અંજારના ‘વ્યાજખોર’ સગા ભાઈબહેનની ત્રિપુટી PASA હેઠળ જેલમાં ધકેલાઈ
ગુજરાતના ઈતિહાસમાં સૌથી પહેલી વાર બની ઘટના

ભૂજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પઠાણી વ્યાજખોરી માટે કુખ્યાત ગોસ્વામી બંધુ અને બે બહેનની ત્રિપુટી પર પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે ‘પાસા’ (Prevention of Anti-social Activities (PASA) Act)નું શસ્ત્ર ઉગામી તમામને જેલની કાળમીંઢ દીવાલો પાછળ ધકેલી દીધા હતા.
આરતી ઈશ્વરગર ગોસ્વામી, તેની બહેન રીયા અને ભાઈ તેજસ ત્રણે સામે વ્યાજખોરીના વિવિધ ગુનાનો ઈતિહાસ હોઈ પોલીસે ૬-૦૯-૨૦૨૪ના રોજ ત્રણે પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર સગાં ભાઈ- બહેનોની ત્રિપુટીને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરધાર અને પઠાણી ઉઘરાણીની પ્રવૃત્તિ બદલ ગુજસીટોકમાં ધકેલાઈ હતી.
આ પણ વાંચો: વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ફિનાઇલ પીધું
જોકે, થોડા સમયમાં જ ત્રણેય જણ વારાફરતી જામીન પર બહાર આવી ગેરકાયદે વ્યાજ-વટાવનો ધંધો ચાલું રાખ્યો હતો. જેથી પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાએ તેમની સામે પાસા (પ્રિવેન્શન ઑફ એન્ટિ સોશિયલ એક્ટિવીટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને કરેલી દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતાં જ અંજારના પી.આઈ એ. આર. ગોહિલ અને એલ.સી.બી પી.આઈ એન.એન.ચુડાસમા તથા સ્ટાફે સંયુક્ત કામગીરી હાથ ધરીને ત્રણેયની અટકાયત કરી હતી. બંને બહેનોને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભાઈને રાજકોટ જેલ ધકેલી દેવાયાં હતા.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ સામે અગાઉ વ્યાજખોરી બદલ બે લોકોની આત્મહત્યાના જુદાં-જુદાં બે ગુના પણ દાખલ થયેલાં હોવાનું જાણવા મળ્યું હતું.