Project Lion: ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 2900 કરોડનો પ્રોજેક્ટ લાયન કાર્યરત…

અમદાવાદ : ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંવર્ધન માટે 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રોજેક્ટ લાયનની(Project Lion)જાહેરાત કરી હતી. જેમાં એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાના પગલાંઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજકટ હાલ ગુજરાતમાં કાર્યરત છે.
Also read : રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી
ત્યારે આ પ્રોજકટના સારા અમલી કરણ માટે ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તા. 2 નવેમ્બર, 2022ના પત્રથી કુલ રૂપિયા 2927.71 કરોડના બજેટ સાથે 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે. જેમની કુલ વસ્તી, વર્ષ 2020ના વસ્તી ગણતરી અંદાજ મુજબ 674ની છે. હાલમાં, રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે.
બરડા અભયારણ્યને સિંહોના સેકન્ડ હોમ તરીકે વિકસિત કરવાનું આયોજન
આ ઉપરાંત, રાજ્યમાં બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને આ પ્રોજેક્ટ હેઠળ સિંહોના ‘સેકન્ડ હોમ’તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોનું બીજું ઘર તરીકે ઉભરી આવ્યું છે, અને આજે બરડા વિસ્તારમાં 17 સિંહો વસવાટ કરે છે. જેમાં 6 વયસ્ક સિંહ છે અને 11 બાળસિંહ છે. પ્રોજેક્ટ લાયનમાં સિંહના નિવાસસ્થાન અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પર્યટન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.
સિંહ સંરક્ષણના મજબૂત પ્રયાસો
સિંહ સંરક્ષણને મજબૂત બનાવવા માટે વર્ષ 2024માં 237 બીટ ગાર્ડ્સ જેમાં 162 પુરુષો અને 75 મહિલાઓ ની ભરતી કરવામાં આવી હતી. તેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે, સંઘર્ષો અટકાવે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે.આ ઉપરાંત વાઇલ્ડલાઇફ ઇમરજન્સી માટે ઝડપી પ્રતિક્રિયા, જંગલી પ્રાણીઓના બચાવ અને સમયસર તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે 92 રેસ્ક્યુ વ્હીકલ્સ તહેનાત કરવામાં આવ્યા.
ખેડૂતો માટે માંચડાઓ અને કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો
આ ઉપરાંત માનવ-વન્યજીવન ઘર્ષણ ઘટાડવા માટે 11,000 માંચડાઓ બનાવવામાં આવ્યા છે, જે ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવામાં મદદ કરે છે, તેમજ સિંહો સાથેના સહઅસ્તિત્વ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
વન્યજીવોને ખુલ્લા કૂવામાં પડતા બચાવવા અને તેમનું રક્ષણ કરવા માટે એક મુખ્ય સુરક્ષા ઉપાય એ છે કે ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવે. આ માટે 55,108 ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવી છે, જેનાથી વન્યજીવોના મૃત્યુદરમાં ઘટાડો થાય તેમજ પશુઓ અને જળસ્ત્રોતો બંનેને સુરક્ષિત રાખી શકાય.
પ્રોજેક્ટ લાયન હેઠળ મહત્ત્વની પહેલ
ભારત સરકારે વન્યજીવના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળીયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરને મંજૂરી આપી છે. આ માટે 20.24 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે અને હાલમાં સેન્ટરની બાઉન્ડ્રી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર તેમજ વેટરનરી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Also read : Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…
વન્યજીવ સંરક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ
આ ઉપરાંત બૃહૃદ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે એસ.ઓ.પી. (SOP)ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રોજેક્ટ લાયન ભારતમાં વન્યજીવ સંરક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ છે. આ પહેલ હેઠળ ગુજરાત એશિયાઈ સિંહોના કાયમી અસ્તિત્વ અને તેમની સુખાકારીને સુનિશ્ચિત કરી રહ્યું છે, જે વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત બનાવશે.