પોલીસે ફરિયાદ ન નોંધતા લોકગાયક દેવાયત ખવડે અંતે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

અમદાવાદઃ ગુજરાતના જાણીતા લોકગાયક દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. આથી, એક કાર્યક્રમમાં હાજર ન રહેતા મોટો હોબાળો મચ્યો હતો. દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ અંગે દેવાયત ખવડે પોલીસમાં ફરિયાદ નોંધવવા ગયો હતો હતો પરંતુ આ અંગે તેની પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. જેથી હવે દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા, મુદ્દામાલ શોધી અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવા માટે અરજી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા. તે એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને બીજા ડાયરામાં કોઈ કારણોસર હાજર રહ્યો નહોતો. સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેવાયત ખવડ ડાયરાના સમયે હાજર રહ્યો ન હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ‘ડાયરા કિંગ’ દેવાયત ખવડ અને સોશિયલ મીડિયા ‘સ્ટાર’ કીર્તિ પટેલ ફરી આવ્યા વિવાદમાં, જાણો વિગત
ડાયરામાં હાજર ન રહેતા હુમલો
બીજી તરફ, દેવાયત ખવડ આણંદના સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યો હતો. જેથી ડાયરામાં હાજર ન રહેતા હુમલો થયાનું બહાર આવ્યું હતું. આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન દેવાયત ખવડનો ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. ત્યારે કાર પર હુમલો થયો હતો. હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે શું કહ્યું દેવાયત ખવડે?
આ સમગ્ર મામલે દેવાયત ખવડે મીડિયામાં ફોડ પાડતા જણાવ્યું હતું કે, ‘બે ડાયરાના કાર્યક્રમ હતા. સનાથલના ડાયરામાં પબ્લિક ઓછું હોવાથી હું બીજા ડાયરામાં ગયો હતો. બાદમાં મારા ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો, હુમલાખોરોએ કારના કાચ ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી હતી. એટલું જ નહીં, કારમાં રાખેલા રૂપિયા 5 લાખ પણ લૂંટી લેવામાં આવ્યા હતા. અમે ચંગોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા પરંતુ પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી. ગાડી હજુ પણ આરોપીઓ પાસે જ છે.