મહારાષ્ટ્ર

રાઉતે સ્વારગેટ બળાત્કાર ઘટનાને નિર્ભયા કેસ સાથે સરખાવ્યો, કહ્યું કે પુણેમાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ગુરુવારે પુણેમાં પાર્ક કરેલી રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસમાં એક મહિલા પર થયેલા બળાત્કારની તુલના 2012ની દિલ્હી ગેંગરેપ ઘટના સાથે કરી, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવાર પર નિશાન સાધ્યું હતું.

રાજ્યસભા સાંસદે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં ભારે વધારો થયો છે.

જો રાજ્યમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડીની સરકાર હોત, તો ભાજપના મહિલા નેતાઓ અત્યાર સુધીમાં રાજ્ય મુખ્યાલય મંત્રાલયની બહાર હોબાળો મચાવી દેત, એમ સંજય રાઉતે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું.

મંગળવારે પુણેના સ્વારગેટ બસ સ્ટેશન પર રાજ્ય પરિવહન બસમાં 26 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર થયો હતો. 37 વર્ષના હિસ્ટ્રીશીટર આરોપી દત્તાત્રય રામદાસ ગાડેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

‘દર મહિને 1,500 રૂપિયા આપીને, શું તમે મહિલાઓનું આત્મસન્માન ખરીદ્યું છે?’ એમ રાઉતે ભાજપની આગેવાની હેઠળની સરકારની મહિલાઓ માટે નાણાકીય સહાય યોજનાનો ઉલ્લેખ કરતાં પૂછ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાસેથી જવાબ માગવો જોઈએ, જેઓ પુણેના પાલક પ્રધાન પણ છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : પુણેમાં એસટી બસમાં યુવતી પર બળાત્કાર: ફરાર આરોપી વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ જાહેર

‘આ તો દિલ્હીના નિર્ભયા કેસ જેવું છે. સદનસીબે મહિલા (આ કિસ્સામાં) બચી ગઈ,’ એમ શિવસેના (યુબીટી)ના સાંસદે કહ્યું હતું.

2012માં 23 વર્ષની ફિઝિયોથેરપીની વિદ્યાર્થીની, જેને પાછળથી ‘નિર્ભયા’ તરીકે ઓળખાઈ, તેના પર દિલ્હીમાં બસમાં ક્રૂર રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. બાદમાં તેણીનું શરીર પરની ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું.

રાઉતે વધુમાં કહ્યું કે પુણેમાં ગુંડાઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. ગૃહ વિભાગનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે અને રાજકીય વિરોધીઓ પર અત્યાચાર કરવા માટે થઈ રહ્યો છે અને ‘જો ગૃહ વિભાગનો ઉપયોગ ‘લાડકી બહેનો’ના રક્ષણ માટે કરવામાં આવે તો તે રાજ્ય પર મોટો ઉપકાર હશે’, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button