Mahakumbh: શ્રદ્ધા, પરંપરા અને ટેકનોલોજીના સંગમ સાથે ‘મહાકુંભ’નું સમાપનઃ વિક્રમી સંખ્યામાં ભક્તોએ લગાવી ડૂબકી
મહાશિવરાત્રીના અંતિમ પવિત્ર સ્નાન સાથે 45 દિવસના દિવ્ય કુંભ સંપન્ન, જાણો મહત્ત્વની વાતો

મહાકુંભ નગરઃ દુનિયાનો સૌથી મોટો મેળો ગણાતો મહાકુંભ મેળો આજે પૂર્ણ થયો હતો. મહાકુંભની શરૂઆત 45 દિવસ અગાઉ થઇ હતી. મહાકુંભના અંતિમ દિવસે શિવરાત્રીના શુભ અવસર પર ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા લાખો ભક્તો ઉમટ્યા હતા. બપોરના બે વાગ્યા સુધીમાં તો એક કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી, જ્યારે મહાકુંભમાં સ્નાન કરનારાની સંખ્યા પણ લગભગ 66 કરોડને પાર કરી હતી, જે લગભગ દેશની મોટા ભાગની જનતા પુણ્યની ડૂબકી લગાવી ચૂક્યાં છે.
આ પણ વાંચો: હિંદુ શ્રદ્ધાળુ તૈયાર થઇ જાઓ; આ તારીખે ખુલશે કેદારનાથ અને બદ્રીનાથ ધામના દ્વાર
નાસભાગ અને અકસ્માતોની ઘટનાથી કુંભ ચર્ચામાં રહ્યો

એક તરફ મહાકુંભમાં કરોડો લોકોએ એ વિશ્વાસ સાથે ડૂબકી લગાવી હતી કે તેમના તમામ પાવ ધોવાઇ જશે તો બીજી તરફ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટનાએ પણ લોકોને દુઃખી કરી દીધા હતા. આ ભાગદોડની ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. માત્ર સંગમ પર જ નહીં પરંતુ ઉત્તર ભારતના સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મહાકુંભ દરમિયાન ગંગા નદીના પાણીની શુદ્ધતા અને ભક્તોની સંખ્યાને લઇને અનેક રાજકીય વિવાદો છવાયેલા રહ્યા હતા.
રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત તમામ સેલિબ્રિટીઝ લગાવી ડૂબકી

ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધીમાં 64.77 કરોડ લોકો પ્રયાગરાજ આવી ચૂક્યા છે. આ સંખ્યા ચીન અને ભારત સિવાયના તમામ દેશોની વસ્તી કરતાં પણ વધુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ટોચના પ્રધાનો અને ફિલ્મ સ્ટાર્સ પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ટવિટ કરીને મહાકુંભના સાક્ષી બનનારા શ્રદ્ધાળુઓ અંગે મહત્ત્વની ટવિટ કરી હતી.
આ વખતના મેળામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો

આ શ્રદ્ધાળુઓ મેળાવડો હતો પરંતુ તે લોકોને પણ રસ હતો જેઓ પૌરાણિક કુંભમાં રસ રાખતા હતા. જ્યાં ધર્મ સંસ્કૃતિ સાથે મળે છે, જ્યાં આધ્યાત્મિકતા અને પરંપરાનો મેળ હોય છે અને જ્યાં આ વખતે એઆઇ અને આધુનિક ટેકનોલોજી દેવતાઓ અને ચમત્કારોની પ્રાચીન વાર્તાઓ સાથે ભળી ગઈ છે. ગ્રહોની સ્થિતિ પણ સારી હતી. નિષ્ણાંતોનો દાવો હતો કે આ આયોજન દરમિયાન ખગોળિય પરિવર્તન અને સંયોજન 144 વર્ષ બાદ થયું છે.
સંગમમાં સ્નાન કરવાથી ભક્તોને મળ્યું મોટું પુણ્ય

મહાકુંભ મેળામાં અભૂતપૂર્વ સુરક્ષા ઉપાયો જોવા મળ્યા હતા જેમાં એન્ટી ડ્રોન સિસ્ટમ અને એઆઇ સક્ષમ કેમેરાનો સમાવેશ થાય છે, જે આ કાર્યક્રમ માટે સ્થાપિત ઉત્તર પ્રદેશના 76મા જિલ્લા મહાકુંભ નગરમાં દેખરેખ રાખી રહ્યા હતા. આ મેળો 40 હેક્ટરમાં ફેલાયેલો હતો અને છેલ્લા છ અઠવાડિયાથી તમામ ગતિવિધિઓ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી હતી. પ્રવાસીઓ અને યાત્રાળુઓ ઘરે પાછા ફરવા લાગ્યા અને ત્યારે ઘણા લોકો કુંભ સમાપ્ત થાય તે પહેલાં સ્નાન કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુ હિન્દુઓ માને છે કે સંગમમાં પવિત્ર સ્નાન કરવાથી ‘મોક્ષ’ અથવા મુક્તિ મળે છે.
‘શોભાયાત્રા’ અને ‘અખાડા’ઓ હતા આકર્ષણનું કેન્દ્ર

પ્રયાગરાજમાં પડાવ નાખીને રહેતા ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતીએ સંસ્થાને જણાવ્યું હતું કે “મારા મતે મહાકુંભ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે અંતિમ શ્રદ્ધાળુ સંગમમાં ડૂબકી લગાવી દેશે. દર 12 વર્ષે યોજાતા મહાકુંભમાં ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અખાડાઓ અને ભસ્મ લગાવી હોય તેવા નાગા સાધુઓની ભવ્ય શોભાયાત્રાઓથી લઈને આધુનિક ટેકનોલોજી પ્રેમી હોય તેવા બાબાઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
મહાકુંભમાં બની હતી ‘નાસભાગ’ની કમનસીબ દુર્ઘટના

અખાડાના સાધુઓએ કુલ છ સ્નાનોમાંથી ત્રણમાં સ્નાન કર્યું જેને અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી), મૌની અમાવસ્યા (29 જાન્યુઆરી) અને વસંત પંચમી (3 ફેબ્રુઆરી) હતા. મહાશિવરાત્રીનું સ્નાન અંતિમ સ્નાન હતું. અન્ય બે પૌષ પૂર્ણિમા (13 જાન્યુઆરી) અને મહા પૂર્ણિમા (11-2 ફેબ્રુઆરી) હતા. 29 જાન્યુઆરીના રોજ બીજા અમૃત સ્નાન દરમિયાન ભાગદોડની ઘટના બની હતી. સંગમ પાસે ભાગદોડમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. આ મામલે વિપક્ષે સરકારની ટીકા કરી હતી.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટને લઈ પણ થયો વિવાદ

ગંગાના પાણીની ગુણવત્તા અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટને લઇને વિવાદ પેદા થયો હતો. લાખો લોકોએ જે સંગમમાં સ્નાન કર્યું તે પાણીમાં ફેકલ બેક્ટિરીયા અને ટોટલ કોફીફોર્મની માત્રા વધુ હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો હતો. જોકે મુખ્યપ્રધાન આદિત્યનાથે દાવાઓને ફગાવી દીધા હતા. મહાકુંભ મેળા દરમિયાન લગભગ અડધો ડઝન જેટલી આગની ઘટનાઓ બની હતી. ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ કહ્યું કે “50 જેટલા ફાયર સ્ટેશન, 20 ફાયર પોસ્ટ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હંમેશા સ્ટેન્ડબાય પર હતા.
ડ્રોનનો વીડિયો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો
આજે પણ પ્રયાગરાજમાં મહાશિવરાત્રિના સ્નાન પછી સમાપન થયું હતું, જ્યારે એના પહેલા મહાકુંભનો એક ડ્રોનનો વીડિયો પણ વાઈરલ થયો હતો. મહાશિવરાત્રિના સ્નાન પછી તંબુઓની નગરીમાંથી ટેન્ટ ઉખાડવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર ક્ષેત્ર ખાલી થઈ જશે, ત્યાર પછી ગંગા-જમુના અને અદૃશ્ય સરસ્વતીનો સંગમ થશે, પરંતુ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે નહીં. અંતિમ સ્નાન પછી મહાકુંભના એક વિસ્તારનો ડ્રોન વીડિયો વાઈરલ થયો હતો, જે જોઈને તમે પણ ભાવવિભોર થઈ જશો. એક વીડિયોમાં નદીમાં તરતી બોટ અને ગંગી કિનારે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી, જ્યારે અસંખ્ય લોકોએ આસ્થાની ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા, જેમાં ચારેબાજુ લોકોની સંખ્યા પણ જોવા મળી હતી.
જુલાઈ-ઓગસ્ટમાં ડૂબી જશે કુંભનગરીનો 98 ટકા ભાગ

જુલાઈ-ઓગસ્ટ મહિના દરમિયાન ગંગાજીમાં પૂર આવે છે ત્યારે જ્યાં કુંભનું આયોજન કરવામાં આવ્યું છે તેનો 98 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ જશે. વરસાદની સીઝન પૂરી થયા પછી ઓક્ટોબર નવેમ્બરમાં ફરી માઘ મેળાની તૈયારીઓ કરવામાં આવશે, કારણ કે પ્રયાગરાજમાં દર વર્ષે માઘ મહિનામાં માઘમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માઘ મેળાનું આયોજન પણ મક્રરસક્રાંતિથી લઈને મહાશિવરાત્રિ સુધી હોય છે.