મેટિની

અસ્થિ વિસર્જન

મારી ઈચ્છા છે કે મંજુદીદી આજીવન આપણી સાથે જ રહેશે... આપણે તેનાથી ક્યારેય અલગ નહીં થઈએ, કારણ કે આજે હું જે કાંઈ છું તે માત્ર અને માત્ર મંજુદીદીની તપસ્યાના ફળસ્વરૂપ જ છું

ટૂંકી વાર્તા -પ્રફુલ્લ કાનાબાર

આકાશે જ્યારે ત્રિવેણીસંગમના પવિત્ર જળમાં ઊતરીને મંજુદીદીનાં અસ્થિ પધરાવ્યાં ત્યારે તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. વહેતા પાણીનો ઠંડો સ્પર્શ અને પાણીમાં દેખાઈ રહેલો મંજુદીદીનો અસ્પષ્ટ ચહેરો આકાશના દુ:ખમાં જાણે કે સહભાગી થઈ રહ્યો હતો! ત્રીસીએ પહોંચેલા આકાશના ત્રણેય દાયકા મંજુદીદી સાથે એક જ ઘરમાં વીત્યા હતાં… માત્ર છેલ્લા છ માસને બાદ કરતાં. કેટલાંક બાળકો જન્મ લેતાંની સાથે જ કુદરતની ક્રૂર મજાકનો ભોગ બનતાં હોય છે. આકાશ પણ તેમાંનો જ એક હતો. જન્મ આપતાની સાથે મા મૃત્યુ પામી હતી અને માત્ર બે વર્ષના ગાળામાં પિતાનું હાર્ટએેટેકને કારણે અવસાન થયું હતું. આકાશનો એકમાત્ર સહારો તેનાથી બાર વર્ષ મોટી બહેન મંજુ જ હતી. કાકા-કાકી પડોશમાં જ રહેતાં હતાં, પરંતુ કાકીના વિચિત્ર સ્વભાવને કારણે તેમનો પણ નહીંવત આધાર મળી શક્યો હતો. મંજુએ આકાશને મોટો કરવામાં પોતાનું સમગ્ર જીવન દાવ ઉપર લગાવી દીધું હતું. મંજુએ પોતાનું ભણવાનું અધૂરું છોડીને પ્રાઈવેટ મોલમાં ટૂંકા પગારની સેલ્સ ગર્લની નોકરી સ્વીકારી લીધી હતી. ખૂબ જ કરકસર કરીને મંજુએ આકાશને ભણાવવાનું બીડું ઝડપ્યું હતું. આકાશ એન્જિનિયર બની શક્યો તે તેની મહેનત કરતાં વધારે મંજુદીદીની તપસ્યાનું ફળ હતું! આકાશની પ્રગતિમાં કોઈ જ અવરોધ ઊભો ન થાય તે માટે મંજુદીદીએ પોતાના લગ્ન કરવાનું પણ માંડી વાળ્યું હતું… હા, તેમણે આકાશનાં લગ્ન સમયસર માએ આપેલા દાગીના વેચીને કરાવ્યાં હતાં!

સરિતાનો જ્યારે ગૃહપ્રવેશ થયો ત્યારે મંજુદીદીનું એક સોનેરી સ્વપ્ન પૂરું થયું હતું. લગ્નની પ્રથમ રાત્રિએ આકાશે સરિતાનો ઘૂંઘટ ઉઠાવીને રોમેન્ટિક અદામાં પત્નીની તારીફ કરવાને બદલે વાતની શરૂઆત ગંભીરતાથી કરી હતી… ‘સરિતા, તારે મને એક વચન આપવું પડશે.’ નવોઢા સરિતાએ શરમાઈને પોતાનો જમણો હાથ આકાશના બંને હાથમાં મૂકી દીધો હતો. સરિતાના સ્પર્શથી સહેજ પણ રોમાંચિત થયા વગર આકાશ બોલ્યો હતો… ‘મારી ઈચ્છા છે કે મંજુદીદી આજીવન આપણી સાથે જ રહેશે… આપણે તેનાથી ક્યારેય અલગ નહીં થઈએ, કારણ કે આજે હું જે કાંઈ છું તે માત્ર અને માત્ર મંજુદીદીની તપસ્યાના ફળસ્વરૂપ જ છું.’

‘હું જાણું છું આકાશ, મંજુદીદી આપણી મા સમાન છે’ સરિતાએ આકાશની વાતમાં સૂર પુરાવ્યો હતો. લગ્નજીવનની શરૂઆતનાં બે-ત્રણ વર્ષ કોઈ પણ યુગલ માટે ગોલ્ડન પિરિયડ હોય છે. આકાશ અને સરિતાનો પણ ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો. તેમના જીવનમાં પિન્કીનું આગમન એ સોનામાં સુગંધ ભળવા જેવી વાત બની ગઈ હતી. પિન્કી તેનાં મમ્મી-પપ્પા કરતાં પણ વધારે મંજુદીદીની લાડકી બની ચૂકી હતી. આકાશનો પગાર વધતો જતો હતો. તે ઘણી વાર મંજુદીદીને નોકરી છોડી દેવા સમજાવતો, પરંતુ મંજુદીદીનો એક જ જવાબ હતો… ‘સરિતાએ સુંદર રીતે ઘરને સંભાળી લીધું છે… મારા માટે પગાર મહત્ત્વનો નથી, પરંતુ પ્રવૃત્તિ મહત્ત્વની છે.’

સમયનું ચક્ર ફરતું ગયું. સરિતાને ધીમે ધીમે આકાશ પરનું મંજુદીદીનું પ્રભુત્વ ખૂંચવા લાગ્યું. કોઈ પણ સ્ત્રી પરણીને જે ઘરમાં જાય ત્યાં તેને પોતાનું આગવું સ્થાન ઊભું કરવાની ઈચ્છા હોય છે, તેના માટે પતિની બહેન કે માનું આધિપત્ય સહન કરવાનું અસહ્ય હોય છે. સરિતાની પણ એ જ દશા હતી. તેણે જોયું કે ઘરમાં નાનામાં નાની વસ્તુ લાવવાની હોય તો પણ આકાશ મંજુદીદીને પૂછીને જ નિર્ણય કરતો હતો. સરિતાએ આકાશ મંજુદીદીના પ્રભાવમાંથી બહાર આવે તે માટે ઘણા પ્રયત્નો કરી જોયા, પરંતુ આકાશ માટે તો મંજુદીદી ભગવાન કરતાં પણ વિશેષ હતાં!

આકાશનો મંજુદીદી પ્રત્યેનો અહોભાવ સરિતાના મનમાં કણાની જેમ ખૂંચી રહ્યો હતો, પરંતુ મંજુદીદીએ આપેલા ભોગથી તે વાકેફ હતી તેથી પેલા ઈર્ષાના કણાને દબાવીને મનને મનાવી લેતી હતી. એક વાર રાત્રે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો… પિન્કી ઊંઘી ગઈ હતી ત્યારે સરિતાએ વાતની શરૂઆત કરી… ‘સાંભળો છો, પેલો પોળનો મવાલી ધરમો મંજુદીદીને બહાર મળે છે તેવી અડોશપડોશમાં વાતો થાય છે.’

ધરમો એટલે આખા વિસ્તારનો દાદો… ક્રિકેટનો સટ્ટો હોય કે જુગારનો અડ્ડો હોય… આખા વિસ્તારમાં તેની ધાક હતી. જોકે હજુ સુધી કોઈની પણ બહેન કે દીકરીની છેડછાડ તેણે ક્યારેય નહોતી કરી તે આકાશ સારી રીતે જાણતો હતો. આકાશે ઊભા થઈને સરિતાને જોરદાર લાફો મારી દીધો. સરિતાનો ગાલ લાલ થઈ ગયો. તેણે મોટેથી રડવાનું ચાલુ કર્યું… મંજુદીદી તરત ડ્રોઈંગરૂમમાંથી ટીવી જોવાનું પડતું મૂકીને દોડી આવ્યા. સરિતા ગુસ્સાથી ધ્રૂજતા ધ્રૂજતાં બોલી… ‘જો હું ખોટું બોલતી હોઉં તો પૂછી લો મંજુદીદીને…’ ‘ચૂપ રહે સરિતા…’ આકાશે ત્રાડ નાખી. ‘શું વાત છે આકાશ?’ મંજુદીદીએ ભોળા ભાવે પૂછ્યું.

આકાશ નીચું જોઈ ગયો, પરંતુ સરિતા બોલી ગઈ… ‘મોલમાંથી છૂટીને તમે ઘરમાને બહાર મળો છો તે વાત સાચી છેને?’ આકાશે ફરીથી સરિતાને મારવા માટે હાથ ઉપાડ્યો, પરંતુ મંજુદીદીએ તેનો હાથ પકડી લીધો. ‘શાંતિ રાખ આકાશ, સરિતા આપણા ઘરની લક્ષ્મી છે, તેનું આ રીતે અપમાન ન કરાય.’ સરિતા આજે કેસરિયા કરવાના મૂડમાં હતી… ‘મંજુદીદી, દીકરી પણ ઘરની લક્ષ્મી જ કહેવાય. તેનો પગ કોઈ કૂંડાળામાં પડી જાય તો ઘરની આબરૂ ન જાય?’

મંજુદીદીની આંખમાં આંસુ આવી ગયાં… ‘હા… આકાશ, સરિતાની વાત સાચી છે. આજે જ હું ધરમાને મળી હતી.’ ‘ઓહ…નો દીદી… આ તમે બોલો છો?’ ‘ધરમાની સમાજમાં કોઈ ક્રેડિટ નથી તેથી તેની સાથે લગ્ન કરવા શક્ય નથી… બોલ હવે તારે કાંઈ કહેવું છે?’ આકાશ ઉપર જાણે વીજળી ત્રાટકી હતી. તેના હૃદયમાં મંજુદીદીનું જે સર્વોચ્ચ સ્થાન હતું તે એક જ ઝાટકે તળિયા ઉપર આવી ગયું. કોઈ કાંઈ બોલ્યું નહીં. આખી રાત એક સન્નાટામાં વીતી ગઈ. વહેલી સવારે આકાશે પિન્કી અને સરિતાને લઈને ગૃહત્યાગ કરી દીધો. શહેરની બહારના વિસ્તારમાં એક ટેનામેન્ટ ભાડે લઈને તેઓ રહેવા લાગ્યાં. છ માસ વીતી ગયા… આકાશે મંજુદીદીની સાથે સાથે જૂના વિસ્તારનો પણ સંપર્ક કાપી નાખ્યો હતો… ત્યાં જ અચાનક પોળમાંથી સંદેશો આવ્યો કે મંજુદીદીનું હાર્ટ ફેઈલ થઈ ગયું છે. બેતાલીસ વર્ષ કાંઈ મરવાની ઉંમર તો નહોતી જ, પરંતુ ઈશ્ર્વરના ઘરનું તેડું આવે ત્યારે ઉંમર ક્યાં જોવાય છે?

પાણીમાં ઊભા થઈ રહેલા મંજુદીદીના અસ્પષ્ટ પ્રતિબિંબ ઉપર હજુ પણ આકાશની આંખમાંથી વહેતી અશ્રુધારાનો અભિષેક થઈ રહ્યો હતો! ત્યાં જ પાછળથી કોઈ ભગવાધારી દાઢીવાળા યુવાને આકાશના ખભા પર હાથ મૂક્યો. આકાશ ચમક્યો. પેલા સાધુએ ઈશારાથી બહાર કિનારા ઉપર આવવાનું સૂચન કર્યું. બંને કિનારા ઉપર આવ્યા ત્યારે આકાશ ઢીલો થઈને બંને હાથ માથા ઉપર રાખીને નદીની ભીની માટી ઉપર બેસી પડ્યો. પેલા યુવાન સાધુ પણ તેની બાજુમાં બેસી ગયા. આકાશના મનમાં એક જ પ્રશ્ન વારંવાર થઈ રહ્યો હતો… શું મેં મંજુદીદીને અન્યાય તો નથી કર્યોને? અજ્ઞાત મનમાં વારંવાર બોલાયેલા શબ્દો ક્યારે મોટેથી બોલાઈ ગયા તેનો આકાશને ખ્યાલ ન રહ્યો. ‘હા… આકાશ, તેં તારી દીદીને અન્યાય કર્યો છે.’ ઘેઘૂર અવાજમાં પેલા યુવાન સાધુ બોલ્યા. હવે આકાશ ખરેખર ચમક્યો… ‘અરે ધરમા તું? અહીં…? આ વેશમાં?’ ‘હા… આકાશ, હું મારાં તમામ પાપનું પ્રાયશ્ર્ચિત કરવા માટે આ પવિત્ર સ્થળે આવી ગયો છું…’

આકાશની આંખમાં આશ્ર્ચર્ય હતું… ધરમો સાધુના વેશમાં? ‘આકાશ, બે માસ પહેલા થયેલા રેલવે અકસ્માતમાં મારા સિવાય પરિવારના તમામ સભ્યો અવસાન પામ્યા છે… મને મારાં કુકર્મોની સજા મળી ચૂકી છે અને હવે મેં સંસારનો પણ ત્યાગ કરી દીધો છે.’ ‘મારે તો માત્ર મંજુદીદી અને તમારા સંબંધ વિશે સાચી વાત જાણવી છે, કારણ કે હજુ પણ મારું મન તે બાબત સ્વીકારવા તૈયાર નથી.’ આકાશે રડમસ અવાજે કહ્યું.

‘એ તો મેં તને પહેલા જ કહી દીધુંને કે તેં તારી દીદીને અન્યાય કર્યો જ છે… તને સાચી વાત કહેવાથી મારાં પણ થોડાં પાપ ધોવાશે તે દૃષ્ટિએ તને સાચી હકીકત જણાવું છું કે વાસ્તવમાં મેં તારી પત્ની સરિતા ઉપર નજર બગાડી હતી તેથી તારી દીદીએ મને બે વાર મળીને ધમકાવ્યો હતો. તે સમયે તો હું પણ દાદો કહેવાતો હતો તેથી મેં પણ સામી દાદાગીરી કરી હતી, પરંતુ તારી દીદીની આંખનું તેજ જ એવું હતું કે મેં સરિતાની સામે જોવાનું પણ છોડી દીધું હતું… સાચું કહું તો… તારી દીદી તો દેવી હતી દેવી… સતી સીતા જેવી પવિત્ર હતી.’ ‘પણ સરિતાએ આ વાત છુપાવીને મારી સમક્ષ ખોટી રજૂઆત કેમ કરી?’ આકાશના અવાજમાં આશ્ર્ચર્ય હતું. ‘તમે અલગ રહેવા જતા રહ્યા પછી થોડા સમય બાદ મને પોળમાં જશુકાકાએ જણાવેલું કે સરિતાએ એક કાંકરે બે પક્ષી માર્યાં છે.’

‘એટલે?’ આકાશે પૂછ્યું. ‘એટલે એમ કે તારી પત્ની તને તારી દીદીથી અલગ કરાવવા માગતી હતી. અને તારી દીદીએ તેના સ્વભાવ મુજબ ખોટા આક્ષેપ સહન કરીને બહુ મોટો ભોગ આપી દીધો.’ ‘હું કાલે જ ઘરે પહોંચીને સરિતાનું ગળું દબાવી દઈશ.’ આકાશ ક્રોધથી ધ્રૂજી રહ્યો હતો. ‘શાંત થઈ જા ભાઈ, તારે તેને કોઈ સજા કરવાની જરૂર નથી… પરંતુ સ્ત્રીનું આવું પણ એક સ્વરૂપ હોય છે તે વાત સ્વીકારવાની જરૂર છે,’ ધરમાએ જાણે કે સંતવાણી ઉચ્ચારી. ‘પણ હવે હું સરિતા સાથે કંઈ રીતે રહી શકું?’ આકાશ છૂટા મોંએ રડી પડ્યો. ‘તું તારી પત્નીનું સૌથી મોટું જમા પાસું તો જો… તેણે મને કોઠું નહોતું આપ્યું તે જ દર્શાવે છે કે તેનું ચારિત્ર્ય ઘણું જ સારું છે… અને એક પતિને બીજું જોઈએ પણ શું?’ ધરમાએ મંદ મંદ હાસ્ય સાથે કહ્યું.

આકાશ ધરમાને ધ્યાનપૂર્વક નીરખી રહ્યો. તેને લાગ્યું કે ધરમો ખરેખર સંત થઈ ગયો છે! ધરમાએ શાંત થઈ ગયેલા આકાશના ખભા ઉપર હાથ રાખીને ફરીથી સંતવાણી ઉચ્ચારી… ‘કોઈ સ્ત્રી ક્યારેય ખરાબ નથી હોતી, બસ માત્ર તે અંતિમવાદી હોય છે. રામાયણમાં સીતાજીનો ત્યાગ હોય કે કૈકેયીનો પોતાના પુત્રને રાજગાદી અપાવવા માટેનો પ્રયત્ન હોય… તમામ બાબત સમાજે સ્વીકારેલ જ છે… સદીઓથી સમાજ સ્ત્રીના દરેક સ્વરૂપનો સ્વીકાર કરતો આવ્યો છે… તારે પણ તારી પત્નીના એકમાત્ર અપરાધને માફ કરીને તેનો સ્વીકાર કરી લેવો જોઈએ.’ આકાશે પાણીમાં દૂર દૂર વહી રહેલા અસ્થિકુંભ તરફ નજર કરી તો આકાશના કાનમાં મંજુદીદીનો અવાજ સંભળાઈ રહ્યો હતો… તું સરિતાને સુખી કરીશ તો જ મારા આત્માને શાંતિ મળશે… વળી મને ખબર છે… આજે ભલે તેં મારા અસ્થિનું વિસર્જન કર્યું છે, પરંતુ તારા હૃદયમાં ધરબાયેલી મારી યાદનું વિસર્જન નથી કર્યું… મારે બીજું જોઈએ પણ શું ભઈલા?

(સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button