શિવસેના (યુબીટી)એ ‘ભ્રષ્ટાચારને નાથવા માટે કડક પગલાં લેવા’ બદલ ફડણવીસની પ્રશંસા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભ્રષ્ટાચારને નાથવા માટે કડક પગલાં લઈ રહ્યા છે, એમ વિપક્ષી શિવસેના (UBT) એ જણાવ્યું છે, અને કેટલાક મંત્રીઓ દ્વારા ભલામણ કરાયેલા અંગત સહાયકોના નામોને નકારી કાઢવાના તેમના તાજેતરના નિર્ણયની પ્રશંસા કરી છે.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પ્રહારો પણ કર્યા હતા, જેઓ હરીફ શિવસેનાના વડા છે અને જેમના ફડણવીસ સાથેના સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે.
જાન્યુઆરીની શરૂઆતમાં આ અખબારમાં નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લાની મુલાકાત લઈને ત્યાં સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બદલ ફડણવીસની અણધારી પ્રશંસા કરી હતી.
‘દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના શાસનમાં શિસ્ત લાવવા માટે કડક પગલાં લીધાં છે,’ એમ બુધવારના અંકમાં તંત્રી લેખમાં કહેવામાં આવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેમણે ‘ભ્રષ્ટાચારના નાળા સાફ’ કરવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે સેના (યુબીટી)ના મુખપત્રે ફડણવીસની પ્રશંસા કરી છે, જોકે પાર્ટીએ એક વખત અવિભાજિત શિવસેનાને તોડવા માટે ફડણવીસ પર આરોપ લગાવ્યો હતો અને સતત તેમને નિશાન બનાવ્યા હતા.
તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ફડણવીસે પ્રધાનોના અંગત સહાયકો (પીએ) અને ખાસ ફરજ પરના અધિકારીઓ (ઓએસડી)ની નિમણૂક કરવાની સત્તા ‘છીનવી’ લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સોમવારે, ફડણવીસે કહ્યું હતું કે તેમણે કેબિનેટ મંત્રીઓ દ્વારા પીએ અને ઓએસડી તરીકે નિમણૂક માટે મોકલવામાં આવેલા 125 નામોમાંથી 109 નામોને મંજૂરી આપી છે, પરંતુ 16 વ્યક્તિઓને નકારી કાઢ્યા કારણ કે તેઓ કાં તો પૂછપરછનો સામનો કરી રહ્યા હતા અથવા ‘ફિક્સર’ તરીકે જાણીતા હતા.
સેના (યુબીટી)એ જણાવ્યું હતું કે ફડણવીસે આ નામોને નાબૂદ કર્યા કારણ કે તેઓ ‘મધ્યસ્થ’ તરીકે કામ કરી રહ્યા હતા અને દાવો કર્યો હતો કે આમાંથી 12 નામો શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના પ્રધાનો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…પુણેમાં એસટી બસમાં યુવતી પર બળાત્કાર: ફરાર આરોપી વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ જાહેર
શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે વચેટિયાઓને ‘મંત્રાલય’માં મુક્તપણે અવર-જવર કરવાનો અધિકાર હતો, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
તંત્રીલેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શિંદેની નજીકના એક રિયલ્ટર દેશ છોડીને ભાગી ગયા હતા કારણ કે ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા પછી ‘ગંદકી સાફ કરી રહ્યા હતા’.
શિંદેએ ફડણવીસ વિરુદ્ધ ટોચના ભાજપ નેતૃત્વને ‘ફરિયાદ’ કરી હતી, એમ પણ તેમાં જણાવાયું છે.