વીક એન્ડ

બોલો, વોલ્ટ ડિઝની જાસૂસ’ હતા ને પેલો ચાર્લી ચેપ્લિનકમ્યુનિસ્ટ’ હતો! વોલ્ટ ડિઝની, ચાર્લી ચેપ્લિન

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

અમેરિકા અને એની FBI તેમ જ CIA જેવી સંસ્થા પોતાની કાર્યપદ્ધતિ માટે આખી દુનિયામાં કુખ્યાત છે. હમણાં અમેરિકાનું `ડીપ સ્ટેટ’ ચર્ચામાં છે, પણ આ વાત આજકાલની નથી, બલકે ગઈ સદીથી ચાલી આવે છે. અમેરિકાએ કેવા કેવા લોકોની જાસૂસી કરી છે, અને કેવા કેવા લોકોનો `જાસૂસ’ તરીકે ઉપયોગ કર્યો છે, એનોય આખો રસપ્રદ ઇતિહાસ છે.

હેલન કેલરની સિદ્ધિઓ વિષે આપણે ઘણું વાંચ્યું છે. મૂંગી, બહેરી અને આંધળી હોવા છતાં આ સ્ત્રીએ જે હિંમતથી જીવન જીવી બતાવ્યું. એનાં વખાણ તો દુશ્મનોએ પણ કરવાં પડે, પણ હેલનબહેનની એક ખૂબી એ હતી કે પોતાની તમામ શારીરિક મર્યાદાઓ છતાં એ રાજકારણમાં રસ લેતાં. એટલું જ નહિ, તત્કાલીન અમેરિકી પ્રમુખ વુડ્રો વિલ્સનના એ ટીકાકાર હતાં. હેલનની છાપ સમાજવાદના હિમાયતી તરીકેની પણ ખરી. એટલે લાંબો સમય સુધી FBIએ આ સ્ત્રીને શંકાના દાયરામાં રાખેલી. એમનાં ઉપરાંત, બીજી કેટલીક એવી સેલિબ્રિટીઝ પણ છે, જેમણે રીતસર FBIના `જાસૂસ’ તરીકે સેવા આપી હોય!

મિકી માઉસ જેવા પ્રખ્યાત કાર્ટૂનના સર્જક વોલ્ટ ડિઝની પણ અમેરિકી સંસ્થા `ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન- FBI’ માટે જાસૂસી કરતા હતા! એ પોતાના જમાનાના ઉમદા એનિમેટર હતા, ફિલ્મ પ્રોડ્યુસર હતા અને પ્રખ્યાત ડિઝની સ્ટુડિયોના સ્થાપક પણ ખરા. અમેરિકામાં 1930ના દાયકામાં ઘેરી મંદી આવી. આવો સમય દેશના દુશ્મનોને ફાવીતો પડે છે. અર્થતંત્ર ડામાડોળ હોય અને પ્રજા ગરીબી-ભૂખમરામાં પીસાતી હોય ત્યારે દુશ્મનો `ક્રાંતિ’ના નામે સરકાર ઉથલાવીને રાજકીય અસ્થિરતા પેદા કરવાનાં કાવતરાં કરતાં હોય છે. અમેરિકી સરકારનેય આવો જ ડર હતો. ખાસ કરીને ફિલ્મો જેવા માધ્યમ થકી દુશ્મનો પોતાનો પ્રોપેગેન્ડા પ્રજાના મગજમાં ઉતારી દે તો તકલીફ… એ સમયે FBI એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોને સાધ્યા. આમાં એક નામ વોલ્ટ ડિઝનીનું પણ ખરું.

એ વખતે અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા લોકો હતા જે અમેરિકન સરકારની નીતિઓ વિરુદ્ધની વિચારધારા ધરાવતા હતા. સરકાર આ લોકોને સીધા ઝબ્બે કરે તો આ ફિલ્મી હસ્તીઓની લોકપ્રિયતાને કારણે પ્રજા વીફરી બેસે એટલે FBI એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ વોલ્ટ ડિઝની જેવા લોકોને પોતાની સાથે લીધા. ઇન્ડસ્ટ્રીની જ વ્યક્તિ તરીકે ડિઝની બીજા આર્ટિસ્ટ્સને છૂટથી મળી શકે – એમની સાથે વિચારોની આપ-લે કરી શકે. એમાં જો કોઈ વ્યક્તિ અમેરિકી નીતિઓ વિરુદ્ધની વિચારધારાની જણાય તો વોલ્ટભાઈ એનું નામ FBI ના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી દેતા. આ તો એક પ્રકારની જાસૂસી હતી! પોતાના જીવનના છેલ્લા ત્રણ દાયકાઓ દરમિયાન વોલ્ટ ડિઝની હોલિવૂડના ડાબેરી ઝોક ધરાવતા કળાકાર- કસબીઓનાં નામ FBI ને પહોંચાડતા રહ્યા. કદાચ FBI સાથેની આ `દોસ્તી’ને કારણે જ વોલ્ટ ડિઝનીને `ધ મિકી માઉસ ક્લબ’ નામની ફિલ્મ શૂટ કરવા માટે વૉશિંગ્ટન ખાતેનું FBI હેડક્વાર્ટર ફાળવવામાં આવેલું.

 …અને ચાર્લી ચેપ્લિન!  આજે પણ દર્શકોનો એક મોટો વર્ગ ચાર્લી ચેપ્લિનનો દીવાનો છે. `ધ કીડ’થી માંડીને `ધ ગ્રેટ ડિકટેટર’ જેવી ઑલ ટાઈમ ક્લાસિકમાં ગણના પામતી ફિલ્મો ચાર્લી ચેપ્લિનને ઑલ ટાઈમ ગ્રેટ કળાકાર સાબિત કરે છે. `ધ ગ્રેટ ડિકટેટર’માં ચાર્લીએ જે રીતે હિટલરની ઠેકડી ઉડાડી એ જોતાં સામાન્ય અભિપ્રાય એવો બંધાય કે એ બ્રિટન- અમેરિકાની સરકારોનો લાડકો કળાકાર હશે, પણ વાસ્તવિકતા સાવ જુદી હતી. ચાર્લી ચેપ્લિન પોતાના પોલિટિકલ વ્યૂઝને લઈને ઘણો વાચાળ હતો. ખાસ કરીને 1930 પછીના સમય દરમિયાન યુરોપના અનેક દેશોમાં લશ્કરી રાષ્ટ્રવાદમાં ઉછાળો આવ્યો, જે ચાર્લીને મુદ્દલ ગમતું નહોતું. પોતાની ફિલ્મોમાં પણ મૂડીવાદ અને શોષણખોરી સામેનો ચાર્લીનો અણગમો પ્રકટ થયા કરતો. પરિણામે બ્રિટન અને અમેરિકાએ ચાર્લીને કમ્યુનિસ્ટ ગણી લીધો. FBI ના તત્કાલીન ડિરેક્ટર જે. એડગર હુવર તો રીતસર ચેપ્લિનની પાછળ જ પડી ગયા. હુવરે મીડિયામાં પણ ચાર્લી ચેપ્લિન વિરુદ્ધ વાતો ફેલાવવામાં પાછું વાળીને ન જોયું. ચાર્લીને ખુદનું પ્રેમપ્રકરણ પણ નડી ગયું. એક સ્ત્રી સાથેના સંબંધોને કારણે ચાર્લી સામે કોર્ટ કેસ થયો. એ વખતે અમેરિકામાં જે કાયદો પ્રચલિત હતો, એ મુજબ કોઈ પારકી સ્ત્રી સાથે વ્યભિચારના હેતુસર આંતરરાજ્ય પ્રવાસ ખેડવામાં આવ્યો હોય, તો લાંબી કેદની સજા થતી. ચાર્લી કેસ હારી જાય તો 23 વર્ષની કેદ થાય એમ હતું. સદ્નસીબે એ કેસમાંથી માંડ છૂટ્યો ત્યાં પેલી સ્ત્રીને બાળક અવતર્યું અને એના બાયોલૉજીકલ ફાધર તરીકે ચાર્લી ચેપ્લિનનું જ નામ ખૂલ્યું! એટલે FBI ને ઓર મજા પડી ગઈ. એમાં વળી યુજીન ઓ’નીલ નામના જાણીતા નાટ્યકારની યુવાન દીકરી સાથેનું પ્રેમપ્રકરણ ગાજ્યું. જોકે ત્રેપન વર્ષનો ચાર્લી અને અઢારની ઉના ઓ’નીલ વચ્ચે ખરેખર પ્રેમ હતો એટલે બંને પરણી ગયા, પણ FBI એ ચાર્લીની ઈમેજ બગાડવાનો એક્કેય મોકો ન છોડ્યો. 

ચાર્લી મૂળે બ્રિટિશ હતો એટલે અમેરિકા માટે આમેય `પોતીકો’ ન ગણાય. અનેક રાજકારણીઓ પણ એની વિરુદ્ધમાં ગયા. એક તબક્કો એવો આવ્યો કે ચાર્લીને કાયમ માટે અમેરિકા છોડવું પડ્યું. જીવનના અંતિમ બે દાયકા એણે સ્વિત્ઝલર્ૅન્ડમાં વિતાવ્યા! અહીં પ્રશ્ન એ છે કે ચાર્લી ચેપ્લિન કમ્યુનિસ્ટ હોવાની વાત FBI સુધી પહોંચાડી કોણે? એવું કહેવાય છે કે ચાર્લીને એવા ઘણા મિત્રો હતા, જે કમ્યુનિસ્ટ મહાસત્તા ગણાતા સોવિયેત રશિયાની નજીક હતા. રશિયન રાજદૂતોએ યોજેલા કાર્યક્રમોમાં પણ ચાર્લી ચેપ્લિનની હાજરી હોવાનું નોંધાયું છે. જોકે, સાચું કારણ આ બધા કરતાં જુદું જ હતું, જેનું સિક્રેટ ઠેઠ ઇસ 2003માં જાહેર થયેલા સરકારી દસ્તાવેજોમાંથી ખૂલ્યું. `એનિમલ ફાર્મ’ નામની અદ્ભુત નવલકથા અને એના સર્જક જ્યોર્જ ઓરવેલનું નામ આદરપૂર્વક લેવાય. આ ઓરવેલ સાહેબ પણ બ્રિટિશ જાસૂસી સંસ્થાને કમ્યુનિસ્ટ છાપ ધરાવતા લોકોની માહિતી આપતા. ઓરવેલે આવા પાંત્રીસ લોકોનું લિસ્ટ પણ બનાવેલું, જેમાં એક નામ ચાર્લી ચેપ્લિનનું હતું! જોકે ચાર્લી ચેપ્લિન ખરેખર કોમ્યુનિસ્ટ હોવાનું ક્યારેય સાબિત નથી થયું.               

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button