રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ Dholavira વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી…
પ્રાચીન સભ્યતાના અવશેષો જોઈ અભિભૂત થયા

અમદાવાદ : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની( Dholavira) મુલાકાત લીધી હતી. તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંઘ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે માહિતી આપી હતી.
Also read : Gujarat વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો…
મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને અભિભૂત થયા
રાષ્ટ્રપતિએ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત પગથિયાંવાળી વાવ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને તેઓ અભિભૂત થયા હતા.
વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું
ભારતીય પુરાતત્વ મંત્રાલય દ્વારા ધોળાવીરા સાઈટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ પાસાઓ, માટીના વાસણો- અવશેષો, તાંબાની વિવિધ વસ્તુઓ, તોલમાપની વસ્તુઓ, પથ્થરના આભૂષણોનું નિદર્શન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ કરવામાં આવ્યું હતું. મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
Also read : PM Modi Gujarat Visit: પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, સોમવારે સોમનાથ દાદાના દર્શન કરશે…
તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર અને ભારતીય પુરાતત્વ વિભાગના રાજકોટ સર્કલના અધિક્ષક ગુંજન શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.