કમ્પ્યુટર ક્લાસથી પાછી ફરેલી સગીરા સાથે ચાકુની ધાકે દુષ્કર્મ…
કરિયાણાની દુકાને ગયેલી બાળકી સાથે પણ અશ્લીલ ચાળા

વાશિમ: વાશિમ જિલ્લામાં એક જ દિવસે બનેલી બે અલગ અલગ ઘટનામાં કમ્પ્યુટર ક્લાસમાંથી પાછી ફરેલી 16 વર્ષની સગીરાને ખેતરમાં લઈ જઈ ચાકુની ધાકે તેની સાથે દુષ્કર્મ કરાયું હતું, જ્યારે કરિયાણાની દુકાનમાં આઈસક્રીમ લેવા ગયેલી સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કરવામાં આવ્યા હતા.
Also read : 26/11 મુંબઈ હુમલા કેસમાં મુક્ત થયેલા આરોપીને રોજીરોટી કમાવવાની મુશ્કેલી, કોર્ટમાં કરી અરજી
પોલીસના જણાવ્યા મુજબ વાશિમ જિલ્લાના રિસોડ શહેરમાં કમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે પાછી ફરી રહેલી સગીરાને રસ્તામાં 45 વર્ષના અજાણ્યા શખસે રોકી હતી. પિતાનો દૂરનો સગો હોવાથી મારી પુત્રી તને મળવા બોલાવે છે, એવું જણાવી આરોપીએ સગીરાને વાતોમાં ભોળવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સગીરાને રિક્ષામાં રિસોડ-વાશિમ માર્ગ પરના વાકદ ખાતે નિર્જન ખેતરમાં લઈ જવાઈ હતી, જ્યાં ચાકુની ધાકે આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પછી સગીરાને ઘટનાસ્થળે જ છોડી આરોપી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે રિસોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની શોધ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓની આઠ ટીમ આરોપીની શોધ ચલાવી રહી છે.
Also read : પુણે બસ બળાત્કાર કેસ: મહારાષ્ટ્રના પ્રધાને સુરક્ષામાં બેદરકારી બદલ એમએસઆરટીસીની ટીકા કરી, પોલીસનો બચાવ કર્યો
દરમિયાન સાત વર્ષની બાળકીના વિનયભંગની ઘટના અકોલા નાકા પરિસરમાં બની હતી. બાળકી આઈસક્રીમ લેવા કરિયાણાની દુકાને ગયા પછી પાછી ફરી નહોતી. વડીલોએ શોધખોળ કરતાં બાળકી દુકાનમાંથી મળી આવી હતી. ડરી ગયેલી બાળકીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ વડીલોને કરી હતી. આ પ્રકરણે વાશિમ પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.