વિજાપુર: સસ્તા અનાજના કાળા કારોબારનો થયો પર્દાફાશ

અમદાવાદઃ વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગરીબો અને ભૂલકાં બાળકો માટેના મળતા સસ્તા અનાજને બારોબાર વહેચી દેતા દુકાનદારનો પર્દાફાશ થયો હતો. કુકરવાડા એપીએમસી માર્કેટમાં શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની પ્લોટ નંબર 9 માં કલ્પેશભાઈ બાબુભાઇ મોદી દ્વારા વિવિધ ગામ અને અલગ અલગ જગ્યાઓ જેમ કે મંડળીઓ, કંટ્રોલ અને આંગણવાડીઓનું ગેરકાયદેસર અનાજ ભેગું કરી તેને આસપાસની મિલોમાં ઊંચા ભાવે વેચી નાખવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકનોનાં બૅન્ક ખાતાં હૅક કરનારા બોરીવલીના બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ…
આ બાબતે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસરનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેની તાત્કાલિક જાણ મામલતદારને કરવામાં આવતા નાયબ મામલતદાર સાજન પટેલ, ગોડાઉન મેનેજર અને સ્ટાફગણ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ગેરકાયદેસર ચણા, ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરી અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. અનાજના સેમ્પલ લઈ સીલ મારી તાપસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આ અનાજનો જથ્થો સીઝ કરતા આશરે 100 કટ્ટા ચોખા, 13 કટ્ટા ચણા અને 21 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતા આંગણવાડીના ભોજનનું અનાજ પણ મળી આવ્યું હતું. જેને સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જથ્થો ક્યાં ક્યાંથી આવતો હતો? ક્યાં મોકલાતો હતો વગેરેની સઘન તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.