વીક એન્ડ

એલા, વાંચજો… આ મોરે… મોરો છે શું? 

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

અત્યારનું વાતાવરણ એવું છે કે દિવસે તડકો મોરે મોરો દે છે અને રાત્રે હજી થોડી ઠંડક મોરે મોરો રહે છે. અત્યારે કોઈને આ `મોરે.. મોરો’ શબ્દ સમજાવવાની જરૂર લાગતી નથી. અમારા ડાયરાના ફિલ્ડમાં ઘણા લોકો `મોરે મોરા’ માટે પ્રખ્યાત થઈ ગયા છે. શબ્દની તાકાત છેલ્લા બે મહિનામાં સમજાણી, પણ આ શબ્દ એટલો પ્રચલિત કરી દીધો કે ખુદ google પાસે તમે કંઈ પણ વિગત માગો તો પહેલાં તો `મોરે મોરા’નો અર્થ જ સમજાવે છે, પરંતુ કોઈને ખબર નહીં હોય કે આદિકાળથી આ `મોરે મોરા’ની પદ્ધતિ ચાલી આવે છે. અમારા ચુનિયાએ હમણાં જ એક `મોરે મોરો’ સેમિનારનું 300-300 ની ટિકિટ રાખીને આયોજન કર્યું હતું.

 google કરતાં પણ વધારે જ્ઞાન ધરાવતા અમારા ચુનિયાએ સ્ટેજ ઉપર પણ ઠોઠિયા ગાડીનો આગલો મોરો (ફ્રન્ટ ભાગ) લઈ ભાષણની શરૂઆત કરી હતી. હજી તો કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યાં માઈકવાળા – લાઈટવાળા – સેટવાળા તથા બેક સ્ટેજના કલાકારો આવા જ બીજા ભાંગલા ટૂટલા ફ્રન્ટ સાથે એટલે કે મોરા સાથે ચુનિયાને ફરતા ગોઠવાઈ ગયા. લોકોને હવે સમજાઈ ગયું હતું કે આ `મોરે મોરો’ એટલે શું! ચુનિયાની ભાંગેલી ગાડીનો મોરો અડધો પણ ન રહ્યો ત્યાં સુધી આ બાકીના ઠોઠિયા ફ્રન્ટવાળાઓએ મોરે મોરો ભટકાડ્યો. જોકે આવું પ્રૅક્ટિકલી સમજાવવા માટે ચુનિયો એક જ એવો છે જે જોખમ લઈ શકે. ઇન્ટરવલ પછી આ શબ્દ પારિવારિક છે તેવું સાબિત કરવા માટે બે-ચાર કપલને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યાં. 80 વર્ષથી માંડી અને તાજા પરણેલા એવા ચાર કપલ ડાયાડમરા થઈ અને મંચ પર ગોઠવાયાં. ચુનિયાએ આડાઅવળા એકબીજાને એવા પ્રશ્નો પૂછ્યા કે એમને અંદરો અંદર એકબીજા ઉપર વિશ્વાસ ન રહ્યો. એકબીજાં ઉપર શંકાની નજર અષાઢી વાદળાંની જેમ ઘેરી બની.

ભૂતકાળનાં એકબીજાંનાં પત્તાં ચુનિયો સ્ટેજ ઉપરથી ખોલવા માંડ્યો અને પરિસ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ કે સૌથી મોટું કપલ જેણે તાજેતરમાં જ લગ્નજીવનનાં 50 વર્ષ હોંશે હોંશે ઊજવ્યાં હતાં તે જૂની વાતો પર છુટ્ટા દાંતના ચોકઠા એકબીજાંને મારી હાંફી ગયાં ત્યાં સુધી બથમબથી કરી. નવા પરણેલાઓએ તો એકબીજાંના ઇન્સ્ટા-સ્નેપ ચેટ વગેરેના ચોપડા ખોલી નાખ્યા અને બંનેએ હાથમાં જે વસ્તુ આવી તેના ઘા કરવા માંડ્યા. ચુનિયો માંડ વચ્ચે પડ્યો અને કહ્યું કે આ નિયર એક્સપાયરી કપલથી લઈ અને સીમલાના લાલઘૂમ સફરજન જેવું કપલ જે કરી રહ્યું હતું તેને `મોરે મોરો’ કહેવાય. યુદ્ધ કેવું હોય તે જાણવા માટે કંઈ બૉંબમારો કે મિસાઈલ ન છોડાય. તેને શાબ્દિક રીતે પણ સમજાવી શકાય, પણ ચુનિયાએ પ્રૅક્ટિકલી આ સમજાવ્યું. 80 વર્ષના ભાભાને પણ તમે પૂછો તો કહેશે કે ઘરવાળાને વતાવવા નહીં, નહીં તો `મોરે મોરો’ આવે અને તેમાં નુકસાન તમને જ થાય. આજની નવી પેઢીને શબ્દ સમજાવવા માટે કસરત કરવી પડે, પરંતુ હવે એને સમજાયું હશે તેમ છતાં કહી દઉં કે તમારો વાંક ન હોય છતાં તેને તમારી સાથે ડખો કરવો હોય તો ગમે ત્યારે `મોરે મોરો’ આવશે. એટલે કે તમારી સાથે મગજમારી કરશે અને તમારા મોરાનો ભાંગીતોડીને ભૂકો કરી નાખશે.

સ્ત્રી એ શક્તિ છે. હમણાં 8 તારીખે મહિલા દિન છે. Facebook instagram whatsapp આ બધા જ માધ્યમ પર બહેનોની પ્રશસ્તિ ચાલુ થશે. અમુક લોકો દિલથી વખાણ કરે ને અમુક લોકો ભવિષ્યમાં `મોરે મોરો’ ન આવે એટલા માટે વખાણ કરે. હકીકત એ છે કે આપણા મોરાને સાચવવાવાળો મોરો એ આપણા ઘરનાં સ્ત્રીપાત્રનો મોરો હોય છે.

પુરુષ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે ઘરની સ્ત્રી ફુલ સ્પીડમાં સામેવાળાને `મોરે મોરો’ અડાડી દે. એ એમની તાકાત છે. `મોરે મોરો’ શબ્દની તાકાત એ છે કે આ એક જ શબ્દ બીજા કેટલાય શબ્દોને ભુલાવી શકે છે અને એ છે મોંઘવારી, બેરોજગારી, તંગી, માંદગી… જેવા અનેક શબ્દો સોશિયલ મીડિયા ઉપર ભુલાઈ જાય અને ટે્રન્ડિંગમાં ચાલે `મોરે મોરો’… અત્યારે તો પરીક્ષાની સીઝન પણ છે. વિદ્યાર્થીઓ જો વાંચશે નહીં અને આવા ખોટા શબ્દો પાછળ કે ઘટના પાછળ સમય બગાડશે તો જીવનમાં ન કલ્પેલી નિષ્ફળતા `મોરે મોરો’ જીકશે. આ શબ્દ છે એ સંસ્કૃતિને ભુલાવી શકે એવો સુર સાંઢ જેવો છે. પહેલાં ડાયરો મીઠો લાગતો હતો હવે `મોરો’ (મોળો) લાગે છે. નજીકના ભવિષ્યમાં જો ડાયરા બંધ થઈ જાય તો તેના માટે યાદ રાખજો આ શબ્દ `મોરે મોરો’ જ કારણભૂત હશે. આ લખતો’તો ત્યાં કિરણ મોરે (ભૂતપૂર્વ ક્રિકેટર)નો ફોન આવ્યો કે `મિલનભાઈ, આ ડાયરાવાળા મને કેમ યાદ કરે છે?’ મેં કીધું કે અમારા ફળિયામાં ઝાઝા બધા મોર આવ્યા હતા એટલે કહ્યું હશે કે મોરે,મોરો (મોરનું બહુવચન)આવ્યા છે.

`મોરે મોરો’ ભટકાડવાવાળા એકલા બેસીને વિચારે તો ક્યારેય આવો ભંગાર વિચાર આવે નહીં, પરંતુ અમારા ચુનિયાને આજુબાજુવાળા, સાવ નવરી બજાર, મફતિયા ચડાવે એટલે આવા `મોરે મોરા’ના વિચાર આવે. વિચાર વાયુ તમારી પ્રતિષ્ઠા રૂપી ગાડીનો મોરો ગમે તેવડો વીમો હોય તોપણ આડેધડ કોઈની સાથે ભટકાડાય નહીં. તેને નુકસાન કરવા જતાં તમારી ગાડીને પણ નુકસાન તો થાય જ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button