મુશ્તાક અહમદનો વકાર સામે 20 કરોડનો અને અકરમ સામે 15 કરોડનો બદનક્ષીનો દાવો, જાણો શા માટે…

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ રાષ્ટ્રીય ટીમની પછડાટ સાથે અત્યારે અભૂતપૂર્વ કંગાળ અને ખરાબ સ્થિતિમાં છે, દેશની ટીમ તેમ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે અને અધૂરામાં પૂરું કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો વચ્ચે બારમો ચંદ્રમા પણ છે. ભૂતપૂર્વ સ્પિનર મુશ્તાક અહમદ બે જૂના સાથી ખેલાડીઓ વકાર યુનુસ અને વસીમ અકરમ સામે કરોડો રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડવાની તૈયારી કરી રહ્યો છે.
મુશ્તાકનો એવો દાવો છે કે પોતાની ક્રિકેટ પ્રત્યેની સમજબૂઝ તેમ જ કોચિંગ પદ્ધતિ વિશે તાજેતરમાં એક લાઈવ ટીવી શોમાં વકાર અને અકરમે તેની ખૂબ હાંસી ઉડાવી હતી.
મુશ્તાકે વકાર અને અકરમને કાનૂની નોટિસ મોકલી છે. વકાર સામે મુશ્તાક 20 કરોડ રૂપિયાનો અને અકરમ સામે 15 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડવાની તૈયારીમાં છે.
મુશ્તાકનું એવું પણ કહેવું છે કે ‘મારા બંને ભૂતપૂર્વ સાથી ખેલાડીઓએ ટીવી શોમાં મારા વિશે અને મારા કોચિંગની સ્ટાઈલ વિશે ઘણું ખોટું કહ્યું હતું. હું આ બન્નેને જણાવી દઉં કે તેઓ મારા નીચા કદને ધ્યાનમાં લઈને મને અન્ડરએસ્ટિમેટ ન કરે. ખુદને માટે લડવાનું હું બહુ સારી રીતે જાણું છું.’
બાંગ્લાદેશના કોચ મુશ્તાક અહમદે જૂની વાત કરતા કહ્યું હતું કે ‘ક્રિકેટને લગતી મારામાં બહુ સારી ટૅલન્ટ છે અને મારી આ સમજબૂઝને અગાઉ ખૂદ અકરમ પણ બિરદાવી ચૂક્યો હતો. જોકે આ બંને જણે અગાઉ ઘણીવાર મારો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ તેમનો જો મને પૂરો ટેકો મળ્યો હોત તો હું પાકિસ્તાનના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર્સમાં ગણાતો હોત.’
એક અહેવાલ મુજબ મુશ્તાક અહમદે બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી એટલે વકાર યુનુસે તેની માફી માગી લીધી છે જેમાં વકારે ફરી એક વાર મજાકમાં કહ્યું છે કે ‘મારી પાસે 20 કરોડ રૂપિયા છે જ નહીં એટલે કહું છું કે જો મારા કોઈ વિધાનથી મુશ્તાકનું દિલ દુભાયું હોય તો હું માફી માગું છું. હા, એક વાત સાચી છે કે તે જે કંઈ કરી રહ્યો છે એનાથી અમારા પ્રોગ્રામનો ફેલાવો વધી ગયો છે.’
આ પણ વાંચો…અફઘાનિસ્તાનની જીતને કારણે Champions Trophy રોમાંચક બની, જાણો સેમીફાઈનલનું સમીકરણ
બીજી બાજુ, વસીમ અકરમે નમવાની કોઈ તૈયારી નથી બતાવી અને સ્પષ્ટ કરી દીધું છે કે તે કોર્ટમાં મુશ્તાકનો સામનો કરવા તૈયાર છે.
અકરમે મજાકમાં એવું પણ કહ્યું છે કે ‘ટીવી પ્રોગ્રામમાં મારા કરતાં વકારે મુશ્તાકની વધુ હાંસી ઉડાવી હતી એટલે મુશ્તાક તેની પાસે મારા કરતાં પાંચ કરોડ રૂપિયા વધુ રૂપિયા માગવાની તૈયારીમાં છે. કોઈ વાંધો નહીં, મુશ્તાક જે કંઈ કરશે એનાથી અમારા પ્રોગ્રામની લોકપ્રિયતા વધશે.’