શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં ફૂટબોલ મેચ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેકોપા સુદામેરિકાના ફાઇનલના બીજા તબક્કા પહેલા અર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મેચ મહેમાન ટીમ રેસિંગ અને સ્થાનિક બોટાફોગો વચ્ચે રમાવાની છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર બુધવારે શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા બારા દા તિજુકા વિસ્તારમાં બે ચાહકો બીચ પર હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેને લૂંટ્યા અને ગોળી ધરબી દીધી હતી. રિયોના આરોગ્ય સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતોમાંથી એકની મિગુએલ કુટો હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી હતી અને બીજાની હાલત લૌરેન્કો જોર્જ હોસ્પિટલમાં સ્થિર છે.
આ પણ વાંચો: ફૂટબોલરે ગાળ આપી એટલે રેડ કાર્ડ મળ્યું! જોકે રેફરીએ ખોટું ભાષાંતર કર્યું હોવાનો દાવો
ફૂટેજમાં તેમાંથી એકને રિયો ફાયર ડિપાર્ટમેન્ટના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવતા હોવાનું દર્શાય છે. રિયો પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. તેમજ હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી.
રેકોપા સુદામેરિકાના ટાઇટલ કોપા લિબર્ટાડોરસ(બોટાફોગો) અને કોપા સુદામેરિકાના(રેસિંગ)ના અંતિમ વિજેતાઓ વચ્ચે રમાય છે. ગયા અઠવાડિયે અર્જેન્ટિનાની ટીમે બ્યુનોસ એરેસમાં બોટાફોગોને ૨-૦થી હરાવ્યું હતું. બીજો તબક્કો નિલ્ટન સાન્ટોસ સ્ટેડિયમ ખાતે રમાશે.