હવે પછી ક્યારેય કોઈ ટીમ અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની હિંમત નહીં કરેઃ હેડ-કોચ જોનથન ટ્રૉટ

લાહોરઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લૅન્ડે બુધવારે અહીં તીવ્ર રસાકસી વચ્ચે જોરદાર લડત આપીને અફઘાનિસ્તાન સામે છેવટે માત્ર આઠ રનના માર્જિન સાથે હાર સ્વીકારવી પડી હતી અને એ સાથે બ્રિટિશરોની લડાકુ ટીમે સ્પર્ધામાંથી માનભેર વિદાય લીધી હતી અને અફઘાને સેમિ ફાઇનલની આશા જીવંત રાખી ત્યાર બાદ અફઘાનિસ્તાનના બ્રિટિશ કોચ જોનથન ટ્રૉટે ભાર દઈને કહ્યું હતું કે `હવે પછી ક્યારેય કોઈ હરીફ ટીમ અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની હિંમત નહીં કરે. તાજેતરના વન-ડેના અને ટી-20ના વર્લ્ડ કપમાં અમારી ટીમે હરીફોના જે હાલ કર્યા એના પરથી અમારા ખેલાડીઓનો આત્મવિશ્વાસ સતત વધતો રહ્યો છે.’
હવે અફઘાનિસ્તાનની શુક્રવાર, 28મી ફેબ્રુઆરીએ (બપોરે 2.30 વાગ્યાથી) લાહોરમાં મૅચ રમાશે અને એમાં જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે.

બુધવારે અફઘાનિસ્તાને બૅટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 325 રન બનાવીને ઇંગ્લૅન્ડને 326 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રને ઑલઆઉટ થઈ હતી. છેલ્લી ઓવર સુધી બન્ને ટીમે જીતવાની આશા જીવંત રાખી હતી અને કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે પરિણામ અનિશ્ચિત થઈ ગયું હતું.
મૅન ઑફ ધ મૅચ અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝડ્રાન (177 રન, 146 બૉલ, છ સિક્સર, બાર ફોર)ની વિક્રમજનક સદીનો જવાબ બ્રિટિશ બૅટર જૉ રૂટે (120 રન, 111 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) આક્રમક સદીથી આપ્યો હતો અને તે (રૂટ) સુપરહીરો બની શક્યો હોત. તેના ઉપરાંત બેન ડકેટે 38 રન, જૉસ બટલરે 38 રન, જૅમી ઓવર્ટને 32 રન તથા હૅરી બ્રૂકે પચીસ રન બનાવ્યા હતા. જોકે છેવટે અફઘાનના જ્વલંત અને રોમાંચક વિજય બદલ ઝડ્રાનની સદી લેખે લાગી હતી.
અફઘાનના પેસ બોલર અઝમતુલ્લા ઓમરઝાઇએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. તેણે પાંચમી વિકેટ મૅચના સેક્નડ-લાસ્ટ બૉલ પર લીધી હતી જેમાં આદિલ રાશિદ પાંચ રન બનાવીને અફઘાનના સુપરસ્ટાર ખેલાડી ઝડ્રાનના હાથમાં કૅચઆઉટ થયો હતો. મોહમ્મદ નબીએ બે તેમ જ ફારુકી, રાશિદ ખાન અને નઇબે એક-એક વિકેટ લીધી હતી. ટૂંકમાં, અફઘાનીઓના બોલિંગ-આક્રમણ સામે બ્રિટિશરોએ છેવટે ઝૂકવું પડ્યું હતું.
આ પણ વાંચો…મેઘરાજાને કારણે મૅચ ન રમાતાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું, યજમાન દેશના નામે ઘણા ખરાબ રેકૉર્ડ લખાઈ ગયા
ચૅમ્પિયન્સ ટ્રોફીના સૌથી મોટા વ્યક્તિગત સ્કોર્સમાં હવે ઝડ્રાનના 177 રન નવો વિક્રમ છે. તેણે ઇંગ્લૅન્ડના બેન ડકેટનો 165 રનનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.