ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓ ઘટ્યા

ગાંધીનગરઃ ગુજરાતમાં ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાનો (Gujarat Board Exams 2025) આજથી પ્રારંભ થશે. ધો. 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 કલાકે અને ધો. 12નું પેપર બપોરે 3 કલાકે શરૂ થશે. ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા
ધો. 10 અને ધો.12ના મળી કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. 10માં નોંધાયેલા કુલ 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો. 12 સાયન્સમાં 1,11,384 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,13,909 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 2023માં 15,46,498 વિદ્યાર્થી નોંધાયા હતા. 2024માં 15,18,066 વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે 2025માં 14,28,175 વિદ્યાર્થી નોંધાયા છે. આમ ગત વર્ષની તુલનાએ 89 હજાર ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે.
Also read: દસમા-બારમાની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
આ વાતો રાખો ધ્યાનમાં
ધો. 10-12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળ પર શક્ય હોય ત્યાં સુધી બુટ-મોજા પહેરવા નહીં. જો કોઈ વિદ્યાર્થી પહેરીને આવશે તો વર્ગખંડની બહાર કઢાવવામાં આવશે અને પછી જ પ્રવેશ અપાશે. ધો.10ના વિદ્યાર્થીને કેલક્યુલેટર લઈ જવાની મનાઈ છે. જ્યારે ધો.12ના વિદ્યાર્થીઓ માત્ર સાદુ કેલક્યુલેટર લઈ જઈ શકશે. પરીક્ષાના પ્રથમ દિવસે પેપર શરૂ થવાના અડધો કલાક પહેલા સ્થળ પર પહોંચી જાવ. હોલ ટિકિટમાં દર્શાવેલા નિયમોને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સ્થળે પહોંચવું.