એકસ્ટ્રા અફેર

દોષિત નેતાઓનો ચૂંટણી લડવા અંગે કાયદો બદલાવો જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજીના મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા જવાબના કારણે દાગી નેતાઓનો મુદ્દો ફરી ચર્ચામાં છે. દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજી પરના જવાબમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માગનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, દોષિત ઠરેલા નેતાને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે એ પૂરતું છે. કેન્દ્ર સરકારે એવી રજૂઆત પણ કરી છે કે, દોષિત નેતાની ગેરલાયકાત અંગે નિર્ણય લેવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે તેથી સુપ્રીમ કોર્ટે આ વાતમાં ના પડવું જોઈએ,

દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજી એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે 2016માં કરી હતી. ઉપાધ્યાય અસરકારક અને લોકશાહીના હિતમાં હોય એવા મુદ્દા ઉઠાવવા માટે જાણીતા છે. ઉપાધ્યાયે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 અને 9ની બંધારણીય માન્યતાને પડકારતી જાહેર હિતની અરજી (ઙઈંક) કરીને સવાલ ઉઠાવાયો હતો કે, રાજકીય પક્ષો સારી છબી ધરાવતા લોકોને કેમ શોધી શકતા નથી એ સમજાવવું જોઈએ.

ઉપાધ્યાયે દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપથી નિકાલ થાય અને દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લદાય એવી માગણી પણ કરી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(1) હેઠળ ગેરલાયકાતનો સમયગાળો દોષિત ઠેરવવામાં આવ્યાની તારીખથી છ વર્ષ અથવા કેદના કિસ્સામાં મુક્તિની તારીખથી છ વર્ષનો છે પણ ઉપાધ્યાયની માગણી છે કે આ સમયગાળો આજીવન હોવો જોઈએ. મતલબ કે, કોઈ પણ રાજકારણી એક વાર દોષિત ઠરે પછી આજીવન ચૂંટણી ના લડી શકે એવી જોગવાઈ કરાવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2013માં ચુકાદો આપેલો કે જે ધારાસભ્યો અને સાંસદોને ઓછામાં ઓછી 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી લઈ લેવાશે. અલબત્ત તેની સામે અપીલ કરવા માટે 3 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. ઉપાધ્યાયનું કહેવું છે કે, આ ત્રણ મહિનાના ગાળામાં મોટા ભાગના રાજકારણીઓ સજા પર સ્ટે લઈ આવે છે તેથી સજાનો મતલબ રહેતો નથી. આ કારણે કાયદામાં એ ફેરફાર પણ કરવો જોઈએ કે, એક વાર સજા થાય પછી ઉપલી કોર્ટમાં નિર્દોષ ના ઠરે ત્યાં સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ જ હોવો જોઈએ. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા વ્યાપક અસરો ધરાવે છે તેથી તેના વિશે ઉતાવળે નિર્ણય ના લેવાવો જોઈએ. કેન્દ્ર સરકારને આજીવન પ્રતિબંધ મૂકવા સામે પણ વાંધો છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે દખલ કરે એ પણ પસંદ નથી.

કેન્દ્ર સરકારની એ દલીલ સાચી છે કે, આ મામલો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે તેથી સુપ્રીમ કોર્ટે તેમાં દખલ ના કરવી જોઈએ. આ મુદ્દે કોઈ મતભેદ નથી ને ખુદ સુપ્રીમ કોર્ટ આ વાત સ્વીકારી ચૂકી છે. સુપ્રીમ કોર્ટમાં રાજકારણના અપરાધીકરણના મામલે ભૂતકાળમાં અરજીઓ થઈ જ છે. ભાજપના નેતા અશ્વની ઉપાધ્યાય, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર જેમ્સ લિંગદોહ અને પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશન નામના સંગઠને રાજકારણમાં અપરાધીકરણ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી.

આ ત્રણેય જણાએ અલગ અલગ અરજીઓ કરેલી. ઉપાધ્યાયે માગ કરેલી કે, કોઈ પણ અપરાધમાં દોષિત ઠરેલા સંસદસભ્ય કે વિધાનસભ્ય પર ચૂંટણી લડવાનો આજીવન પ્રતિબંધ ઠોકી દેવો જોઈએ. લિંગદોહ અને પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશને એક કદમ આગળ વધીને, જેમની સામે આરોપો ઘડાયા હોય એવા લોકો ચૂંટણી જ ના લડી શકે એવું ફરમાન કરવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરેલી.

સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચનો જવાબ માગેલો. ચૂંટણી પંચે થોડાં ગલ્લાંતલ્લાં કરેલાં એટલે સુપ્રીમે તેમને તતડાવ્યા પછી પંચે જવાબ રજૂ કરેલો. પંચે અપરાધી ઠરેલા સાંસદો ને ધારાસભ્યોના ચૂંટણી લડવા પર પ્રતિબંધની તરફેણ કરેલી. સુપ્રીમે કેન્દ્ર સરકારનો પણ જવાબ માગેલો. કેન્દ્ર સરકારે દહીં ને દૂધ બંનેમાં પગ રાખીને કશું ચોખ્ખેચોખ્ખું નહોતું કહ્યું.

આ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે સુનાવણી પછી હાથ અધ્ધર કરી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, તેની પાસે એવા કોઈ અધિકાર નથી કે કોઈ અપરાધીને ચૂંટણી લડતો રોકી શકે. કોઈ વ્યક્તિ સામે આરોપો ઘડાયા હોય તેના જોરે કોઈ વ્યક્તિને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની તેની પાસે કોઈ સત્તા નથી. સરકાર આવો કાયદો બનાવે ને સંસદમાં પાસ કરે તો એ થાય, બાકી અમારા હાથમાં કશું નથી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડનારે પોતાની સામે થયેલા ક્રિમિનલ કેસોની વિગતો ચૂંટણી પંચને આપવાથી માંડીને પોતાની એફિડેવિટમાં મોટા અક્ષરે તેની વિગતો લખવી એ પ્રકારની કાળજી લેવાની વાત કરી હતી. ચૂંટણીને લગતા કાયદાઓમાં આ વાતો આવી જાય છે. રાજકીય પક્ષે પોતાની વેબસાઈટ પર દરકે ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ મૂકવો ને ઉમેદવારીપત્રો ભરાય પછી ઓછામાં ઓછું ત્રણ વાર મોટાં અખબારોમાં ક્યા ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ છે તેની વિગતો પ્રસિદ્ધ કરાવડાવવી એવાં ફરમાન સુપ્રીમ કોર્ટે આપ્યાં હતાં. ટૂંકમાં સુપ્રીમ કોર્ટે એ વખતે જ સંસદની સત્તા સ્વીકારી લીધી હતી તેથી કોઈ વિખવાદ રહેતો નથી.

કેન્દ્ર સરકારે આજીવન પ્રતિબંધના બદલે છ વર્ષ માટે જ પ્રતિબંધની તરફેણ કરી એ ખટકે એવી વાત છે. સામે ઉપાધ્યાયે કરેલી આજીવન પ્રતિબંધની માગ પણ વ્યવહારુ નથી. ભારતમાં સરકારી તંત્ર કે ન્યાયતંત્ર એકદમ સત્યને રસ્તે જ ચાલતું નથી. આ સંજોગોમાં ઘણા કેસોમાં રાજકીય કિન્નાખોરીના કારણે કે ભ્રષ્ટાચારના કારણે સજા થઈ જાય એવું બનતું હોય છે. રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને ગેરલાયક ઠેરવી દેવાયા તેમાં એવું થયેલું જ. બીજું એ કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરે પછી તેને સુધરવાની તક પણ મળવી જોઈએ તેથી આજીવન પ્રતિબંધ વધારે પડતો કહેવાય પણ અમુક કેસોમાં દોષિત ઠરેલા પર આજીવન પ્રતિબંધ મુકાવો જરૂરી છે. બળાત્કાર, હત્યા,
હત્યાનો પ્રયાસ, દેશદ્રોહ સહિતના ગુનામાં દોષિત ઠરેલાં પર આજીવન પ્રતિબંધ મૂકવો જ જોઈએ. અત્યારે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં કરીને બે વર્ષથી વધારે સજાના દરેક કેસમાં સરખો વ્યવહાર કરાય છે. તેના બદલે મોદી સરકારે ગંભીર કેસો માટે અલગ ધારાધોરણ અને સામાન્ય કેસો માટે અલગ ધારાધોરણ એવો કાયદો બનાવવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button