જતીન-લલિતને નર્વસ કરી દીધા રવીન્દ્ર જૈને
‘ચોર મચાયે શોર’ ફિલ્મના ગીત સામે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ટાઈટલ સોંગની ધૂન ફીકી લાગતાં પડતી મૂકવામાં આવી હતી!

હેન્રી શાસ્ત્રી
ચક્ષુ છીનવાઈ ગયા હોય એ વ્યક્તિની શ્રવણશક્તિ અદભુત હોય છે. સંગીતકાર રવીન્દ્ર જૈન જન્મથી જ દ્રષ્ટિહીન હતા, પણ એમની શ્રવણ શક્તિ ખૂબ તેજ હતી. દ્રષ્ટિહીન અવસ્થાથી જરા પણ વિચલિત થયા વિના – નર્વસ થયા વિના સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સંગીત માટે રુચિ કેળવાઈ અને પોતે જ લખેલા ગીતનું સ્વરાંકન કરવામાં એમને બહુ મુશ્કેલી ન પડી. 1970માં મુંબઈ આવ્યા બાદ સંગીતકાર તરીકે એમની સૂરીલી સફર શરૂ થઈ અને પારિવારિક ફિલ્મોમાં એમનાં ગીત – સંગીત ખાસ્સા લોકપ્રિય થયાં. આજે એમની 80મી જન્મ જયંતી છે એ નિમિત્તે એમની સંગીત સફરની કેટલીક મજેદાર બાબતથી પરિચિત થઈએ.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કૌશલ અજમાવવા મુંબઈ આવેલા રવીન્દ્ર જૈનને સદનસીબે પહેલો જ ચાન્સ એન. એન. સિપ્પી જેવા એ સમયના માતબર નિર્માતાએ આપ્યો. કોઈ અકળ કારણોસર સિપ્પીની ‘સિલસિલા હૈ પ્યાર કા’ (1972) અધવચ્ચે જ પડતી મૂકવામાં આવી. (કરિશ્મા કપૂર અને ચંદ્રચુડ સિંહની ‘સિલસિલા હૈ પ્યાર કા’ 1999માં રિલીઝ થઈ હતી). સદનસીબે એમની પ્રતિભાની વાત ફેલાઈ ગઈ હતી અને એમને કામ મળવા લાગ્યું. એમની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી ‘કાંચ ઔર હીરા’. જોકે, એ ક્યારે આવી અને ક્યારે ગાયબ થઈ ગઈ ખબર જ ન પડી. ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ની ‘સૌદાગર’ (1973)માં તક મળી અને રવીન્દ્ર જૈનના કૌશલથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સિને રસિકો વાકેફ થયા. ફિલ્મમાં 7 ગીત હતાં, જેમાંથી ‘તેરા મેરા સાથ રહે’, ‘સજના હૈ મુજે સજના કે લિયે’, ‘દૂર હૈ કિનારા’ ખાસ્સા લોકપ્રિય થયાં. બધાં ગીત એમણે જ લખ્યાં હતાં અને રવીન્દ્ર જૈનને એક મોટો લાભ એ થયો કે પહેલી મહત્ત્વની ફિલ્મમાં એમને લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે અને કિશોર કુમાર જેવા એ સમયના ખ્યાતનામ સિંગર સાથે કામ કરવાનો મોકો મળ્યો. પરિણામે ઈન્ડસ્ટ્રીમાં એમની ખ્યાતિ વધુ પ્રસરી ગઈ. બોક્સ ઓફિસ પર એ ફિલ્મ નિષ્ફળ ગઈ પણ એના ગીત અને સંગીતને નામના મળી.
અને 1974માં આવી ‘ચોર મચાયે શોર’. એન. એન. સિપ્પીએ ‘સિલસિલા હૈ પ્યાર કા’માં બ્રેક આપ્યો, પણ ફિલ્મ બનાવી નહોતા શક્યા. સિપ્પી સાહેબે એ મહેણું ભાંગ્યું શશી કપૂર – મુમતાઝની ફિલ્મ ‘ચોર મચાયે શોર’થી. ફિલ્મની વાર્તા, અભિનય વગેરે બાબતોની તુલનામાં એના બે ગીત અફાટ લોકપ્રિયતાને વર્યા ને ફિલ્મ સુપરહિટ થઈ એમાં સંગીતનો મોટો ફાળો હતો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ‘લે જાયેંગે, લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘ઘુંઘરુ કી તરહ બજતા હી રહા હૂં મૈં’ આજે પણ લોકોના સ્મરણમાં અકબંધ સચવાઈને પડ્યા છે. ‘લે જાયેંગે, લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ગીતની એક મજેદાર વાત એ છે કે આદિત્ય ચોપડાએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બનાવવાનું નક્કી કરી સંગીત સજાવટની જવાબદારી જતીન – લલિતને સોંપી હતી. ફિલ્મમાં ટાઈટલ સોન્ગ રાખવાની આદિત્ય ચોપડાની અદમ્ય ઈચ્છા હતી. જોકે, અનેક કોશિશ પછી બધી સ્વર રચના રવીન્દ્ર જૈનના કંપોઝિશન સામે નબળી લાગતા એ વિચાર જ પડતો મૂકવામાં આવ્યો હતો. લલિત પંડિતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘અમે ટાઈટલ સોંગની ઘણી બધી ધૂન તૈયાર કરી હતી, પણ દરેક ધૂન રવીન્દ્રજીની ધૂમ મચાવનાર ધૂન સામે મોળી લાગતી હતી. અંતે અમે આઈડિયા જ પડતો મૂક્યો.’ કેવી જબરદસ્ત પ્રશંસા!
આ સફળતાથી પોરસાયેલા એન. એન. સિપ્પીએ શશી કપૂર – શબાના આઝમીને લઈ ‘ફકીરા’ બનાવી અને ફરી ગીતકાર – સંગીતકારનું સુકાન રવીન્દ્ર જૈનને જ સોંપ્યું. ફિલ્મના બે ગીત ખાસ્સા લોકપ્રિય થયા. એક હતું ટાઈટલ સોંગ ‘ફકીરા ચલ ચલા ચલ’ (મહેન્દ્ર કપૂર) અને બીજું ગીત હતું ‘દિલ મેં તુજે બિઠા કે, કર લૂંગી મૈં બંદ આંખેં’ (લતા મંગેશકર). ફિલ્મની હીરોઈન શબાના આઝમી માટે આ ગીત બહુ જ મહત્ત્વનું સાબિત થયું. ‘અંકુર’, ‘પરિણય’ અને ‘નિશાંત’ જેવી ફિલ્મોમાં અદાકારીમાં અવ્વલ સાબિત થયેલી શબાના કમર્શિયલ ફિલ્મો માટે અજાણી હતી. એક ઈન્ટરવ્યૂમાં શબાનાએ કહ્યું હતું કે ‘દિલ મેં તુજે બિઠા કે’ મારા પર પિક્ચરાઈઝ થયું હતું. આ ગીત પછી કમર્શિયલ ફિલ્મોમાં મને સ્વીકૃતિ મળી. આ ગીતની ગણના ભજન તરીકે તેમજ પ્રેમ ગીત તરીકે પણ થઈ.’
‘ચોર મચાયે શોર’ની ધૂંઆધાર સફળતા પછી રવીન્દ્ર જૈનના દરવાજે નિર્માતાઓ બેલ મારવા લાગ્યા. એમાં મોખરે હતા ‘રાજશ્રી પ્રોડક્શન્સ’વાળા. ‘ગીત ગાતા ચલ’, ‘તપસ્યા’, ‘અખિયોં કે ઝરોખોં સે’, ‘ચિતચોર’, ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’, ‘સુનયના’, ‘નદિયા કે પાર’. રાજશ્રી પ્રોડક્શનની વાર્તાને અનુરૂપ ગીત – સંગીત તૈયાર કરવાની ફાવટ જૈન સાહેબને આવી ગઈ અને ઘણી મ્યુઝિકલ હિટ ફિલ્મો એમણે આપી. લતા કરતાં હેમલતા પાસે વધુ ગીત ગવરાનારા રવીન્દ્ર જૈને યેશુદાસ, હેમલતા, જસપાલ સિંહ, આરતી મુખર્જી, ચંદ્રાની મુખરજી સહિત ઘણા નવા ગાયકની ભેટ આપી.
શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર. ડી. બર્મન જેવા માંધાતાઓ સાથે કામ કરનારા રાજ કપૂર ‘રામ તેરી ગંગા મૈલી’ના સંગીતકાર તરીકે રવીન્દ્ર જૈનને આમંત્રણ આપ્યું એ એમની કારકિર્દીનું ઉચ્ચ બિંદુ હતું. લતાદીદીનું ‘સુન સાયબા સુન’ સુપરહિટ સાબિત થયું. રાજ કપૂરના અવસાન પછી રણધીર કપૂરે રવીન્દ્ર જૈન પાસે ‘હિના’ના ગીતો સ્વરબદ્ધ કરાવ્યા અને એને પણ સારી સફળતા મળી. ત્યારબાદ રવીન્દ્ર જૈનને કામ મળતું રહ્યું, પણ કોઈ અકળ કારણોસર નોંધપાત્ર બેનર કે ફિલ્મ મેકર એમની પાસે સ્વરાંકન કરાવવા કેમ રાજી નહોતા એ સમજવું અઘરું છે. આમ છતાં, એક વાત તો સ્વીકારવી જ રહી કે હિન્દી ફિલ્મોના અવિસ્મરણીય ગીતોની યાદીમાં રવીન્દ્ર જૈનના ગીતનો સમાવેશ કર્યા વિના ચાલે નહીં.