Good News:ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેત, ત્રીજા ક્વાર્ટરમાં વાસ્તવિક વિકાસ દર વધીને 6.2 ટકા થયો

નવી દિલ્હી : દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમા આગામી નાણાંકીય વર્ષના ઓછા વિકાસ દરના(GDP)અનુમાન વચ્ચે નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર વધીને 6.2 ટકા થયો છે. જે બીજા ક્વાર્ટરમાં આ દર 5.4 ટકા હતો. તેનો અર્થ એ કે દેશની અર્થવ્યવસ્થા પાછલા ક્વાર્ટરની સરખામણીમાં સુધરી છે. દેશના સારા ચોમાસાથી ગ્રામીણ વપરાશ અને સરકારી ખર્ચમાં વધારાથી અર્થતંત્રને ટેકો મળ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO)ના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે 6.4 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો
સીએસઓએ રાષ્ટ્રીય ખાતાઓના બીજા આગોતરા અંદાજમાં 2024-25 માટે દેશનો વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જાન્યુઆરી 2025 માં જાહેર કરાયેલા તેના પ્રથમ આગોતરા અંદાજમાં તેણે ચાલુ નાણાકીય વર્ષ માટે 6.4 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. સીએસઓએ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકાના અગાઉના અંદાજથી સુધારીને 9.2 ટકા કર્યો છે.
વૃદ્ધિ દર 2024-25 દરમિયાન 6.5 ટકા રહેવાનો અંદાજ
નવીનતમ ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક GDP અથવા સ્થિર ભાવે GDP રૂપિયા187.95 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જ્યારે વર્ષ 2023-24 માટે GDPનો પ્રથમ સુધારેલો અંદાજ રૂપિયા 176.51 લાખ કરોડ છે. જ્યારે વાસ્તવિક GDP વૃદ્ધિ દર 2024-25 દરમિયાન 6.5 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે 2023-24 માં તે 9.2 ટકા હતો. વર્તમાન ભાવે જીડીપી 2024-25માં રૂપિયા 331.03 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જે વર્ષ 2023-24 માં રૂપિયા 301. 23 લાખ કરોડ હતો. જે 9.9 ટકાનો વિકાસ દર દર્શાવે છે.
આ પણ વાંચો : મુંબઈની આર્થિક વિકાસ યોજના માટે MMRDA નો માસ્ટર પ્લાન તૈયાર…
નાણાકીય વર્ષ 2023-24 માં વાસ્તવિક જીડીપી
પ્રથમ સુધારેલા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં વાસ્તવિક GDP 9.2 ટકા વધવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2021-22 સિવાય છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ છે. આ વૃદ્ધિ ઉત્પાદન ક્ષેત્ર (12.3 ટકા), બાંધકામ ક્ષેત્ર (10.4 ટકા) અને નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યવસાયિક સેવાઓ ક્ષેત્ર (10.3 ટકા) માં વૃદ્ધિ દર ડબલ ડિજીટમાં ફાળો આપ્યો.