…એન્ડ ધ બેસ્ટ પિક્ચર એવૉર્ડ ગોઝ ટુ?
‘ઓસ્કર્સ’ ની બેસ્ટ પિક્ચર કેટેગરીની ટોપ ટેન ફિલ્મ્સ વચ્ચે છે ટોપ કોન્ટેસ્ટ...

શો-શરાબા -દિવ્યકાંત પંડ્ફયા
દર વર્ષની જેમ આ વર્ષે પણ એ ઘડી આવી ગઈ છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવૉર્ડ સમારોહની ઘડી! આગામી 3 માર્ચના 97મા એકેડેમી એવૉર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે અને દર વર્ષની જેમ જ આ કટારમાં આપણે બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં સામેલ 10 ફિલ્મ્સની ટૂંકમાં વાત કરવાના છીએ.
2024ના વર્ષમાં રિલીઝ થયેલી દુનિયાભરની ફિલ્મ્સમાંથી શોર્ટલિસ્ટ અને નોમિનેશનની પ્રક્રિયામાંથી પસાર થયેલી કોઈ એક ફિલ્મ વિજેતા બનશે. આમ તો ઓસ્કર્સની દરેક કેટેગરી મહત્ત્વની,છે, પણ આપણે બેસ્ટ પિક્ચર કેટેગરી પર નજર કરીને આ વર્ષના ઓસ્કર્સની ઝાંખી મેળવીએ
એનોરા (Anora)):
એનોરા નામની એક સ્ટ્રીપર છોકરી બ્રુકલીન શહેરમાં રહે છે. એક દિવસ એની મુલાકાત ઇવાન નામના એક રશિયન છોકરા સાથે થાય છે. એનોરા અને ઈવાન બંને લગ્ન કરી લે છે. પણ અહીં જ એમના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થાય છે. ફિલ્મમાં ઈવાનના પૈસાદાર બાપના માણસો આ લગ્ન તોડવા બંનેની જિંદગીમાં ધમાલ મચાવી દે છે.
બેસ્ટ પિક્ચર સહિત ‘એનોરા’ને ઓસ્કર્સમાં કુલ 6 નોમિનેશન્સ મળ્યા છે. રાઇટર-ડિરેક્ટર: શોન બેકર
ધ બ્રુટલિસ્ટ (The Brutalist)ં:
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા પછી હંગેરિયન યહૂદી લાઝલો અને એની પત્ની બહેતર જિંદગીની શોધમાં અમેરિકા આવે છે. ઉચ્ચ કક્ષાના આર્કિટેક્ટ લાઝલોને અમેરિકામાં આવીને પણ સન્માનનીય જિંદગી જીવવા જે સંઘર્ષ કરવો પડે છે તેની આ ફિલ્મમાં વાત છે.
‘ધ બ્રુટલિસ્ટ’ને બેસ્ટ પિક્ચર સહિત કુલ 10 નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: બ્રેડી કોર્બટ, મોના ફાસ્ટવલ્ડ. ડિરેક્ટર: બ્રેડી કોર્બટ
આઇ એમ સ્ટીલ હિયર (I’m Still Here):
ઓસ્કર્સની બેસ્ટ ફિલ્મ્સમાં યુદ્ધ કે મિલિટરીની અસર પરની ફિલ્મ્સ ઘણી હોય છે. 1971ના બ્રાઝીલમાં મિલિટરી અત્યાચારમાં યુનિસ પૈવા નામની એક સ્ત્રીનો મજાનો પરિવાર ખામોશ થઇ જાય છે જયારે એના પતિ રૂબન્સને મિલિટરી એક દિવસ કોઈ જ ગુના વગર પકડીને લઈ જાય છે. રૂબન્સના દીકરા માર્સેલોની આત્મકથા પર આધારિત આ ફિલ્મ એટલે એના પરિવારની લડત!
આ કેટેગરીમાં નોમિનેટ થનારી આ પ્રથમ બ્રાઝિલિયન ફિલ્મને કુલ 3 નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: મુરીલો હોસર, હેટર લોરેગા.
ડિરેક્ટર: વોલ્ટર સેલ્સ
કોન્ક્લેવ (Conclave):
રોબર્ટ હેરિસ લિખિત આ જ નામની નવલકથા પર આધારિત આ ફિલ્મના કેન્દ્રમાં છે રોમની કેથલિક ચર્ચની પરંપરા. ચર્ચના પ્રતિનિધિ એટલે કે પોપના મૃત્યુ પછી કાર્ડિનલની પદવી ધરાવતા થોમસ લોરેન્સને નવા પોપની વરણીનું કામ સોંપાય છે અને એમાંથી જ એને જાણવા મળે છે ચર્ચના અમુક લોકોની કાળી બાજુ, જે ફિલ્મમાં દર્શાવાઈ છે. ‘કોન્ક્લેવ’ને કુલ 8 નોમિનેશન્સ મળ્યા છે. રાઇટર: પીટર સ્ટ્રોઘન. ડિરેક્ટર: એડવર્ડ બર્જર
ડ્યુન: પાર્ટ ટુ (Dune: Part Two):
2021માં 6 અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કર જીતનારી ફિલ્મ ‘ડ્યુન’ની આ સિક્વલ છે. પોતાના પિતાને ગુમાવ્યા બાદ એમનો બદલો લેવા માટે અધીરો પોલ એટ્રેડિસ દુનિયાના અસ્તિત્વ અને પ્રેમની લડાઈમાં અટવાય છે. ભવિષ્યની એક કાલ્પનિક અને મજેદાર સૃષ્ટિની વાત આ ફિલ્મમાં છે.
આ વર્ષે પણ ફિલ્મને કુલ પાંચ નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: ડેનિસ વલનવ, જોન સ્પેટ્સ
ડિરેક્ટર: ડેનિસ વલનવ
એમિલીયા પરેઝ (Emilia Perez)):
‘એમિલીયા પરેઝ’ સ્પેનિશ ભાષાની મ્યુઝિકલ ક્રાઇમ ફિલ્મ છે. જેક્સ ઑડિયાર્ડના ઓપેરા પર આ ફિલ્મ આધારિત છે.
મેક્સિકો શહેરમાં રહેતી ત્રણ સ્ત્રી અને કાર્ટેલની દુનિયામાં બનતી ક્રાઇમની ઘટનાઓને ફિલ્મ આવરે છે.
સૌથી વધુ 13 એકેડમી એવૉડર્સ નોમિનેશન્સ ‘એમિલીયા પરેઝ’ના નામે છે.
રાઇટર-ડિરેક્ટર: જેક્સ ઑડિયાર્ડ
નિકલ બોય્ઝ (Nickel Boys)):
આ હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ આ જ નામની કોલ્સન વ્હાઇટહેડ લિખિત નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં એવા બે આફ્રિકન-અમેરિકન મિત્રોની વાત છે, જેમને 1960ના સમયમાં ફ્લોરિડાની એક રિફોર્મ સ્કૂલમાં અત્યાચાર સહન કરવો પડે છે.
‘નિકલ બોય્ઝ’ ફિલ્મને કુલ 2 એકેડેમી નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: રામેલ રોસ, જોસલીન બાર્ન્સ. ડિરેક્ટર: રામેલ રોસ
ધ સબસ્ટન્સ (The Substance):
ઉંમરના કારણે કામ અને પ્રસિદ્ધિથી દૂર થતી જતી અભિનેત્રી એલિઝાબેથને એક બ્લેક માર્કેટ ડ્રગ મળે છે જે તેને યુવાન બનાવી દે છે. યુવાનીની મજા સાથે જ એ ડ્રગની સાઈડ ઇફેક્ટ્સ પણ એલિઝાબેથ પર ધીમે-ધીમે દેખાવા માંડે છે અને ફિલ્મ અલગ જ ડાર્ક ટર્ન લે છે.
ફિલ્મને કુલ 5 નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર-ડિરેક્ટર: કોરલી ફાર્ગેટ
અ કમ્પલિટ અનનોન (A Complete Unknown):
સાહિત્ય માટે નોબલ પ્રાઈઝ જીતનારા એકમાત્ર સંગીતકાર બોબ ડિલનની આ બાયોગ્રાફિકલ ફિલ્મ છે. આ ફિલ્મ ડિલનના સંગીતના શરૂઆતના દિવસોના સંઘર્ષ અને પરંપરાગત સંગીતની દુનિયામાં ઇલેક્ટ્રિક સાધનોની વપરાશ પર થયેલા વિવાદને આવરે છે.
ફિલ્મને બેસ્ટ પિક્ચર સહિત 8 નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: જેમ્સ મેનગોલ્ડ, જે કોક્સ. ડિરેક્ટર: જેમ્સ મેનગોલ્ડ
વિકેડ (Wicked):
ડિઝનીની આ મ્યુઝિકલ ફેન્ટસી ફિલ્મ પ્રેક્ષકોને જાદુઈ દુનિયામાં લઈ જાય છે. ‘ધ વિઝર્ડ ઓફ ઓઝ’ નામની પ્રખ્યાત વાર્તાના થયેલા અનેક એડેપ્ટેશન્સમાંનું એક વધુ એડેપ્ટેશન. ઓઝની દુનિયાની શિઝ યુનિવર્સિટીમાં બે છોકરી મિત્ર બને છે અને એમનાં પરાક્રમો એટલે બાકીની ફિલ્મ!
‘વિકેડ’ને કુલ 10 એકેડેમી નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: વિની હોલ્ઝમેન, ડેના ફોક્સ.
ડિરેક્ટર: જોન એમ. ચુ.
આ દસ ફિલ્મની ટૂંકી ચર્ચા તો થઇ, પણ આમાંથી તમે કેટલી જોઈ છે? અને જે જોવાની હજુ બાકી છે તેની યાદી બનાવી કે નહીં?
લાસ્ટ શોટ
એક્ટર ટીમથી શેલામેએ આ દસમાંથી ‘ડ્યુન: પાર્ટ ટુ’ અને ‘અ કમ્પ્લીટ અનનોન’ એમ બે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ પહેલાં પણ બે વખત એની એકથી વધુ ફિલ્મ્સ એક જ વર્ષે નોમિનેટ થઈ હોય એવું બન્યું છે !