એકસ્ટ્રા અફેર

સજજન કુમારને સજા, ન્યાયની ક્રૂર મજાક


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હીમાં 1984નાં શીખવિરોધી રમખાણો કેસમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને અંતે આજીવન કેદની સજા થઈ ગઈ. 1984નાં રમખાણો દરમિયાન દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યાના આ કેસમાં સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ 21 ફેબ્રુઆરીએ સજા સંભળાવવાનું એલાન કરેલું, પણ મૃતકોના પરિવારે સજ્જન કુમારને ફાંસી આપવાની માગ કરતાં 25 ફેબ્રુઆરીએ સજાનો નિર્ણય જાહેર કરવાનું એલાન કર્યું હતું.

સજ્જન કુમાર અત્યારે 1984નાં શીખવિરોધી રમખાણોને લગતા બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે. દિલ્હી હાઈ કોર્ટે 17 ડિસેમ્બર 2018ના રોજ શીખવિરોધી રમખાણો વખતે દિલ્હીમાં પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને સળગાવી નાખવાના કેસમાં સજ્જન કુમારને દોષિત ઠરાવીને સજા ફટકારવામાં આવી હતી. સજ્જન કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે તેથી આ ચુકાદાથી મોતને ભેટેલા લોકોના પરિવારને અંતે ન્યાય મળ્યાની લાગણી થશે, પણ સજ્જન કુમારને કોઈ ફરક નહીં પડે.

સજ્જન કુમાર સામે શીખોની હત્યામાં ત્રીજો કેસ પણ હતો. 1984નાં શીખ રમખાણો દરમિયાન દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં 3 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં જુલાઈ 2010માં કરકરડૂમા કોર્ટે ત્રણ શીખોની હત્યા કેસમાં સજ્જન કુમાર, બ્રહ્માનંદ, પેરુ, કુશલ સિંહ અને વેદ પ્રકાશ સામે આરોપો ઘડ્યા હતા. સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે જુબાની આપી હતી કે સજ્જન કુમાર ટોળાને ઉશ્કેરી રહ્યા હતા, પણ બીજા કોઈ પુરાવા નહીં હોવાથી સપ્ટેમ્બર 2023માં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં પણ સજ્જન કુમારે પોતે નિર્દોષ હોવાની જ રેકર્ડ વગાડી હતી.

સજ્જન કુમારને 2018માં કોર્ટે શીખવિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠેરવીને જનમટીપ ફટકારી એ વખતે ચર્ચા થયેલી કેમ કે આ રમખાણોના કેસમાં પહેલી વાર કોઈ મોટા માથાને સજા થઈ હોય એવું બન્યું હતું. હાઈ કોર્ટે સજ્જન કુમારને શીખોના હત્યાકાંડ માટેનું કાવતરું ઘડવાના આરોપમાં દોષિત ગણાવીને જનમટીપ ઠોકી દીધી હતી. દિલ્હી કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં આવેલા રાજનગર વિસ્તારમાં શીખ પરિવારના પાંચ લોકોને જીવતાં સળગાવીને મોતને ઘાટ ઉતારવા બદલ કૉંગ્રેસના કાઉન્સિલર બલવાન ખોખર સહિત બીજા લોકોને પણ હાઈ કોર્ટે દોષિત ઠેરવીને જુદી જુદી સજાઓ ફટકારી હતી. આ જ વિસ્તારમાં બીજાં શીખોનાં ઘર ને ગુરુદ્વારા સળગાવવાના કેસમાં પણ આ આખા ટોળાને દોષિત ઠેરવાયું છે.

સજ્જન કુમારને શીખો સામે લોકોને ઉશ્કેરીને હિંસા ભડકાવવાના ને કોમી સંવાદિતા ખોરવવાના ગુનામાં પણ દોષિત ઠેરવાયા હતા. અગાઉ ટ્રાયલ કોર્ટે આ જ કેસમાં સજ્જનકુમારને બાઈજ્જત છોડી મૂકેલા, જ્યારે બીજા બધાને સજા ફટકારેલી. હાઈકોર્ટે બીજાની સજા માન્ય રાખી, પણ સજ્જનને છોડવાનો ચુકાદો બદલીને તેમને પણ આંટામાં લઈ લીધો હતો. હાઈકોર્ટે સજ્જનકુમારને સજા ફટકારતી વખતે એવી ટિપ્પણી પણ કરી હતી કે, શીખોની હત્યા રાજકીય પીઠબળ ધરાવતા લોકોએ માનવતા સામે ઘડેલું કાવતરું હતું. હાઈ કોર્ટે સજ્જનકુમારને 31 ડિસેમ્બર લગીમાં શરણાગતિ સ્વીકારવા ફરમાન કરેલું ને સજ્જન એ પહેલાં જ હાજર થઈ જતાં જેલની હવા ખાતાં થઈ ગયેલા.

સજ્જનકુમારને સજા ચોક્કસપણે ચુકાદો મોટો છે, પણ ખરેખર તો ન્યાયની મજાક સમાન છે ને અત્યારે આ ચુકાદાનો કોઈ જ અર્થ નથી. સજ્જન કુમારને 2018માં આજીવન કેદની સજા થઈ ને જેલમાં જવાનો વારો આવ્યો એ રમખાણોનાં છેક 35 વર્ષ પછી આવ્યો હતો. આ 35 વર્ષમાં સજ્જનકુમારે બધું જ ભોગવી લીધું હતું. સજ્જન કુમાર સાંસદ બન્યા, કેન્દ્રમાં પ્રધાન પણ બન્યા, ભરપૂર સાહ્યબી ભોગવી ને બધાં સુખ ભોગવ્યાં. છેક 75 વર્ષની ઢળતી ઉંમરે જેલમા જવું પડે તો મતલબ નહોતો.

સજ્જન કુમાર બધી સાહ્યબી ભોગવતા હતા જ્યારે તેમના કારણે જે શીખો મર્યા તેમના પરિવારો સંઘર્ષ કરીને જીવ્યા. પોતાના પરિવારના મોભી ને સ્વજનો ગુમાવનારા લોકોએ માનસિક યાતના તો ભોગવી જ, પણ બીજો સંઘર્ષ પણ ભોગવ્યો ને સામે સજ્જન કુમાર સત્તા ભોગવતા રહ્યા, એ જોતાં સજ્જનને થયેલી સજા ન્યાયની મજાક હતી. અત્યારે તો સજ્જન ઑલરેડી જેલમાં છે ને મરવાના વાંકે જીવી રહ્યા છે ત્યારે ગમે તેટલી સજાઓ થાય તોપણ કોઈ ફરક પડતો નથી. 1984નાં રમખાણોનાં બે-ચાર વર્ષમાં સજા થઈ હોત તો એ ન્યાય મળ્યો ગણાત, પણ આ ન્યાય નથી. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં એ લોકોમાંથી મોટા ભાગનાની ઉંમર ઢળી રહી છે. બાળકો પ્રૌઢ બની ગયાં છે ને યુવાન ઘરડાં બની ગયાં છે. 35 વર્ષથી લોહીનાં આંસુ વહાવીને ને ફૂટેલાં કરમોને રડીને આંસુ પણ સૂકાઈ ગયાં છે ત્યારે હવે કોઈને સજા થાય કે ના થાય, તેનો બહુ હરખશોક નહીં હોય. ઘણા લોકો તો ન્યાયની રાહ જોતાં જોતાં ગુજરી પણ ગયાં છે.

શીખવિરોધી રમખાણો આ દેશ માટે બહુ મોટું કલંક છે અને રાજકારણીઓ ન્યાયતંત્રને કેવું મજાકરૂપ બનાવી શકે છે તેનો નાદાર નમૂનો છે. 31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી તેના બીજા દિવસે એટલે કે 1 નવેમ્બરે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. સત્તાવાર રીતે એ વખતે ફક્ત દિલ્હીમાં જ લગભગ 2700 લોકો માર્યા ગયા હતા. દેશભરમાં મૃત્યુઆંક 3,500ની નજીક હતો ને આ હત્યાકાંડ કૉંગ્રેસના નેતાઓના ઈશારો કરાયો હતો.

ઈન્દિરાની હત્યા પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસને 413 બેઠકોની થમ્પિંગ મેજોરિટી મળી હતી તેથી પાંચ વર્ષ સુધી તો કૉંગ્રેસના નેતાઓને હાથ લગાડવાનો પણ પ્રશ્ન જ નહોતો, પણ અટલ બિહારી વાજપેયીની સરકાર આવી પછી છેક મે 2000માં રમખાણોની તપાસ માટે જીટી નાણાવટી કમિશનની રચના કરવામાં આવી ત્યારે આ રમખાણોના કેસોમાં અસલ કાર્યવાહી શરૂ થઈ, 24 ઓક્ટોબર, 2005ના રોજ સીબીઆઈએ નાણાવટી કમિશનની ભલામણ પર પહેલો કેસ નોંધ્યો. હત્યાકાંડનાં 20 વર્ષ પછી કેસ નોંધાય તેના કરતાં વધારે શરમજનક શું કહેવાય?

કૉંગ્રેસે આ રમખાણો માટે કદી અફસોસ વ્યક્ત ના કર્યો. રમખાણોનાં 21 વર્ષ પછી વડા પ્રધાન મનમોહનસિંહે સંસદમાં માફી માંગીને કહેલું કે, 1984માં જે કંઈ પણ થયું તેનાથી તેમનું માથું શરમથી ઝૂકી જાય છે. આ માફી પણ એક શીખ વડા પ્રધાને માગેલી માફી હતી, બાકી કૉંગ્રેસ તો ચૂપ જ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button