અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસના ડેપ્યુટી લીડર બનાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસ દ્વારા ચોથી વખતના વિધાનસભ્ય અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા છે અને અમિત દેશમુખને પાર્ટીના મુખ્ય વ્હીપ બનાવવામાં આવ્યા છે.
પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વજિત કદમને પાર્ટીના વિધાનસભા જૂથના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે શિરીષ નાઈક અને સંજય મેશ્રામ વ્હીપ તરીકે ફરજ બજાવશે.
મુંબઈ કૉંગ્રેસના સિનિયર નેતા અને ચાર વખત મુંબાદેવી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા અમીન પટેલ નિષ્ઠાવંતોમાં સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો: Assembly Election: મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં અસંતોષનું મૂળ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે?
અત્યારે કૉંગ્રેસ રાજ્ય વિધાનસભામાં પોતાની સૌથી ખરાબ અવસ્થામાં છે,. તેમની પાસે ફક્ત 16 વિધાનસભ્યો છે.
પાર્ટીએ વિધાન પરિષદમાં પક્ષના જૂથનેતા તરીકે સતેજ પાટીલની નિયુક્તિ કરી છે. અભિજીત વંજારીને મુખ્ય વ્હીપ જ્યારે રાજેશ રાઠોડને વ્હીપ બનાવવામાં આવ્યા છે. પાર્ટી પાસે વિધાન પરિષદમાં આઠ સભ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભા પાર્ટીના નેતા તરીકે વિજય વડેટ્ટીવારનું નામ આ પહેલાં જ જાહેર કરી નાખવામાં આવ્યું છે.
રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ત્રીજી માર્ચથી મુંબઈમાં શરૂ થવા જઈ રહ્યું છે.