ટોપ ન્યૂઝનેશનલ

પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા, જાણો ગુજરાત સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન

નવી દિલ્હીઃ માર્ચ મહિનાની શરૂઆતમાં દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ તથા બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષોભ અને અરબ સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમથી ભારતમાં પહોંચી રહેલો ભેજ છે. તેની અસરથી હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ તથા બરફવર્ષા થવાની સંભાવના છે. અહીંયા 120 મિમી સુધી વરસાદ પડી શકે છે. તેની અસર પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળશે.

કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન

આ રાજ્યોમાં ગાઢ વાદળો છવાયેલા રહેશે અને કરા પણ પડી શકે છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કરા પણ પડી શકે છે. ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કરા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં મિશ્ર હવામાન જોવા મળી શકે છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ પડી શકે છે.

ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ અને ભારે હિમવર્ષા તથા વીજળી પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 70 મિમી સુધી વરસાદ ખાબકી શકે છે. શનિવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, મુઝફ્ફરાબાદ, તમિલનાડુ, પુડ્ડુચેરીના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કોંકણ, ગોવા અને કોસ્ટલ કર્ણાટકન અલગ અલગ વિસ્તારોમાં ગરમી પડશે.

દિલ્હીમાં વરસાદ

શનિવાર સવારે દિલ્હી, નોયડા, ગ્રેટર નોયડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. કાશ્મીર ઘાટીમાં રાતભર થયેલી હિમવર્ષાથી રેલવે, હવાઈ અને રોડ વાહન વ્યવહારને અસર થઈ છે. જમ્મુ-કાશ્મીર સરકારે હવામાનને ધ્યાનમાં રાખી સ્કૂલોમાં રજા છ દિવસ લંબાવી છે.

Also read: Jammu Kashmir માં હવામાન પલટાશે, ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાથી ઠંડક છવાઈ ગઈ છે. જ્યારે કુલ્લુ જિલ્લામાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસથી સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે કુલ્લુ જિલ્લાના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે અને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ, પશ્ચિમ રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જ્યારે સિસ્ટમની સાથે મધ્ય મહારાષ્ટ્ર સુધી એક ટ્રોફ લાઈન બની છે. જેની અસરથી ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો ઘટવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે ત્રણ દિવસ મહત્તમ તાપમાન ઘટ્યા પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button