નેશનલ

બે રાજ્યના રાજ્યપાલ બદલાયા: રઘુવર દાસ ઓડિશા અને ઇંદ્ર સેના રેડ્ડી ત્રિપુરાના નવા રાજ્યપાલ

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઓડીશા અને ત્રિપુરા આ બંને રાજ્યમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરી છે. તેલંગણાના નેતા ઇંદ્ર સેના રેડ્ડી નલ્લૂની ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી બુધવારે 18મી ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડી આ બે રાજ્યના રાજ્યપાલની નિમણૂંકની જાહેરાત કરવામાં આવી હતી.

રઘુવર દાસ હાલમાં ભાજપમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ સંભાળી રહ્યાં છે. રધુવર દાસે 2014થી 2019 સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 1995માં પહેલીવાર વિધાનસભ્ય બનેલા રઘુવર દાસએ તેમનો કાર્યકાળ પૂર્ણ કરનારા ઝારખંડના પહેલાં મુખ્ય પ્રધાન હતાં. રઘુવર દાસની હાલમાં ઓડિશાના પ્રવર્તમાન રાજ્યપાલ ગણેશ લાલની જગ્યાએ નમણૂંક કરવામાં આવી છે. લાલને 2018માં ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં.

તેલંગાણાના ભાજપના નેતા અને હાલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ઇંદ્ર સેના રેડ્ડી નલ્લૂને પણ ત્રિપુરાના રાજ્યપાલ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઇંદ્રસેના રેડ્ડી નલ્લૂની ત્રિપુરાના પ્રવર્તમાન રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યની જગ્યાએ નિમણૂંક કરવામાં આવી છે. આર્યને જુલાઇ 2021માં રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ત્રિપુરા અને ઓડિશાના નવનિયુક્ત રાજ્યપાલને તેમની નિમણૂંક બદ્દલ શુભેચ્છા આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button