મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના

મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાનું તાજેતરમાં બજેટ રજૂ થયું છે. લગભગ 74,000 કરોડનું બજેટ પાલિકાએ પ્રસ્તાવિત કર્યું છે ત્યારે કહેવાની જરૂર નથી કે દેશના અમુક રાજ્યો કરતા પણ મુંબઈ પાલિકાની ચૂંટણી અને પરિણામો મહત્વના છે. દેશની આર્થિક રાજધાની પર રાજ કરવા દરેક પક્ષ તલપાપડ છે ત્યારે નજીકના સમયમાં ચૂંટણી પંચ મુંબઈની ચૂંટણી જાહેર કરી શકે છે તેવો મીડિયા અહેવાલ છે.
આ ચૂંટણીનો આધાર 4થી માર્ચે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર છે. જો સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંગે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ નિર્દેશ આપે તો મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની ચૂંટણી ચોમાસા પહેલા યોજાઈ તેવી પૂર્ણ શક્યતા છે.
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસ સાથે કરેલી વાતચીત મુજબ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ સૂચનાઓ અને નવા વોર્ડની રચનાની પ્રક્રિયા પૂર્ણ થાય કે તરત જ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે.
હકીકતમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પાંચ વર્ષનો કાર્યકાળ 7 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયો હતો. તે સમયે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર હતી. ઉદ્ધવ ઠાકરેની સરકારે નગરપાલિકાના વોર્ડ માળખામાં ફેરફાર કર્યો હતો. મુંબઈના વોર્ડની સંખ્યા વધારી 227ને બદલે 236 કરવામાં આવી. શિવસેનાના બે ભાગલા પડતા અને એકનાથ શિંદેએ બળવો કરતા ઠાકરે સરકાર પડી ભાંગી. ભાજપ સાથે જોડાઈ મુખ્ય પ્રધાન બનેલા શિંદેએ ફરી વોર્ડની સંખ્યા 227 કરી. આના વિરોધમાં ઠાકરે જૂથ હાઈકોર્ટમાં ગયું. હાઈકોર્ટે શિંદે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો, તેથી હવે ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. આ કેસની સુનાવણી 4થી માર્ચે છે. જો આ બાબતે સ્પષ્ટ નિર્દેશ આવશે તો મુંબઈની ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષોએ લાગવું પડશે.
આ પણ વાંચો…ઘાટકોપર અને કુર્લામાં બપોર સુધીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થશે
આ ચૂંટણીઓ ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ લાવનારી સાબિત થઈ શકે છે. હાલમાં સાથી પક્ષો એકસાથે મુંબઈની ચૂંટણી લડવા તૈયાર ન હોવાના સંકેતો આપી રહ્યા છે. જોકે એકવાર પાલિકાની ચૂંટણીની જાહેરાત થાય ત્યારબાદ રાજ્યોની ચૂંટણી જેટલી ધમાલ આ ચૂંટણીમાં પણ થશે તે નક્કી છે.