ભારતીયતાનું જતન કરવા સંસ્કૃત ભણાવો

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે હિન્દી ભાષાને મામલે પાછો ખટરાગ શરૂ થયો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમિલનાડુ પર હિન્દી ભાષા થોપી રહી છે એવો મુદ્દો ઊભો કરીને રાજકીય ફાયદો લેવા માંડ્યો છે ને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરેલા બફાટના કારણે ભેરવાયેલી મોદી સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. સ્ટાલિને તો ધમકી પણ આપી છે કે, કેન્દ્ર સરકાર અમારા પર હિંદી લાદશે તો અમે ભાષા યુદ્ધ માટે પણ તૈયાર છીએ. સ્ટાલિન જે ભાષામાં વાત કરે છે એ કઠે એવી છે પણ તેમનો વાંક કાઢી શકાય તેમ નથી. હિંદીના મામલે વરસોથી ડીએમકેનું આ જ વલણ છે ને ડીએમકે હિંદીના વિરોધને કારણે તો લોકપ્રિય છે. આ સંજોગોમાં પ્રધાને સ્ટાલિનને તક આપવા જેવી નહોતી પણ ભાજપના નેતાઓમાં પણ મુત્સદીગીરીનો અભાવ છે તેથી પેટ ચોલીને શૂળ ઊભાં કર્યા કરે છે.
આ ખટરાગની શરૂઆત કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી. પ્રધાને કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષાએ શીખવવા પર ભાર મુકાયો છે તેનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે, તમિલનાડુ રાજકીય કારણોસર ત્રિ-ભાષા ફોર્મ્યુલાને સ્વીકારી નથી રહ્યું તેથી કેન્દ્ર સરકાર દ્વારા અપાતી 5000 કરોડ રૂપિયાની સહાય ગુમાવી રહ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ વારાણસીમાં એક કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુ રાજ્ય સરકાર પર હિંદીનો વિરોધ કરીને રાજકીય હિતો સાચવવા માટે વિરોધ કરવાનો આક્ષેપ કર્યો હતો.
ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનના પગલે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને તેમનો દીકરો તથા નાયબ મુખ્યમંત્રીના ઉદયનિધિ સ્ટાલિન મેદાનમાં આવી ગયા. 18 ફેબ્રુઆરીએ ઉદયનિધિ સ્ટાલિને મોદી સરકારને ભાષા યુદ્ધ શરૂ નહીં કરવા ચીમકી આપી. ચેન્નાઈમાં ડીએમકે રેલીમાં ઉદયનિધિ સ્ટાલિને હુંકાર કર્યો કે, ધર્મેન્દ્ર પ્રધાને અમને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો અમે ત્રિભાષા ફોર્મ્યુલા સ્વીકારીશું તો જ ભંડોળ આપવામાં આવશે પણ અમે તમારી પાસે ભીખ માગી રહ્યા નથી તેથી આ બધી ધમકીઓ ના આપો. ઉદયનિધિએ તો દાવો પણ કર્યો કે, હિન્દી સ્વીકારનારાં રાજ્યો તેમની માતૃભાષા ગુમાવે છે ને અમે તેના માટે તૈયાર નથી. ઉદયનિધિની આક્રમકતાના પગલે પ્રધાને વાયડા થઈને ત્રિભાષા વિવાદ પર સ્ટાલિનને પત્ર લખ્યો હતો. પ્રધાને તમિલનાડુમાં થઈ રહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) વિદ્ધના વિરોધ પ્રદર્શનોની ટીકા કરીને ડહાપણ ડહોળ્યું કે, તમિલનાડુ પર કોઈ પણ ભાષા લાદવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ વિદેશી ભાષાઓ પર વધુ પડતી નિર્ભરતા વ્યક્તિની પોતાની ભાષાને મર્યાદિત કરે છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) આ ખામીને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. નવી શિક્ષણ નીતિ ભાષાકીય સ્વતંત્રતાને સમર્થન આપે છે અને વિદ્યાર્થીઓ તેમની પસંદગીની ભાષા શીખવાનું ચાલુ રાખે એ માટે બનાવાઈ છે. સ્ટાલિને વળતો પત્ર લખીને કેન્દ્ર સરકાર તમિલનાડુને સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2200 કરોડ રૂપિયા નથી આપી રહી તેનો મુદ્દો ઉઠાવી દીધો. સ્ટાલિન સહિતના તમિલ નેતાઓને હિંદીનો વિરોધ કરવામાં મજા આવે છે તેથી તેમણે આ ચર્ચાને આગળ ધપાવતાં કહ્યું છે કે હિન્દીને બળજબરીથી લાદવામાં આવતા 100 વર્ષમાં 25 ઉત્તર ભારતીય ભાષાઓ લુપ્ત થઈ ગઈ. સ્ટાલિને પોસ્ટ મૂકી છે કે, આખા દેશમાં હિન્દી ઓળખ સ્થાપિત કરવાની મથામણમાં પ્રાચીન ભાષાઓનો નાશ કરાઈ રહ્યો છે.
સ્ટાલિનના દાવા પ્રમાણે, ઉત્તર પ્રદેશ અને બિહાર ક્યારેય હિન્દી પટ્ટા નહોતા અને હવે તેમની મૂળ ભાષાઓ ભૂતકાળના અવશેષ બની ગઈ છે. સ્ટાલિનના દાવા પ્રમાણે તો હિન્દી ભોજપુરી, મૈથિલી, અવધી, બ્રજ, બુંદેલી, ગઢવાલી, કુમાઓની, મગહી, મારવાડી, માલવી, છત્તીસગઢી, સંથાલી, અંગિકા અને બીજી ઘણી ભાષાઓને ગળી ગઈ છે અને આ બધી ભારતીય ભાષાઓ તેમના અસ્તિત્વ માટે ફાંફાં મારી રહી છે.
ભાજપે સ્ટાલિનના નિવેદનને મૂર્ખામીભર્યું ગણાવ્યું છે પણ સ્ટાલિનની વાત કંઈક અંશે સાચી છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં બોલાતી પ્રાદેશિક બોલીઓનું અસ્તિત્વ ખતરામાં છે કેમ કે તેમના તરફ ધ્યાન જ નથી અપાતું. હિંદી તેમને ગળી ગઈ છે એવું કહેવું થોડું અતિશયોક્તિભર્યું છે પણ સાવ ખોટું નથી. ખડી બોલી એટલે કે શુદ્ધ હિંદીના કારણે આ પ્રાદેશિક બોલીઓનું મહત્ત્વ સાવ ઘટી ગયું છે એ સાચું છે. હિંદી સ્વીકારનારાં રાજ્યો તેમની માતૃભાષા ગુમાવે છે એ વાત પણ સાચી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગુજરાત હિંદીમય થઈ ગયું તેમાં ગુજરાતી ભાષાની ઓળખ લુપ્ત થઈ રહી છે. સીધા હિંદીના શબ્દોનો પ્રયોગ વ્યાપક બની રહ્યો છે અને મીડિયામાં સુધ્ધાં ગુજરાતી ભાષાના બદલે હિંદીના ગુગલના ટ્રાન્સલેશનનો ઉતારો ઠલવાય છે. ગુજરાતી તળપદા શબ્દો તો ક્યારનાય ગાયબ થઈ ગયા છે પણ લખાણમાં પણ હિંદીની જ અસર છે. `મા’ના બદલે `માં’ લખાય કે ના, ની, નું, નો સહિતના પ્રત્યય શબ્દ સાથે જોડવાના બદલે હિંદીની જેમ અલગ લખાય એ બહુ સામાન્ય છે. ગુજરાતી લખનારાંને આ બધી વાતોની ખબર નથી કેમ કે શુદ્ધ ગુજરાતી જાળવવા કોઈ પ્રયત્ન કરાતા નથી. ગુજરાત સરકારની જાહેરખબરોમાં કે લખાણોમાં ગુજરાતી ભાષાના ધજાગરા ઉડી રહ્યા છે પછી બીજા કોઈને તો શું કહેવું ? બીજી તરફ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું જતન થાય છે. નેતાઓ પણ હિંદીના બદલે મરાઠીમાં બોલવાનો આગ્રહ રાખે છે ને ભાષા તરફ લોકોમાં પણ સતર્કતા છે તેથી મરાઠી મજબૂત ભાષા તરીકે ઊભરી છે. બંગાળી, મલયાલી, કન્નડ, તેલુગુ, તમિલ વગેરે ભાષાઓ પણ મજબૂત બની રહી છે તેનું કારણ એ જ છે.
પ્રધાન સહિતના ભાજપના નેતાઓ વિદેશી ભાષાઓમાં નિર્ભરતાની વાતો કરે છે એ પણ હાસ્યાસ્પદ છે. જ્ઞાન બધું અંગ્રેજી સહિતની ભાષાઓમાં છે, આખી દુનિયાનો બિઝનેસ સહિતના આર્થિક વ્યવહારો વિદેશી ભાષાઓમાં ચાલે છે ત્યારે વિદેશી ભાષાઓથી કઈ રીતે દૂર રહી શકાય એ સમજાતું નથી. ભાજપના મોટા ભાગના ટોચના નેતાઓને અંગ્રેજી આવડતું નથી એ કારણ હોય કે બીજું કારણ હોય પણ અંગ્રેજી સહિતની ભાષાઓ તરફ આ અભાવ યોગ્ય નથી. ને છેલ્લે સૌથી મહત્ત્વની વાત. ભાજપને ભારતીયતાની એટલી જ ચિંતા હોય તો સંસ્કૃત ભાષા ભણાવવી ફરજિયાત કરો ને ? ભારતના બધા મહાન ગ્રંથો, મહાન ચિંતન, આયુર્વેદ સહિતની વિદ્યાઓ બધું તો સંસ્કૃતમાં છે તો પછી હિંદીનું પૂંછડું શું કરવા ઝાલીને બેઠા છીએ ? ભારતીય વારસાનું જતન કરવું હોય તો છોકરાંને ફરજિયાત સંસ્કૃત ભણાવો, હિંદી નહીં.