ક્રિકેટની સાથે બોલિવૂડનું ઈલુ ઈલુ…

મહેશ નાણાવટી
મનસૂર અલી ખાન પટૌડી – શર્મિલા ટાગોર , વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બોલિવૂડની સુંદરીઓ અને ક્રિકેટ જગતના સ્ટાર-ક્રિકેટરોનાં લવ – લફરાં ને લગ્નોની હવે તો નવાઈ જ નથી, છતાં અમુક વાતો ચટાકેદાર હોય છે. સન 2017માં જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્ન થયાં ત્યારે કૉર્પોરેટ વર્લ્ડમાં એમ કહેવાતું હતું કે ‘આ તો બે બ્રાન્ડનું ‘મર્જર’ છે!’ કેમ કે તે વખતે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 200 થી 250 કરોડની હતી અને અનુષ્કા શર્મા ભલે ફિલ્મ દીઠ માંડ 10-15 કરોડ ચાર્જ કરતી હતી, પણ એની પોતાની પ્રોડક્શન કંપનીનું વેલ્યુએશન રાતોરાત બમણું થઈ ગયું હતું! આ તો કૉર્પોરેટ જગતની વાત થઈ, પણ તે વખતે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ ત્યારે સોશિયલ મીડિયામાં જોક ચાલતી હતી કે ‘ઑસ્ટ્રેલિયનો, સંભાળજો! અનુષ્કાના ડઝનબંધ દિયરો તમારી ધુલાઈ કરવા આવી રહ્યા છે!’
બિચારા કોહલીની દશા એ વખતે જરા કફોડી હતી. ઘટના એવી બનતી હતી કે અનુષ્કા સ્ટેડિયમમાં હાજર હોય ત્યારે શી ખબર ક્યા કારણસર, વિરાટ ઝીરોમાં કે બે-પાંચ રનમાં જ આઉટ થઈ જતો હતો! એ વખતે સોશિયલ મીડિયાના ટ્રોલ-ટપોરીઓ મંડી પડ્યા હતા: ‘ભાઈ’નું ધ્યાન ભાભીમાં છે! ભાભીએ કહ્યું હશે કે ફટાફટ દાવ પતાવીને પાછા આવજો, શોપિંગમાં જવાનું છે!’ આવી ઘટના વારંવાર થઈ પછી અનુષ્કા ભાભીએ સ્ટેડિયમમાં હાજર રહેવાનું ઓછું કરી નાખ્યું હતું! (જોકે હવે તો બીસીસીઆઈ કડક થઈ ગઈ છે… પત્નીઓ માત્ર ચોક્કસ દિવસો માટે જ વિદેશ પ્રવાસમાં સાથે જઈ શકશે.)
સોશિયલ મીડિયામાં એ પછી પણ અનુષ્કા માટેની કોમેન્ટો ચાલુ રહી ત્યારે વિરાટ કોહલીએ રીતસર જાહેરમાં અપીલ કરવી પડી હતી કે ‘ભૈશાબ’, કોઈ મહિલાનું ગૌરવ તો જાળવો!’ આમ જુઓ તો પ્રીટી ઝિન્ટા અને શિલ્પા શેટ્ટી કોઈ ક્રિકેટરના લવ કે લફરામાં નહોતાં, છતાં આઈપીએલની પંજાબ અને રાજસ્થાનની ટીમોમાં ‘માલકિન’ હોવાને કારણે જાતજાતની કોમેન્ટો ચાલતી રહેતી હતી : ‘જુઓ, પંજાબની ટીમમાં પૂરા પંદર હેન્ડસમ મૂરતિયા છે! પ્રીટીનું દિલ કોણ જીતશે’ વગેરે. આઈપીએલની બીજી સિઝન, જે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહી હતી ત્યારે તો પંજાબ અને રાજસ્થાનની ટીમ ટકરાઈ ત્યારે લાઈવ પ્રસારમાં વારાફરતી પ્રીટી અને શિલ્પાને જ બતાડ્યા કરતા હતા! કૉમેન્ટેટરો પણ ચગાવી ચગાવીને બોલતા હતા ‘દેખતે હૈ કૌન જીતેગા? પ્રીટી કે પરાક્રમી, યા શિલ્પા કે શૂરવીર?!’
બહુ ઓછા લોકોને ખબર હશે કે હાર્દિક પંડ્યાના તાજેતરમાં જેની સાથે છૂટાછેડા થયા એ નતાશા સ્તાન્કોવિક મૂળ સર્બિયા નામના દેશની છે. એ પોતાનો દેશ છોડીને અહીં બોલિવૂડમાં નસીબ અજમાવવા માટે મુંબઈમાં ઠરીઠામ થઈ ગઈ. શરૂશરૂમાં મોડલિંગ કર્યા પછી પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’માં એને નાના રોલમાં બ્રેક પણ મળ્યો હતો. જોકે હાર્દિક સાથેનું લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું ત્યારે નતાશાનો ‘સત્યાગ્રહ’ એવો હતો કે આ લગ્નથી જન્મેલી પુત્રી છૂટાછેડા પછી એની જ સાથે રહે. (એ સિવાય છૂટાછેડામાં કેટલી રકમ નતાશાના સત્યાગ્રહ સામે ઝૂકીને આપવામાં આવી છે તે જાહેર થઈ નથી.)
એમ તો છેલ્લાં બે-ચાર વરસમાં જે કરોડપતિ ક્રિકેટરોના છૂટાછેડા થયા છે એમાં શિખર ધવન, મહંમદ શમી અને યુજવેન્દ્ર ચહલનાં નામ પણ છે, પરંતુ એમની પત્નીઓને બોલિવૂડ સાથે કોઈ લેણાદેણી નહોતી (લેણાદેણી છૂટાછેડાની ‘ભરણપોષણ’ની રકમ માટે તો ખરી હોં!), પરંતુ એક જમાનામાં બોલિવૂડની બહુ મોટી સ્ટાર ગણાતી રીના રોયનાં લગ્ન જ્યારે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે થયાં ત્યારે એ ખાસ્સી ચર્ચાને ચકડોળે ચડી હતી.
એમાં સૌથી મજાની વાત તો એ થઈ કે રીના રોયને કારણે મોહસિન ખાનને બોલિવૂડમાં એક્ટિંગ કરવાની ધમાકેદાર એન્ટ્રી મળી હતી! એ પણ કંઈ નાના મોટા મામૂલી રોલમાં નહીં, પરંતુ મોટા બેનરની મોટી ફિલ્મોમાં! ‘બંટવારા’ (1987) માટે તો એને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો ‘ફિલ્મફેર’ એવોર્ડ પણ મળ્યો હતો! તે વખતે જોક એવી ચાલતી હતી કે ‘સપોર્ટિંગ’ ખરેખર તો રીના રોયનો હતો, ઈન્ડસ્ટ્રીમાં!
મોહસિન ખાને એ પછી બોલીવૂડમાં લગભગ નવ-દસ ફિલ્મોમાં એક્ટિંગ કરી, જેમાં ‘સાથી’માં તો એ હીરો પણ હતો! (ફિલ્મ ફ્લોપ હતી.) એ તો ઠીક, મોહસિન મિયાં ત્રણ પાકિસ્તાની ફિલ્મોમાં પણ હીરો બની ગયા હતા, જેના નામ તો પાછાં બોલિવૂડમાંથી જ લીધેલાં હતાં. ‘ઘૂંઘટ’, ‘ઈન્સાનિયત’ અને ‘હાથી મેરે સાથી’! જોવાની વાત એ પણ ખરી કે 1992માં રીના રોય સાથે તલાક થઈ ગયા પછી છેક 1997 સુધી મોહસિન ખાનજીને બોલિવૂડની ફિલ્મો મળી છે! બોલો.
બોલિવૂડની સ્ટાર સુંદરી અને ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડીની સૌથી યાદગાર જોડી તો, સૌ જાણે છે એમ મનસૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરની છે. આમાં ઓછી જાણીતી વાત એ છે કે શર્મિલાજીને ક્રિકેટમાં કદી ખાસ ટપ્પી પડતી નહોતી, છતાં એમનું ચોકઠું શી રીતે ગોઠવાયું તે એ સમયનાં ફિલ્મી મેગેઝિનોની ગપશપમાં પણ ખાસ બહાર આવ્યું નહીં. કેમ કે ન તો પટૌડી સાહેબે કોઈ પુસ્તક લખ્યું કે ન તો શર્મિલાજીએ.
આમ છતાં, હાલમાં થોડા સમય પહેલાં હિન્દી ફિલ્મો, ટીવી સિરિયલો અને નાટ્ય જગતની ખૂબ મંજાયેલી અને ટેલેન્ટેડ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની આત્મકથા ‘સચ કહું તો’માં અંગત વાતો લખી છે, જેમાં એ વેસ્ટ ઈંડીઝના વર્લ્ડ ફેમસ ક્રિકેટર વિવિયન રીચાર્ડસ સાથે સંબંધમાં આવ્યા પછી શી રીતે લગ્ન કર્યાં વિના પુત્રી મસાબાને જન્મ આપવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો… અને તેના કારણે એની ઈમેજ, એની કરિયર અને એના મુંબઈ ઈન્ડસ્ટ્રીના સંબંધો ઉપર અસર પડવાથી કેવાં સંઘર્ષમય વરસો વીતાવવાં પડ્યાં તેની વાતો લખી છે. જોકે એ જમાનામાં ક્રિકેટરોને એક મૅચ રમવાના માંડ 250 રૂપિયા મળતા હતા! આજે જ્યાં એક મૅચમાં ચાર ઓવર નાખવાનો ભાવ લાખોમાં ચાલે છે ત્યારે સ્વાભાવિક છે કે જે ‘સંઘર્ષ’ ક્રિકેટરને ‘પટાવવામાં’ થાય છે, એ છૂટા પડવામાં નથી થતો!