અફઘાનિસ્તાનની જીતને કારણે Champions Trophy રોમાંચક બની, જાણો સેમીફાઈનલનું સમીકરણ

મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનની ટીમ શાનદાર ક્રિકેટ (Afghanistan Cricket Team) રમી છે. ગઈ કાલે બુધવારે રાત્રે ICC Champions Trophy 2025ની 8મી મેચમાં હસમતુલ્લાહ શાહિદીની કેપ્ટનશીપ હેઠળની અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી ટીમને 8 રનથી (AFG beats ENG) હરાવી. આ સાથે અફઘાનિસ્તાને ફરી એક વાર સાબિત કર્યું છે, તે તેઓ વિશ્વની કોઈ પણ ક્રિકેટ ટીમને ધૂળ ચટાડવાની ક્ષમતા ધરાવે છે. ઇંગ્લેન્ડને હરાવીને અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી વધુ રોમાંચક બનાવી દીધી છે.
ગ્રુપ-Bમાંથી ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટથી બહાર થઈ ગયું છે, હવે ટુર્નામેન્ટના સેમીફાઈનલના બે સ્થાનો માટે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સ્પર્ધા છે. ગ્રુપ-Bની છેલ્લી બે મેચ બાકી છે, એક મેચ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (AFG vs AUS) વચ્ચે અને બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ (SA vs ENG) વચ્ચે રમાશે. આ બે મેચના પરિણામોથી સ્પષ્ટ થશે કે કઈ બે ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.
Also read: અફઘાનિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપની હારનો બદલો લેશે?
અફઘાનિસ્તાન માટે સમીકરણ:
જો અફઘાનિસ્તાનની ટીમને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો તેણે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. અફઘાનિસ્તાન ગ્રુપ-B પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 3-3 પોઈન્ટ સાથે તેનાથી ઉપર છે.
જો અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવે તો તે 4 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લેશે. ઓસ્ટ્રેલિયા 3 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બીજી તરફ, જો અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થાય, તો ઓસ્ટ્રેલીયા સેમિફાઇનલમાં પહોંચી જશે અને અફઘાનિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયા પાસે 4 પોઈન્ટ હશે જ્યારે અફઘાનિસ્તાનના ફક્ત 3 પોઈન્ટ હશે આવી સ્થિતિમાં જો દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે હારી જાય, તો પણ તેને સારી નેટ રન રેટને કારણે સેમિફાઇનલમાં પહોંચી જશે, દક્ષિણ આફ્રિકા જો મોટા માર્જિનથી હારે તો સ્થિતિ બાદલી શકે છે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા માટે સમીકરણો:
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઇનલનો રસ્તો સરળ છે, બંને ટીમોએ તેમની આગામી મેચ જીતવી પડશે. જો આવું થાય તો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 5-5 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. જો બંને ટીમો હારી જાય, તો દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી જશે છે કારણ કે દક્ષિણ આફ્રિકાની નેટ રન રેટ ઓસ્ટ્રેલીયા કરતા ઘણી સારી છે. દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાનની મેચ વરસાદને કારણે રદ થાય, તો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 4-4 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચી જશે.