આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે બસ બળાત્કાર કેસ: મહારાષ્ટ્રના પ્રધાને સુરક્ષામાં બેદરકારી બદલ એમએસઆરટીસીની ટીકા કરી, પોલીસનો બચાવ કર્યો

પુણે: મહારાષ્ટ્રના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે ગુરુવારે સ્વારગેટ એસટી બસ ડેપોમાં થયેલા બળાત્કાર માટે ડેપોમાં નિયુક્ત ખાનગી સુરક્ષા ગાર્ડ્સને દોષી ઠેરવ્યા હતા, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે. મંગળવારે વહેલી સવારે એક એસટીની બસમાં હિસ્ટ્રીશીટર દત્તાત્રય રામદાસ ગાડે (37) દ્વારા મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગાડેને શોધવા માટે પોલીસે તેર ટીમો બનાવી છે.

સ્વારગેટ એસટી બસ ટર્મિનલ પર સુરક્ષા ગાર્ડ કોર્પોરેશન દ્વારા નિયુક્ત ખાનગી એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવે છે અને ડેપો મેનેજરે વધુ સતર્ક રહેવું જોઈતું હતું, એમ કદમે જણાવ્યું હતું. તેમણે તરત જ ઉમેર્યું હતું કે તેઓ એવો દાવો નથી કરી રહ્યા કે આવી ઘટનાઓને રોકવામાં પોલીસની કોઈ ભૂમિકા નથી.

‘સ્વારગેટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળની એક ટીમે ઘટનાના દિવસે રાત્રે 1:30 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધી આ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે (કોર્પોરેશન) કડક સુરક્ષા વ્યવસ્થા રાખી નથી, તેથી આ ડેપો મેનેજરની જવાબદારી છે. તેમણે ગાર્ડ્સની કામગીરી તપાસવી જોઈતી હતી. ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી એમએસઆરટીસીની છે, જેમણે ગાર્ડ્સને રાખ્યા છે અને તેમના પગાર ચૂકવે છે,’ એવો દાવો કદમે કર્યો હતો.
સ્વારગેટ બસ ડેપોમાં અસામાજિક તત્વો વિશે એસટી દ્વારા પોલીસને અગાઉ લખાયેલા પત્ર વિશે પૂછવામાં આવતા કદમે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘તમે પત્ર સબમિટ કરીને (સુવિધામાં સુરક્ષાની જવાબદારીમાંથી) છટકી શકતા નથી’.

‘એક વિકૃત વ્યક્તિ મીઠી વાતો કરે છે અને મહિલાનું બ્રેઈન વોશ કરે છે. કોઈ દલીલ કે બળનો ઉપયોગ થતો નથી. જે કંઈ બન્યું તે શાંતિથી થયું હતું. તેથી આસપાસના લોકોને ઘટનાની ચેતવણી મળી નહોતી. તેથી દોષારોપણ કરવાને બદલે, આરોપીની ધરપકડ કરવામાં આવે જેથી પરિસ્થિતિ સ્પષ્ટ થાય,’ એમ રાજ્યકક્ષાના પ્રધાને ઉમેર્યું હતું.

‘ઘટના સવારે 6 વાગ્યે બની હતી અને પીડિતાએ સવારે 9 વાગ્યે પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ, આરોપીને ઓળખી કાઢવામાં આવ્યો હતો અને સીસીટીવી દ્વારા ટ્રેક કરવામાં આવ્યો હતો. તે ફરાર થઈ ગયો છે. સીસીટીવી ફૂટેજ જોયા પછી અમને ખબર પડી કે તેણે ભાગવા માટે બસ લીધી હતી, એમ કદમે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…વસઈમાં પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ નાળામાં ફેંકનારા પ્રેમીની ધરપકડ

કદમે કહ્યું કે આ દોષારોપણનો સમય નથી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બસ ટર્મિનલ પર સુરક્ષા યોગ્ય હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત.

પોલીસ અને એમએસઆરટીસી તંત્ર વચ્ચેના સંકલન વિશે બોલતા, તેમણે કહ્યું કે બુધવારે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સાથે સંવેદનશીલ સ્થળોએ પોલીસ માર્શલ તહેનાત કરી શકાય કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી.

સ્વારગેટ બસ ટર્મિનલની મુલાકાત દરમિયાન કદમની સાથે પુણે પોલીસના કમિશનર અમિતેશ કુમાર, જોઈન્ટ કમિશનર રંજન કુમાર શર્મા અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button