કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જવાનું વિચારતા હોય તો વાંચો મહત્ત્વના સમાચાર!

શ્રીનગર/શિમલાઃ ઉનાળાના દિવસો શરુ થઈ ગયા હોવાથી હવે પર્યટકો ઉત્તર ભારતમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશની ટ્રિપ માટે નીકળી પડતા હોય છે, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ બરફવર્ષા થઇ હતી. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવારે હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, કુલ્લુ અને ચંબા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ ઉપરાંત, લાહૌલ અને સ્પીતિમાં ભારે હિમવર્ષા અને શિમલા જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ અધિકારીઓએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામમાં બરફવર્ષા થઇ હતી. જેનાથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો: હવામાનમાં પલટોઃ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ
બાંદીપુરામાં રાજદાન ટોપ અને ગુરેજ, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સાધના ટૉપ, હંદવાડા અને કુપવાડા અને શોપિંયામાં મુગલ રોડ પર બરફવર્ષા થઇ હતી. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના ઉના અને હમીરપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
દરમિયાન, બુધવાર સાંજથી કેલોંગમાં 20 સેમી, ખદરાલામાં 12 સેમી, કુકુમસેરીમાં 9.6 સેમી, હંસામાં 8 સેમી અને કલ્પામાં 3.4 સેમી બરફવર્ષા થઇ હતી. મનાલીમાં 19, ભરમૌરમાં 17 , ગોહરમાં 15, કરસોગમાં 12.1, ધર્મશાલામાં 6 અને શિમલા, સોલન, કલ્પા, મંડી, કુફરી અને કસૌલીમાં 2 થી 5 મીમી વરસાદ નોંધાયો હતો. લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં તાબો રાત્રિ દરમિયાન સૌથી ઠંડું સ્થાન રહ્યું હતું જ્યાં તાપમાન માઈનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ હતું.
આ પણ વાંચો: હિમાચલમાં હિમવર્ષાઃ પ્રવાસીઓને બિનજરુરી મુસાફરી ટાળવા પોલીસે કરી અપીલ
શ્રીનગર-લેહ હાઇવે સહિત ઊંચાણવાળા વિસ્તારોમાં ઘણા રસ્તાઓ બરફના કારણે બંધ થઈ ગયા હતા. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇ-વે ટ્રાફિક માટે ખુલ્લો હતો. શ્રીનગર સહિત ખીણના મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલે બપોર સુધી મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફવર્ષા થઇ હતી. આ વિસ્તારોમાં છૂટાછવાયો ભારે વરસાદ પણ પડી શકે છે.