વશીએ જાતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરી છે.
ઉર્વશી રૌતેલાએ તેનો ફોન ચોરાઇ ગયો છે તેની જાણકારી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. હવે જેણે ફોન ચોરી કર્યો છે તેણે ઉર્વશીને ઇ-મેઇલ કરી માંગણી કરી છે. જો તેની ડિમાન્ડ પૂરી થશે તો જ તે ફોન પાછો આપશે એમ આ ચોરે ઇ-મેઇલમાં નોંધ્યું છે.
ઉર્વશી રૌતેલાને Groww Traders નામથી ઇ-મેઇલ આવ્યો છે. જેનો સ્ક્રિનશોટ ઉર્વશીએ સોશીયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ઇ-મેઇલમાં લખવામાં આવ્યું છે કે, તમારો ફોન મારી પાસે છે. જો તમને ફોન પાછો જોઇતો હોય તો તમારે મારી મદદ કરવી પડશે. મારા ભાઇને કેન્સર છે. તેનો ઇલાજ કરાવી આપો. આવો ઇ-મેઇલ ચોરે કર્યો છે. ચોરના ઇ-મેઇલને ઉર્વશીએ થમ્સ-અપ એવો રિપ્લાય પણ કર્યો છે.
ઉર્વશીએ આ ઇ-મેઇલની જાણ પોલીસને કરી છે કે નહીં તે અંગે હજી સુધી કોઇ જાણકારી મળી નથી. જોકે સોશિયસ મીડિયા પર તેણે સ્ક્રિનશોટ શેર કર્યા બાદ તેના ફેન્સે તેને પોલીસને આ અંગે જાણ કરવાની સલાહ આપી છે. આઇપી એડ્રેસથી પોલીસ ચોરને પકડી શકશે એવું નેટ યુઝર્સે ઉર્વશીને કહ્યું છે.