કોલસા-લાકડાનો ઉપયોગ: 269 બેકરી, 414 હોટલને નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરમાં કોલસાના તંદૂર અને લાકડાનો ઉપયાગો કરનારી હોટલ અને રેસ્ટોરાં સહિત બેકરી સામે મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે, જેમાં ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરી સાંજ સુધીમાં ૪૧૪ હોટલોને તથા ૨૬૯ બેકરીઓને પાલિકાએ નોટિસ ફટકારી છે, જેમાં તેમને છ મહિનાનો સમય આપીને કોલસા, લાકડાનો ઉપયોગ બંધ કરીને ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
બોમ્બે હાઈ કોર્ટે નવ જાન્યુઆરીના પાલિકાને આપેલા આદેશ બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બેકરીઓ તથા હોટલો, ઢાબા, ખાવા-પીવાની દુકાનોમાં ઈંધણ તરીકે લાકડાનો તથા કોલસાનો ઉપયોગ કરવા સામે નોટિસ આપવામાં આવી રહી છે. નોટિસ આપવાની સાથે જ તેમને સીએનજી, એલપીજી, પીએનજી અને ઈલેક્ટ્રિક ઊર્જાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ તમામ લોકોને છ મહિનાનો એટલે કે નવ જુલાઈનો સમય આપવામાં આવ્યો છે.
Also read: મુંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫ ટકા વધુ રકમનું બજેટ
ગુરુવાર સુધીમાં સૌથી વધુ નોટિસ જી-દક્ષિણ વોર્ડના લોઅર પરેલ, એલ્ફિન્સ્ટન રોડ, વરલીમાં ૧૦૭ હોટલોને આપવામાં આવી છે ત્યારબાદ ઈ-વોર્ડના ભાયખલા, નાગપાડામાં ૬૧ હોટલ અને ૫૧ બેકરી નોટિસ આપવામાં આવી છે. તો એલ-વોર્ડમાં કુર્લામાં ૬૩ હોટલ અને ૨૬ બેકરીને નોટિસ આપવામાં આવી છે.