Champions Trophy 2025

IND vs NZ: રોહિત શર્માને આરામ આપવામાં આવશે! કોણ બનશે કેપ્ટન અને કોણ કરશે ઓપનીંગ?

દુબઈ: ICC Champions Trophy 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 2જી માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં (IND vs NZ) રમાશે છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોએ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં સ્થાન પહેલાથી જ કન્ફર્મ કરી લીધું છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ મેચમાં ટીમની કેપ્ટનશીપ ઓપનીંગ બેટર શુભમન ગીલને સોંપવામાં આવી શકે છે. એહવાલ મુજબ રોહિત શર્માને આ મેચ માટે આરામ આપવામાં આવી (Rohit Sharma Injury) શકે છે, તેને હેમસ્ટ્રિંગની ઇજા થઇ છે.

અહેવાલ મુજબ, ટીમ મેનેજમેન્ટ આ મુદ્દે વિચાર કરી રહ્યું છે. ભારતની સેમિફાઇનલ મેચ 4થી માર્ચે છે, તેથી ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે રોહિત શર્માને આરામ મળે. જો રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામે આરામ આપવામાં આવે છે, તો શુભમન ગિલ ODI ક્રિકેટમાં કેપ્ટન તરીકે ડેબ્યુ કરશે.

નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન સામેની મેચ દરમિયાન, જ્યારે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો, ત્યારે ગિલે થોડા સમય માટે ટીમની કમાન સંભાળી હતી. જોકે થોડા સમય પછી રોહિત મેદાન પર પરત ફર્યો હતો, અને ટીમની જવાબદારી સંભાળી હતી, પરંતુ તે 100 ટકા ફિટ દેખાયો ન હતો.

ગિલની પણ તબિયત ખરાબ!
અહેવાલો અનુસાર, બુધવારે બેટિંગ પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ ભાગ લીધો ન હતો. રોહિત ઈજાગ્રસ્ત છે, જ્યારે ગિલની તબિયત સારી ન હતી. આ અહેવાલોને કારણે ભારતીય ચાહકોની ચિંતા વધી હતી કારણ કે આવી સ્થિતિમાં બંને ઓપનર બેટર બહાર થઇ શકે છે. જોકે, શુભમન ગિલે ગુરુવારે એક સેશનનમાં ભાગ લીધો, જેને કારણે ભારતીય ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.

આ દરમિયાન રોહિત હેડ કોચ ગૌતમ ગંભીર સાથે સ્ટ્રેટેજી વિષે લાંબા સમય સુધી ચર્ચા કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…મહિલાઓની આઇપીએલમાં ગુજરાતે બેન્ગલૂરુને હરાવ્યું, હવે મોખરાની ટીમો મુંબઈ-દિલ્હી વચ્ચે ટકકર

રોહિત શર્માનું સ્થાન કોણ લેશે:
રોહિતને ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે આરામ આપવામાં આવે વિકેટકીપર બેટર ઋષભ પંતને ટીમમાં સ્થાન મળી શકે છે. કેએલ રાહુલને શુભમન ગિલ સાથે ઓપનીંગમાં મોકલવામાં આવી શકે છે.

મહત્વની વાતએ છે કે ટીમ ઈન્ડિયા પાસે કોઈ બેકઅપ ઓપનર નથી. યશસ્વી જયસ્વાલનું નામ અગાઉ ટીમમાં હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યો અને વરુણ ચક્રવર્તીને 15 ખેલાડીઓની સ્કવોડમાં સ્થાન આપવામાં આવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button