ફિલ્મ યુગલના ડિવોર્સ: અનુકંપા ને ધિક્કાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા યુગલના છૂટાછેડાની વાત અફવા હોય કે હકીકત, પણ સિનેપ્રેમીઓને એનું ગજબનું કુતૂહલ રહે છે.

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
અભિષેક – ઐશ્વર્યા, ગોવિંદા – સુનિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અફવા બજાર સતત ગરમ રહેતું હોય છે. સેલિબ્રિટીના અફેર, મેરેજ કે ડિવોર્સ એ ગોસિપ માર્કેટની સૌથી હિટ અને હોટ આઈટમ છે. સેલિબ્રિટી કપલનાં લગ્ન કરતાં છૂટાછેડાની બાતમીમાં સિનેપ્રેમીઓને વધુ રસ પડે છે. ગયા વર્ષમાં અનોખી શૈલીના સંગીતકાર એ. આર. રહેમાનના ડિવોર્સના સમાચાર ચમક્યા ત્યારે શરૂઆતમાં આ અફવા તો નથી ને? એવી પ્રતિક્રિયા આવી હતી. જોકે, ખુદ રેહમાને જ પુષ્ટિ આપતાં ધુમાડો આગનો જ છે એ સ્પષ્ટ થઈ ગયું. છૂટાછેડાના સિલસિલામાં તાજું ઉદાહરણ છે એક્ટર ગોવિંદા અને પત્ની સુનિતા આહુજા. 37 વર્ષનાં સહજીવન પછી ડિવોર્સ લેવાનાં છે એવી વાત વાયુવેગે પ્રસરી ગઈ છે.
આ અફવા છે કે વાતમાં દમ છે એના અનેક તર્ક-વિતર્ક થયા પછી ગોવિંદાના વકીલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ‘છ મહિના પહેલાં સુનિતા આહુજાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે, મતભેદ કે મનભેદ મિટાવી દેવામાં આવ્યા છે અને યુગલ હવે રંગેચંગે સાથે રહે છે.’ મતલબ કે ધુમાડો આગ લાગી એનો જ હતો, પણ આગ ફેલાય એ પહેલાં જ ઠારી દેવામાં આવી છે એવું ચિત્ર આજની તારીખમાં તો ઊપસે છે.
જોકે બીજી તરફ, એક્ટર-કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનશ્રી વર્મા સાથે લવ મેરેજ કરનારા ક્રિકેટર યુજવેન્દ્ર ચહલનાં નસીબ ગોવિંદા જેટલાં પાધરાં નથી. ડિસેમ્બર 2020માં લગ્નબંધનમાં જોડાયેલાં યુગલની છેડાછેડી છૂટી ગઈ છે. આપસી મરજીથી લગ્નબંધન તોડવામાં આવ્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. 2023માં સોશિયલ મીડિયા પર અણબનાવનો ધુમાડો જોવા મળ્યો હતો અને હવે આગ ખરેખર સળગી હોવાનું સ્પષ્ટ થયું છે.
હિન્દી ફિલ્મોમાં જો હીરો-હીરોઈન વચ્ચે છૂટાછેડાની નોબત આવે તો દર્શકને બેમાંથી એકને માટે અનુકંપા જાગે છે ને બીજા માટે ધિક્કાર પ્રગટ થાય છે. જોકે, રિયલ લાઈફમાં – વાસ્તવિક જીવનમાં ફિલ્મી યુગલના ડિવોર્સનો અણસાર પણ આવતાં શું થયું – કેમ થયું વગેરે ચટપટી જાગે છે. પછી એવા હાથ ધોઈને પાછળ પડી જાય છે કે ન પૂછો વાત. અલબત્ત, અહીં સુધ્ધાં અનુકંપા અને ધિક્કાર જોવા મળે છે.
એક વાત ખાસ નોંધવા જેવી એ છે કે તાજેતરના ડિવોર્સ કેસમાં એક પણ કેસમાં છૂટાછેડાનું કારણ વિવાહબાહ્ય સંબંધ નથી. અભિષેક બચ્ચન – ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાની ગુસપુસ તો સોશિયલ મીડિયા પર કેટલાક મહિનાથી ચાલી રહી છે. નામવંત વ્યક્તિના લગ્નમાં બંને અલગ અલગ આવતાં ‘કુછ તો ગડબડ હૈ’થી તણખાની શરૂઆત થઈ. સોશિયલ મીડિયા પર અભિષેકે ‘ગ્રે ડિવોર્સ’ (વાળ ધોળા થયા પછી લેવામાં આવતા છૂટાછેડા)ની વધી રહેલી સંખ્યા વિશે ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ મૂકતાંની સાથે અફવાના તણખાને હવા મળતાં મોટી આગ લાગી. પ્રેમમાંથી સરળતા ક્યાં ગાયબ થઈ જાય છે એ અભિષેકની પોસ્ટનો મુદ્દો હતો. ‘અનેક વર્ષનાં લગ્નજીવન પછી યુગલ છૂટાં પડી રહ્યાં છે. આવો નિર્ણય કયાં કારણસર લેવાય છે અને ‘ગ્રે ડિવોર્સ’ની સંખ્યા અચાનક કેમ વધવા લાગી છે?’ એવો સવાલ અભિષેક બચ્ચને ઉઠાવ્યો હતો. બસ, પછી તો અફવાઓનું ઘોડાપૂર આવ્યું અને એને ખાળવું મુશ્કિલ હી નહીં – નામુમકિન બની ગયું. 2024ના વર્ષ દરમિયાન સિનેમા ક્ષેત્રમાં સેલિબ્રિટી કપલના છૂટાછેડા સહિત કેટલીક સારી-નરસી ઘટના જોવા મળી. ગયા વર્ષે જેમના ઘરસંસાર તૂટી ગયા એમાં કોઈ અત્યંત ચોંકાવનારા હતા તો કોઈ કેસમાં નવાઈ નથી લાગી એવી પ્રતિક્રિયા પણ આવી.
સાંસારિક જીવનમાં એકબીજાને રામરામ કરનારાં યુગલમાં સૌથી ચોંકાવનારું ઉદાહરણ હતું ગાયક-સંગીતકાર એ. આર. રેહમાન અને પત્ની સાયરા બાનોનું. 29 વર્ષનાં લગ્નજીવન પછી છૂટા થવાનો દંપતીનો નિર્ણય ઘણાને આઘાત આપી ગયો. અલબત્ત, ડિવોર્સનું કારણ પતિ-પત્નીએ જાહેર નથી કર્યું, પણ કયો સૂર બેસૂરો બની ગયો એનાં અનેક તર્કવિતર્ક કરવામાં આવ્યાં. આ ઉપરાંત ઊર્મિલા માતોંડકર, હેમા માલિનીની પુત્રી એશા દેઓલ, રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા-ધનુષના છૂટાછેડા પણ થયા. ટેલેન્ટેડ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ – એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિચ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં ત્યારે અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. ગયા વર્ષે આપસી સમજૂતીથી બંનેએ છેડા ફાડી નાખવાનું નક્કી કર્યું, પણ હાર્દિકના ચાહકોએ નતાશાના માથે માછલાં ધોયાં. આ ડિવોર્સ કેસમાં ઈમોશનલ કારણ હોવાનું ચિત્ર ઊપસ્યું છે.
આ બધા વચ્ચે, શાહિદ કપૂર – કરીના કપૂર મેરેજ પહેલાં જ ડિવોર્સનો કિસ્સો ક્લાસિક છે. એક સમયે એમનો રોમેન્સ એવો પુરબહારમાં ખીલ્યો હતો કે એમનાં લગ્નની ચાહકો સુદ્ધાં કાગડોળે રાહ જોતા હતા. જોકે, ‘જબ વી મેટ’ના શૂટિંગ દરમિયાન રિયલ લાઈફમાં ‘જબ વી લેફ્ટ’ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. અલબત્ત, ફિલ્મમાં એમના પાત્ર આદિત્ય અને ગીત વિષમ પરિસ્થિતિમાંથી સાંગોપાંગ પાર ઊતરી પરણી જાય છે. જોકે, આજના સમયમાં ગીત અને આદિત્ય ભેગાં ન થયાં હોત અને વકીલની ઑફિસમાં છૂટાછેડાના કાગળિયાં સાથે આંટાફેરા કરતાં હોત એવું ખુદ શાહિદ કપૂર અને ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીનું માનવું છે. આજના યંગસ્ટર્સ હતાશા પચાવી લેવામાં નથી માનતા, એમની સહનશક્તિ ઓછી છે અને એનો અંત આવી જાય એટલે વાત સીધી બ્રેકઅપ પર પહોંચી જાય છે.
શ્વાનને કારણે છૂટાછેડા!
હિન્દી ફિલ્મોમાં છૂટાછેડા માટેનાં કારણો ચિત્ર-વિચિત્ર જોવા મળ્યા છે. ‘મિનરવા મુવિટોન’ના બેનર હેઠળ ‘તલાક’ ઉર્ફે ‘ડિવોર્સ’ (અગાઉ હિન્દી અને ઈંગ્લિશ ટાઇટલ આપવાની પ્રથા હતી) નામની નાટ્યાત્મકતાથી ભરપૂર સોશિયલ ફિલ્મ 1938માં બની હતી. હિન્દુ મહિલાના છૂટાછેડાના કાયદા એ કથાનું કેન્દ્રબિંદુ હતું. એ સમયના ટોપ મોસ્ટ હીરોઈન નસીમ બાનોએ એમાં રૂપા નામની મહિલાનું પાત્ર ભજવ્યું હતું. હિન્દુ મહિલાને છૂટાછેડા મંજૂર કરતો કાયદો બને એ માટે રૂપા ઝુંબેશ ચલાવે છે. આ ફિલ્મની વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, પણ બાબુરાવ પટેલના બિન્ધાસ્ત અને બેધડક ‘ફિલ્મ ઈન્ડિયા’ મૅગેઝિનમાં છપાયેલા રિવ્યુ અનુસાર શ્વાનને કારણે રૂપા લગ્નજીવન તોડી નાખે છે. એ ફિલ્મસ્ટાર સાથે પુનર્લગ્ન કરે છે, પણ ફિલ્મ સ્ટાર સુદ્ધાં એ જ કારણસર લગ્ન વિચ્છેદ કરી નાખે છે. લગ્નજીવનમાં સુખ નહીં મેળવતા લોકો માટે છૂટાછેડાનો કાયદો જરૂરી છે એ વાત આ ફિલ્મનો સાર છે. સાથે સાથે ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે રૂપા જેવી વ્યક્તિ ક્ષુલ્લક કારણસર ઘરસંસારમાં ભંગાણ પાડે છે.