મનોરંજન

Movie review CrazXy: આ સાઈકો-સસ્પેન્સ થ્રિલર તમને ક્રેઝી કરી નાખશે

પાંચ-સાત વર્ષ પહેલા એક મરાઠી હીટ ફિલ્મ આવી હતી. મુંબઈ પુણે મુંબઈ. આ અઢી કલાકની ફિલ્મમાં દસેક મિનિટને બાદ કરતા માત્ર બે જ પાત્ર છે જે આખી વાર્તા કહે છે. આ ફિલ્મ લોકોને બહુ ગમી અને તેની બે સિક્વલ પણ બની. નાટકોમાં પણ આવો પ્રયોગ થયો જેમાં સ્ટેજ પર માત્ર એક કે બે પાત્ર હોય અને છતાં દર્શકોને તે જકડી રાખે. હવે એક હિન્દી ફિલ્મ ફરી આવું કંઈક લઈને આવી છે અને તે પણ સસ્પેન્સ થ્રિલર.

નિર્માતા ત્યારે જ કંઈક નવું કરી શકે જ્યારે તેને કમાણીની પડી ન હોય અને સોહમ શાહ આમાનો એક છે. મૂળ રાજસ્થાનનો રિયલ એસ્ટેટ બિઝનેસમેન સોહમ એવી ફિલ્મો લઈને આવે છે જે તમે જોઈ તો શું વિચારી પણ ન હોય. પહેલા શિપ ઓફ થિશિયસ, પછી તુંબાડ જેવી એવોર્ડ વિનિંગ ફિલ્મ લઈને આવી ચૂકેલા સોહમ હવે લાવ્યા છે ક્રેઝી અને આ સસ્પેન્સ થ્રિલર તમને ક્રેઝી કર્યા વિના રહેશે નહીં. તો ચાલો જાણો રિવ્યુ. ફિલ્મ હટકે છે એટલે રિવ્યુ પણ હટકે આપીએ છીએ કારણ કે વાર્તા, કલાકારો, નિર્દેશન બધુ અલગ અલગ લખી શકાય તેવું આ ફિલ્મમાં કંઈ નથી.

આ પણ વાંચો: મેરે હસબન્ડ કી બીવી આઠમા દિવસે જ હાંફી ગઈ, છાવા 400 કરોડ પાર

ફિલ્મની સ્ટોરી ડૉ. અભિમન્યુ સૂદ નામના ફિજિશિયનની છે. પોતાના કામ માટે રૂ. 5 કરોડની બેગ લઈ તે નીકળે છે અને તેને એક ફોન આવે છે કે તેની દીકરી વેદિકાને કિડનેપ કરી લેવામાં આવી છે અને છોડાવવી હોય તો પાંચ કરોડ આપવા પડશે. કોઈપણ બાપને આવો ફોનકોલ આવે તો તેની હાલત કફોડી જ થાય પણ અભિમન્યુના કેસ આખો અલગ છે અને તેનું કારણ છે તેની દીકરી અને પત્ની સાથેના તેના સંબંધો. બસ આ સાયકોલોજિકલ ડિલેમા જ ફિલ્મ છે, પણ તેને જોવાની કંઈક ઔર મજા છે અને તેનું કારણ આ ફિલ્મને આપવામાં આવેલી ટ્રીટમેન્ટ અને એક્ટિંગ.

લેખક અને નિર્દેશક ગિરિશ કોહલીએ ફિલ્મને લખવામાં ગજબની કલાકારી બતાવી છે. આખી ફિલ્મમાં સ્ક્રીન પર એક જ કલાકાર દેખાય છે, બાકીના બધા કલાકારોને તમે માત્ર અવાજથી કે વીડિયો કોલથી ઓળખો છો. સંબંધોમાં ન માનતા એક બાપની દીકરી માટે રૂ. 5 કરોડની ફિરૌતી આપવી કે નહીં તે કશ્મકશ, આ બધુ તમને સિટ પરથી એક સેકન્ડ માટે પણ હલવા દેશે નહીં. ફિલ્મ તેના પહેલા સિનથી જ તમને એટલા તો જકડી રાખે છે કે એકાદ સિન પણ તમે મિસ નહીં કરો.

આ પણ વાંચો: ફરી દમદાર ફિલ્મમાં જોવા મળશે અભિષેક બચ્ચન, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર

ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં રેડિયો પરના ગીત કે મોબાઈલની રિંગટોન પણ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મમાં આમ તો એક જ કલાકાર છે અને તે છે સોહમ શાહ, પરંતુ નિર્દેશકની કમાલને લીધે તેની રેન્જ રોવર કાર પણ એક કલાકારના રોલમાં જ છે. આ ફિલ્મના બન્ને એડિટર સુનીતા કાજા અને રિથેમ લાથે પણ કમાલ કરી છે. ફિલ્મ થ્રિલર સાથે એક બાપ અને ડોકટરની ઈમોશનલ જર્ની પણ છે અને બન્ને વચ્ચે પરફેક્ટ બેલેન્સ છે. ફિલ્મનું કથાનક આમ તો ભારેખમ છે પણ એટલી સ્મુધલી ફિલ્મ ચાલે છે કે દોઢેક કલાક માટે તો તમે દુનિયા ભૂલી માત્ર સૂદ સાથે જ રહો છો. ફિલ્મનું ક્લાઈમેક્સ થોડું ઓછું થ્રિલિંગ છે. આખી ફિલ્મમાં જે રોમાંચ તમે અનુભવો છો તે સ્તરનું ક્લાયમેક્સ નથી, પરંતુ ફિલ્મ છતાં નબળી પડતી નથી. સોહમે ફરી સાબિત કર્યું છે કે તે કેવો મંજાયેલો કલાકાર છે.

સોહમ અને કોહલીની આ જુગલબંધી ભલે બોક્સ ઓફિસ પર ખાસ ચમત્કાર ન બતાવે, પણ જો તમને સારા વિષય સાથેની સેન્સિબલ મુવી જોવાનું મન થાય તો આ અનુભવ ચૂકવા જેવો નથી.

મુંબઈ સમાચારે રેટિંગઃ 4/5

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button