‘આ યુગમાં પરિવર્તનનો સંકેત છે…’ જાણો વડાપ્રધાન મોદીએ મહાકુંભ વિષેના બ્લોગમાં શું લખ્યું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા મહાકુંભ મેળાનું ગઈ કાલે મહાશિવરાત્રિના દિવસે સમાપન થયું, વિશ્વનો સૌથી વિશાળ માનવ મેળાવડો ‘મહાકુંભ’ ઘણા કારણોસર સતત ચર્ચામાં રહ્યો. વડાપ્રધાન મોદીએ તેમના બ્લોગમાં મહાકુંભ મેળા વિષે વિગતે વાત કરી. વડાપ્રધાન મોદીએ મહાકુંભના સફળ આયોજન માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારની પ્રશંસા કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “મહાકુંભ પૂર્ણ થયો છે…એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી આ એક જ તહેવાર માટે 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા જે રીતે એકત્ર થઇ હતી, તે અદભુત છે. મહાકુંભની પૂર્ણાહુતિ પછી મારા મનમાં આવેલા વિચારોને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.”
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ મહાકુંભમાં હાજરી આપી હતી, તેમણે 5 ફેબ્રુઆરીના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. ‘આ દેશની જાગૃત ચેતના દર્શાવે છે’ ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રતિષ્ઠા કાર્યક્રમને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, “22 જાન્યુઆરી, 2024 ના રોજ, મેં ભક્તિ અને દેશભક્તિ વિશે વાત કરી હતી. મહાકુંભ દરમિયાન, અનેક દેવી-દેવતાઓ, બાળકો અને વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો એકઠા થયા હતા, જે દેશની જાગૃત ચેતના દર્શાવે છે.”
મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ:
વડાપ્રધાન મોદીને મહાકુંભને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ તથા પ્લાનિંગ અને પોલિસી એક્ષ્પોર્ટ માટે રીસર્ચનો વિષય ગણાવ્યો. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની ભરપુર પ્રશંસા કરી.વડાપ્રધાન મોદીએ લખ્યું, “યુપીના સંસદ સભ્ય તરીકે, હું ગર્વથી કહું છું કે યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળના લોકોએ અને વહીવટીતંત્રે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કેન્દ્ર હોય કે રાજ્ય, કોઈ પણ શાસક કે વહીવટકર્તા નહોતું, મહાકુંભ દરમિયાન દરેક વ્યક્તિ સમર્પિત ‘સેવક’ હતો. આ મહાકુંભને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું.” તેમણે કહ્યું, “આ 45 દિવસોમાં મુશ્કેલીઓ છતાં પ્રયાગરાજના લોકોએ શ્રદ્ધાળુઓને મદદ કરી, તે પ્રશંસનીય છે. હું પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશના લોકોનો આભાર માનું છું.”
Also read: મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
આખું વિશ્વ આશ્ચર્યચકિત:
વડાપ્રધાને લખ્યું કે આખું વિશ્વ આશ્ચર્યચકિત છે કે ત્રિવેણી સંગમમાં એક નદી કિનારે આટલી મોટી સંખ્યામાં કરોડો લોકો કેવી રીતે ભેગા થઇ શકે. આ કરોડો લોકોને ન તો કોઈ ઔપચારિક આમંત્રણ હતું કે ન તો તેઓ કયા સમયે આવવાના હતા તેની કોઈ પૂર્વ માહિતી હતી. લોકો મહાકુંભ માટે રવાના થયા… અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી. હું એ તસવીરો ભૂલી શકું એમ નથી… સ્નાન કર્યા પછી અપાર આનંદ અને સંતોષથી ભરેલા એ ચહેરાઓ હું ભૂલી શકતો નથી. સ્ત્રીઓ હોય, વૃદ્ધો હોય કે દિવ્યાંગ લોકો, બધાએ સંગમ સુધી પહોંચવા માટે જે કંઈ કરી શક્યું તે કર્યું.
‘આ યુગમાં પરિવર્તનનો સંકેત છે’
આજની ભારતની યુવા પેઢી આટલી મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી તે જોઈને મને ખૂબ આનંદ થયો. આ મહાકુંભમાં ભાગ લેવા માટે ભારતના યુવાનો આગળ આવે છે તે એક મોટો સંદેશ છે. આનાથી એ માન્યતાને ટેકો મળે છે કે ભારતની યુવા પેઢી આપણી પરંપરાઓ અને સંસ્કૃતિનને આગળ વધારવાની જવાબદારી સમજે છે અને તેના પ્રત્યે સમર્પિત પણ છે. મારું માનવું છે કે, આ યુગમાં પરિવર્તનનો સંકેત છે, જે ભારત માટે એક નવું ભવિષ્ય લખવા જઈ રહ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને માતા યશોદાના પ્રસંગને યાદ કર્યો:
વડાપ્રધાને લખ્યું, “આજે મને એ પ્રસંગ યાદ આવી રહ્યો છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ બાળકના રૂપમાં માતા યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડ બતાવ્યું હતું. તેવી જ રીતે, આ મહાકુંભમાં, ભારતીયો અને વિશ્વએ ભારતની શક્તિના વિશાળ સ્વરૂપને જોયું છે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે આપણે હવે આ આત્મવિશ્વાસ અને એકતા સાથે આગળ વધવું પડશે.”
માફી પણ માંગી:
વડાપ્રધાનને લખ્યું કે મને ખબર છે કે, આટલો મોટો કાર્યક્રમ યોજવો સરળ નહોતો. હું માતા ગંગા… માતા યમુના… માતા સરસ્વતીને પ્રાર્થના કરું છું… હે માતા, જો અમારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય, તો કૃપા કરીને મને માફ કરો… જનતા, જે મારા માટે ભગવાનનું સ્વરૂપ છે, જો હું શ્રદ્ધાળુઓની સેવા કરવામાં નિષ્ફળ ગયો હોઉં, તો હું જનતાની માફી પણ માંગુ છું. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, 2024 ના મહાકુંભ દરમિયાન 66.21 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.