કાથા વર્ક

ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર
કાથા વર્ક એટલે,રનિંગ સ્ટીચ. ફેબ્રિક પર એક સરખા માપ સાથે એકજ પેટર્નમાં હાથથી કરેલું વર્ક એટલે કાથા વર્ક. કાથા વર્ક ખૂબ જ જૂનું અને ખૂબ જ પ્રચલિત કામ છે. કાથા વર્ક હંમેશાં લાઈટ કલરના ફેબ્રિક પર સારું લાગે છે, એટલે કે લાઈટ કલરના ફેબ્રિક પર બ્રાઇટ કલરના દોરા વડે કામ કરવામાં આવે છે તેથી તે ઊઠીને આવે છે. કાથા વર્કમાં મોટેભાગે ફ્લોરલ ડિઝાઇન હોય છે અથવા તો મોટિફ હોય છે જેમકે, ફ્લાવર બુટ્ટા, મેંગો, વારલી વગેરે. કાથા વર્કના બનેલા કપડાં હંમેશાં એક્સપેન્સિવ હોય છે કારણકે, કાથા વર્ક હાથથી કરેલું કામ છે અને ખૂબ જ સમય માગી લે છે. સમય સાથે કામની ગુણવત્તા માગી લે છે .તેથી જ કાથા વર્ક જુદું પડી આવે છે. જેમને કામની સમજ છે તે મહિલા પાસે કોઈ તો એક ગારમેન્ટ હશે જ કે જેમાં કાથા વર્ક આવેલું હોય. ચાલો જાણીયે કાથા વર્કમાંથી કયાં કયાં ગારમેન્ટ બનાવી શકાય.
સાડી – કાથા વર્કની સાડી ખૂબ જ પ્રચલિત છે. કાથા વર્ક એટલું સિમ્પલ હોવા છતાં સાડીમાં ઘણી વેરાઈટી આવે છે. જેમકે .જાલ વર્ક,સ્કર્ટ બોર્ડર, બોર્ડર અને તેની પર બુટ્ટા , ઓલ ઓવર બુટ્ટી વગેરે. કાથા વર્કવાળી સાડીનો બેઝ પેસ્ટલ શેડમાં હોય છે એટલે કે, લાઈટ યેલો, સી ગ્રીન, બાબી પિન્ક, બેજ, વાઈટ વગેરે. લાઈટ કલરનો બેક્સ એટલા માટે કે તેમાં જે કામ કરવામાં આવ્યું હોય તે ઊઠીને આવે, જો તમારું શરીર સુડોળ હોય તો તમે ઓલ ઓવર કાથા વર્કવાળી સાડી પહેરી શકો. સ્કર્ટ બોર્ડર એટલે કે, જેમાં ગોઠણથી નીચે કામ કરવામાં આવે. એટલે કે હાલ્ફ સાડીમાં વર્ક હોય અને હાફ સાડીમાં પ્લેન હોય. ઘણી સાડીમાં 4 ઇંચ થી લઈને 5 ઇંચ સુધી બોર્ડર હોય છે અને પછી 8 ઇંચ કે 10 ઇંચના બુટ્ટા હોય છે. આ સાડી પણ પહેરે ખૂબ જ સુંદર લાગે છે. જો તમે કાથા વર્કવાળી સાડી પહેરી હોય તો તમે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ કરાવી શકો.
બ્લાઉઝ – ઘણી મહિલા ઓ કંઈક અલગ પહેરવાનું પસંદ કરે છે. જેમકે પ્યોર જોર્જેટની મરૂન કલરની સાડી હોય અને તેની સાથે બેજ કલરનું બ્લાઉઝ કે જેમાં કાથા વર્ક કરેલું હોય.બ્લાઉઝ મોટે ભાગે કલોઝ નેકનું કરાવવું પડે કે જેથી કરીને બેકમાં કરાયેલી કાથા વર્કની ડિઝાઇન દેખાય.બ્લાઉઝમાં મોટે ભાગે મોટિફ જ કરવામાં આવે છે જેમેક,પીકોક, મેંગો કે પછી કોઈ ફ્લાવર બુટ્ટા.અથવા તો સ્લીવ્ઝમાં નાની નાની બુટ્ટી કરી હોય અને નેકમાં,બ્લાઉઝની બેકમાં અને સ્લીવ્ઝની હેમલાઈનમાં બોર્ડર કરી હોય.આ બ્લાઉઝની પેટર્ન સાથે પણ પ્લેન સાડી પહેરી શકાય .જો તમારે કાથા વર્કવાળું બ્લાઉઝ પહેરવું હોય તો તેની સાથે ખાસ કરીને પ્લેન સાડી જ પહેરવી જેથી કરી બ્લાઉઝ ઊઠીને આવે. કાથા વર્ક મોટે ભાગે સેલ્ફ ટુ સેલ્ફ કલરમાં હોય અથવા કોન્ટ્રાસ્ટ કલરમાં હોય.તમે તમારી ચોઈસ મુજબ ફેબ્રિકની પસંદગી કરી શકો.
દુપટ્ટા – કાથા વર્કના દુપટ્ટા ખૂબ જ સુંદર લાગે છે કારણ કે, કોટન દુપટ્ટા ખોલીને પહેરી શકાય જેથી કરી કાથા વર્કની ડિઝાઇન દેખાય. કોટન દુપટ્ટામાં વેરાઈટી ઓફ કલર્સ આવે છે. જેમકે, લાઈટ અને બ્રાઇટ કલર્સ. તમે તમારી ચોઈસ અને સ્કિન ટોન મુજબ દુપટ્ટાં અને કલરની પસંદગી કરી શકો. કાથા વર્કવાળો દુપટ્ટો પ્લેન ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે. દુપટ્ટાની એ ખાસિયત છે કે, જો તમને કાથા વર્કવાળો દુપટ્ટો વધારે વાર રિપીટ ન કરવો હોય તો, તે દુપટ્ટામાંથી તમે જેકેટ, કુર્તો કે પછી હેન્ડ બેગ બનાવી શકો. અથવા તો કુશન કવર પણ બનાવી શકાય. કાથા વર્કના દુપટ્ટા કોટન ફેબ્રિકમાં તો સારા લાગે જ છે પરન્તુ શિફોન અને ટસર સિલ્કના ફેબ્રિક પર પણ એટલા આજ સારા લાગે છે. કાથા વર્કવાળો દુપટ્ટો પહેરી લીધા પછી જો તમે તેને રિપીટ ના કરવાના હોવ તો તેમાંથી કોઈ શેપના પેચ કાપી લેવા અને તે પેચ તમે બ્લાઉઝ કે પછી સાડી પર મૂકી કોઈ પેટર્ન બનાવી શકો.
એક્સેસરીઝ- કાથા વર્કમાં અલગ અલગ એક્સેસરીઝ પણ આવે છે જેમકે ,હેન્ડબેગ,બેલ્ટ,હેર ટાઈ,હેરબેન્ડ, ફેબ્રિક જ્વેલેરી,સ્મોલ પાઉચ વગેરે. કાથા વર્કવાળી વસ્તુઓ વાપરવાવાળો વર્ગ આખો અલગ જ છે. જે મહિલાને ફેશનનું જ્ઞાન છે અને જેમને કાથા વર્કની સમજણ છે અને કિંમત છે તે મહિલા પાસે એક કાથા વર્કવાળું ગારમેન્ટ અથવા કાંઠા વર્કવાળી એકાદી એક્સેસરીઝ તો હશેજ.