અમેરિકામાં કોમામાં સરી પડેલી નીલમ શિંદેના પરિવારને વિઝા મળ્યા; સુપ્રિયા સુળેનો આભાર માન્યો

મુંબઈ: મૂળ સતારાની વતની વિદ્યાર્થીની નીલમ શિંદે (Nilam Shinde) અમેરિકાના કેલિફોર્નિયામાં 14 ફેબ્રુઆરીના રોજ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. હાલ નીલમ શિંદે હોસ્પિટલમાં ભરતી છે, તે કોમામાં સરી પડી છે. અકસ્માત બાદ પરિવાર યુએસ વિઝા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, જેમાં સફળતા મળી રહી ન હતી. NCP (SP) સાંસદ સુપ્રિયા સળે(Supriya Sule)ના હસ્તક્ષેપ બાદ પરિવારને યુએસના વિઝા મળી ગયા છે.
હાલ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સી ડેવિસ મેડિકલ સેન્ટરમાં નીલમની સારવાર ચાલી રહી છે. નીલમ શિંદે પરિવારે તાત્કાલિક વિઝાની માંગણી કરી હતી જેથી તેઓ તેની સાથે રહી શકે અને તેની સંભાળ રાખી શકે. નીલમના પરિવારે અકસ્માતના 48 કલાક પછી જ વિઝા માટે અરજી કરી હતી પરંતુ વિઝા મળી રહ્યા ન હતાં.
સુપ્રિયા સુળેની અપીલ:
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ પરિવારને વિઝા મેળવવામાં મદદ કરવા વિદેશ પ્રધાન એસ જયશંકરને અપીલ કરી હતી. ગઈ કાલે સુળે એ X પોસ્ટમાં લખ્યું કે આ ચિંતાનો વિષય છે અને બધાએ મદદ માટે સાથે આવવું જોઈએ.
નિલમને ગંભીર ઈજા:
મૂળ મહારાષ્ટ્રના સતારાની નીલમ શિંદેને 14 ફેબ્રુઆરીના રોજ એક કારે ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ત્યારથી તે હોસ્પિટલમાં છે. નીલમના માથા, હાથ અને છાતીમાં ગંભીર ઈજાઓ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયે નીલમના પરિવારની તાત્કાલિક વિઝાનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો…Pune Rape Case: પુણે રેપ કેસના આરોપીની ધરપકડ, પોલીસે શેરડીના ખેતરમાંથી પકડી પાડ્યો
પરિવારને રાહત:
નિલમના પિતરાઈ ભાઈએ એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે, “વિઝા ઇન્ટરવ્યુ પ્રક્રિયા ખૂબ જ સરળ હતી. અમને વિઝાની પ્રિન્ટેડ કોપી પણ મળી ગઈ છે. અમે આગામી ફ્લાઇટમાં અમેરિકા જઈશું. અમે મીડિયા, એકનાથ શિંદે અને સુપ્રિયા સુળેના આભારી છીએ.” અહેવાલ મુજબ પરિવાર અમેરિકા જવા 5 થી 6 લાખ રૂપિયાની લોન પણ લેશે.
આરોપીની ધરપકડ:
સેક્રામેન્ટો પોલીસના જણાવ્યા અનુસાર, 58 વર્ષીય આરોપી લોરેન્સ ગેલોએ નીલમને કારથી ટક્કર મારી અને ફરાર થઇ ગયો. સેક્રામેન્ટો ફાયર વિભાગના કર્મચારીઓએ નીલમને હોસ્પિટલમાં દાખલ કરી. આરોપીની 19 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી.